દલિત સમાજની કિંમતી જમીન APMCએ પચાવ્યાનો આક્ષેપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- એપીએમસીએ પોતાને ફાળવાયેલી જમીન પર બાંધકામ ન કરીને દલિતોને મળેલી જમીન પર બાંધકામ કરી કબજો કરી લીધાની ફરિયાદ ઉચ્ચકક્ષાએ કરાઇ
એપીએમસી-ભુજને ફાળવાયેલી જમીન પર નહીં, પણ રાજાશાહી વખતે દલિતોને ફાળવાયેલી જમીન પર એપીએમસીનું સંકુલ બનાવીને જમીન પચાવી પાડયાના આક્ષેપ સાથેની ફરિયાદ પુરાવા સહિ‌ત રાજ્યના અગ્રસચિવને કરાઇ છે. ભુજના રામજી મહેશ્વરી દ્વારા ફરિયાદમાં જણાવાયું છે કે, એપીએમસીની જમીન સર્વે નં. ૮૨૭ પર છે, જ્યારે તેમણે સંકુલ સર્વે નં. ૩૯૩માં બનાવ્યું છે, આ જમીન ૧૯૩૦ સવંતમાં રાજાશાહી વખતે દલિત સમાજના વણકરો જે પીથોરાપીરના પૂજારી હતા તેમને મળેલી હતી, જેના આધાર-પુરાવા પણ હયાત છે. દલિત સમાજને કચ્છરાજ દ્વારા મળેલી ૨૮ એકર જમીન દલિત સમાજને પરત મળે, તે માટેની કાર્યવાહી કરવા માગણી કરાઇ છે.
જમીનના છાપાખત સા.કે. સવંત ૧૯૩૦ મુજબ ઉલ્લેખ કરવામાં આવેલા વીરાવાવ, કુંથબાઇ તળાવડી, પીથોરાજીનું સ્થાનક તથા માતાજીની દેરી, પાળિયા વગેરે પર એપીએમસી-ભુજ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે, જે દબાણ સત્વરે હટાવવા અને જમીન ફ્રી કરી દલિત સમાજને સુપરત કરવા માગણી ઉઠાવાઇ છે. આ મુદ્દે એપીએમસીના પ્રમુખ મનુભા જાડેજાએ જણાવ્યું હતું કે, આ મુદ્દે તેઓ કોર્ટમાં ગયા હતા અને આદેશ બાદ કલેકટરના હુકમથી ડીએલઆર તથા સિટીસર્વે દ્વારા જમીન માપણી કરીને અપાઇ હતી, તેમાં બાંધકામની ભાડાએ મંજૂરી આપ્યા બાદ કામ શરૂ કરાયું હતું.