• Gujarati News
  • Bhuj Corporation CO Tired A Lot Of Works In Office On First Day

ભુજ પાલિકામાં નવા CO પહેલા દિવસે સહી કરી કરીને થાકી ગયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નેતાઓના દબાણને હડસેલીને તંત્રે ચાર્જ આપ્યો, અટકેલા અનેક કામોનો ખુલ્યો માર્ગ
- 15 દિવસથી જન્મ-મરણના દાખલા,લગ્ન નોંધણીના થયા હતા થપ્પા
ભુજ: ભુજ પાલિકાનો 15 દિવસથી ચીફ ઓફીસરની ગેરહાજરીના કારણે અટકેલો વહીવટ શુક્રવારે ફરી ગતિમાં આવ્યો હતો. રાજય સરકાર દ્વારા ભુજ પાલિકામાં પુર્ણકાલીન સીઓ મુકાયા છતાં નેતાઓના દબાણને વશ થઇને વહીવટીતંત્ર દ્વારા મેહુલ જોધપુરાને ચાર્જ આપવામાં આવતો ન હતો. આ વાત બહાર આવતા તંત્રે પોતાની ઇજ્જત બચાવવા આખરે શુક્રવારે કાયમી સીઓને હાજર થઇ જવા જણાવ્યું હતું. જેથી આજથી ભુજ પાલિકામાં નવા સીઓએ વિધીવત ખુરશી સંભાળતા સૌને હાશકારો થયો હતો. 15 દિવસના ચડી ગયેલા કામના કારણે પ્રથમ દિવસે સીઓ સહીઓ કરતા કરતા રીતસરના થાકી ગયા હતા. તેઓને પુછવું પડયું હતું કે, હજી કેટલી સહીઓ કરવાની છે.
અત્યાર સુધી ભચાઉના કાયમી સીઓ તરીકે કામગીરી કરી ચુકેલા જોધપુરા હવે ભુજના પુર્ણકાલીન ચીફ ઓફીસર તરીકે નિમાયા છે. જયારે તેઓ પાસે વધારાનો ભચાઉ તથા રાપરનો ચાર્જ પણ રહેશે. તેઓએ ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભુજને લગતી સમસ્યાઓનો ઉકેલ આવે તે દિશામાં હું પ્રયત્નશીલ રહીશ. ખાસ કરીને સ્વચ્છતા, લાઇટ અને પાણી જેવી પ્રાથમિક સમસ્યાઓ હલ કરવા વ્યવસ્થિત માળખું તૈયાર કરાશે. કામદારોના પ્રશ્નો તેમજ લોકોની સમસ્યા ત્વરાએ ઉકેલાય તે રીતની કામગીરી કરાશે.

શહેર, સુધરાઇ, કર્મચારી તથા લોકોને નડતા મુખ્ય પ્રશ્નો મુદે સીઓ સાથે ભાસ્કરે કરી વાત
પ્રશ્ન: પાલિકાની નવી ઇમારત માટે જમીનનો કબ્જો નથી મળતો તો ભુમિકા રહેશે આપની?
જવાબ: આ મુદે મને ખ્યાલ નથી,હું પ્રથમ જમીનનો કબ્જો અમને મળે તે દિશામાં જો કોઇ અડચણ હશે તો તેને ઉકેલવા પ્રયાસ કરીશ.
પ્રશ્ન: 48 દિ'થી કાયમી કરવા મુદે હડતાલ પર ઉતરેલા કામદારોએ તા.15મીથી કામ ઠપ્પ કરવાની ચીમકી આપી છે તો આ પ્રશ્ન કયારે ઉકેલાશે ?
જવાબ: આજે જ મને આ મુદે રજુઆત આવી છે પણ વ્યસ્તતાના કારણે કાગળો વાંચી નથી શકયો,હું જોઇ લઉં છું પ્રશ્ન હલ થાય તેવા પ્રયાસો હશે.
પ્રશ્ન: 1 માસ પહેલા પાલિકા હસ્તક લેવાયેલા 170 કામદારો ફરી ખાનગી કોન્ટ્રાકટ આપવાનો વિરોધ કરી રહ્યા છે તો?
જવાબ: પ્રથમ હું અભ્યાસ કરી લઉં છું. વ્યવસ્થિત સફાઇ તથા કર્મચારીઓના હિતમાં શું થઇ શકે તે મુજબ કરાશે.
પ્રશ્ન: નિવૃત કર્મી.ની 31 લાખ જેટલી ગ્રેજયુઇટી ચુકવાઇ નથી?
જવાબ: આ માટે મારે લીગલી સ્ટેટસ ચેક કરાઉં પડશે.
પ્રશ્ન: ભુજમાં ગંદકીની સમસ્યા માથાના દુ:ખાવો બની છે?
જવાબ: આ સમય માંગી લે તેવું કામ છે,નિયમિત વર્કઆઉટ,રૂટિન ચેકીંગ કરીને આ સમસ્યા હલ કરશું.