- પપ હજાર એકમ વધારી કોન્ટ્રાક્ટરને ૧.૩૨ કરોડનો ફાયદો કરાવ્યો
- શહેરના નાગરિકે વસતીના આંકડા, કચરો ઉત્પન્ન કરતા એકમો સહિતના દસ્તાવેજી પુરાવા સાથે કરી રજૂઆત
ગાંધીધામ નગરપાલિકા દ્વારા સફાઇના કોન્ટ્રાક્ટમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો વિરોધ પક્ષ કોંગ્રેસ, જાગૃત નાગરિકો, વકીલોએ સમયાંતરે આક્ષેપ કર્યો હતો. તેમ છતાં ગેરરીતિઓ કેમ આચરવી તે તો ગાંધીધામ પાલિકા પાસેથી જ શીખી શકાય. શહેરના એક જાગૃત નાગરિકે તો પૂરતા આધાર પુરાવા અને ચોક્કસ આંકડા સાથે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી પાલિકામાં ચાલતી પોલમપોલ સપાટી પર લાવી દીધી છે. સુધરાઇએ ભ્રષ્ટાચાર આચરવા કચરો ઉત્પન્ન કરતાં એકમોમાં અધધધ પપ હજારનો વધારો કરી અત્યાર સુધીમાં ૧.૩૨ કરોડનો કોન્ટ્રાક્ટરને સીધો ફાયદો કરાવ્યાનું જણાવ્યું છે.
સુધરાઇના અધિકારી અને પદાધિકારીઓએ પ્રજાની આંખમાં ધૂળ નાખી કેવી રીતે ભ્રષ્ટાચાર આચર્યો તેની સંપૂર્ણ વિગત એવી છે કે, સુધરાઇએ પોતાની હદ વિસ્તારમાં ડોર ટુ ડોર ઘનકચરા કલેક્શનનો કોન્ટ્રાક્ટ આપતા સમયે ટેન્ડરમાં શહેરમાં કચરો ઉત્પન્ન કરતાં એકમો ૪૦૨૦૮ મકાન અને દુકાન સહિત દર્શાવ્યાં હતાં, જેથી કોન્ટ્રાક્ટરે ઘરદીઠ માસિક ચાર્જ ૨૦ લેખે ભાવ ભર્યા હતા, જેને મંજૂર કરી દીધા બાદ વર્કઓર્ડર આપવા સમયે આ એકમો વધારીને ૯પ૦૩૩ કરી નાખ્યાં હતાં. આટલાં બધાં એકમોમાં વધારો કેમ થયો તે અંગે પાલિકા વર્ષ ૨૦૦૯માં માઇક્રો પ્લાનિંગ કર્યું તેના આધારે ગણ્યાનું ગાણુ ગાઇ રહી છે.
વાસ્તવમાં આ પત્રક બનાવતા સમયે સુધરાઇએ શહેરની વસતીને ૪થી પ લાખની ગણાવી હતી. ખરેખર જોવા જઇએ, તો પાલિકાએ તૈયાર કરેલી વસતીના આંકડાના ત્રણ વર્ષ બાદ ૨૦૧૧માં સર્વે કરાવતાં શહેરની વસતી ૨,૪૭,૯૯૨ દર્શાવવામાં આવી છે, ત્યારે સાચું કોને માનવું એ પણ એક પ્રશ્નાર્થ છે. અત્યાર સુધીમાં કોન્ટ્રાક્ટરને કુલ ૧.૩૨ કરોડની વધુ ચૂકવણી કરવામાં આવી છે.
- વોર્ડ પ, ૬ અને ૧૨માં તો પાલિકા સગવડ આપતી નથી
૨.૪૭ લાખની વસતીને એક તબક્કે માની લઇએ તેમ છતાં વોર્ડ નં. પ ગોપાલપુરી, વોર્ડ નં. ૬ રેલવે કોલોની તથા વોર્ડ નં. ૧૨ ઇફકો કોલોનીમાં તો સુધરાઇ પાણી, લાઇટ કે અન્ય કોઇ સુવિધા આપતી નથી શહેરની મોટાભાગની વસતી તો આ ત્રણ વિસ્તારમાં જ રહે છે.