- રસી પીવડાવવાથી જ પુત્રીનો ભોગ લેવાયાનો અંતરજાળના પરિવારજનોનો આક્ષેપ
- એફએસએલના પરીક્ષણ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે : પોલીસ
ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામે એક બે માસની બાળકીને બુધવારે સવારે પેન્ટેવિલા વેક્સિન આપ્યા બાદ ઉંઘી ગઇ હતી અને કોઇક કારણોસર તેનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી પરિવારજનોએ ટીપાં પીવડાવવાના કારણે જ માસૂમનું મોત નીપજ્યાનો આક્ષેપ કર્યો હતો અને સ્થાનિકને બદલે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પોસ્ટ મોર્ટમ કરાવાનો નિર્ણય લીધો હતો અને જામનગર ખાતે લઇ ગયા હતા.
આ અંગે આદિપુરના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર ભીમજીભાઇ નિંજારે જણાવ્યું હતું કે, કિડાણા પ્રાથમિક સામૂહિક કેન્દ્ર દ્વારા દર માસના ચોથા બુધવારની આસાપાસની આંગણવાડીઓમાં ૦થી પ વર્ષના ભૂલકાંને પેન્ટેવિલા વેક્સિન આપવામાં આવ્યાં છે, ત્યારે ગઇકાલે પણ આ કાર્યક્રમ યોજાયો હતો અને અંતરજાળના રાજનગરમાં આવેલી આંગણવાડી ખાતે ઘનશ્યામસિંહ ઝાલાએ પોતાની બે માસની પુત્રી હર્ષિદાબાને પણ ટીપા પીવડાવ્યાં હતાં.
સવારે ૧૧ વાગ્યાના અરસામાં ટીપાં પીવડાવ્યા બાદ માતા-પિતા પુત્રીને લઇને ઘરે ચાલ્યા ગયા હતા, જ્યાં ૧૨ વાગ્યા પછી પુત્રી હર્ષિદાબા સૂઇ ગઇ હતી અને સાંજ સુધી ન ઉઠતાં પરિવારે તાત્કાલિક પ્રથમ ખાનગી હોસ્પિટલ ખસેડી હતી, જ્યાંથી રામબાગ ખસેડી હતી, પરંતુ પુત્રીનો નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યો હતો. ત્યાર બાદ પરિવારજનોએ ટીપાં પીવડાવ્યા બાદ આ ઘટના બની હોવાનો આક્ષેપ કરતાં પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઇ ગઇ હતી. અંતે પરિવારે પોતાની વ્હાલસોયીનું પોસ્ટ મોર્ટમ જામનગર કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, હર્ષિદાબા એક નહીં, પણ અન્ય ૧૭ બાળકને પણ ટીપાં પીવડાવવામાં આવ્યાં હતાં. આ પૈકી કોઇને અસર થઇ નથી તેમ છતાં રિપોર્ટ આવ્યા બાદ સર્જાયેલા રહસ્ય પરથી પડદો ઉંચકાશે.