તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં નાયબ મામલતદારને તમાચા ઝીંકાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે મામલતદાર કચેરીમાં કર્મચારીઓ કામથી અળગા રહેશે

સરકારી તંત્રમાં સામાન્ય લોકોના કામ ધીમા થતાં હોવાની ભલે આમ ફરિયાદ હોય, પણ તે માટે રજૂઆત કરવાને બદલે કાયદો હાથમાં ન લઇ શકાય, પણ ભુજમાં આજે આવું થયું હતું. મામલતદાર ઓફિસમાં આવકના દાખલાના મામલે એક શખ્સે નાયબ મામલતદારને એક સાથે પાંચ ફડાકા ઝીંકી દીધા હતા. આ બનાવને પગલે કર્મચારીઓમાં રોષ ફેલાયો છે.

મહેસૂલી સૂત્રોમાંથી મળતી માહિ‌તી મુજબ ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતા સુરંગી મામદ કાસમે એકાદ દિવસ પૂર્વે આવકના દાખલા માટે અરજી કરી હતી. આ અરજી તુરંત કર્મચારીઓ દ્વારા મામલતદારની સહી માટે મોકલી દેવામાં આવી હતી, પણ મામલતદાર દ્વારા તેમાં સહી ન થાય ત્યાં સુધી તેને દાખલો આપી શકાય એમ ન હતો.

આ વાત નાયબ મામલતદાર મહેન્દ્ર પલણે હુમલાખોરને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી, પણ તે સમજ્યો ન હતો અને પલણને એક સાથે પાંચ ફડાકા ઝીંકી દીધા હતા. સાથી કર્મચારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો મામદે તેમના પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવને પગલે તુરંત જ હુમલાખોર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ વર્ગ-૩ના પ્રમુખ મહેન્દ્ર હુબડાએ આ બનાવ પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આવું જો થતું રહેશે તો લોકોની સેવા પર વિપરીત અસર પડી શકે એમ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આ બનાવના વિરોધમાં શનિવારે ભુજની મામલતદાર કચેરીના કર્મચારીઓ કામથી અળગા રહેશે.
દરમિયાન, એક કર્મચારીએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ખુદ મામલતદાર કામમાં ઢીલા હોવાના કારણે તેનો ભોગ કર્મચારીઓને બનવું પડે છે.

થોડા મહિ‌નાઓ પૂર્વે રાપરના એક માથાભારે ઇસમે ભચાઉમાં પણ નાયબ મામલતદારને માર માર્યો હતો, ત્યારે સમગ્ર કચ્છના મહેસૂલી કર્મચારીઓએ વીજળીક હડતાળ પાળી હતી અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. આ બનાવમાં આરોપી પકડાઇ ગયા બાદ હાલે જામીન પર હોવાનું જાણવા મળે છે.