• Gujarati News
  • Adesara Have All Lost Their Lives Ghusatam Off Trailer Movie Trailer

આડેસર પાસે બંધ ટ્રેઇલર પાછળ ટ્રેઇલર ઘૂસતાં ત્રણે જીવ ગુમાવ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રાથી કોલસો ભરી પટિયાલા તરફ જઇ રહેલાં ટ્રેઇલરમાં આડેસર નજીક પંકચર પડતાં ચાલકે વાહન થોભાવ્યું હતું, ત્યારે જ પાછળથી કાળમુખું ટ્રેઇલર ધસી આવતાં તેમાં બેઠેલા ડ્રાઇવર-ક્લીનર તથા વ્હીલ બદલતા નિવૃત્ત ફૌજીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી ચાલક ફરાર થઇ ગયો હતો.

આડેસર પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પંજાબના મલકીતસિંઘ હરનેશસિંઘ જાટ (૪૦), હરનેકસિંઘ (૪પ, નિવૃત્ત ફૌજી) પીબી ૧૩ ક્યુ ૮૧૯૭ નંબરના ટ્રેઇલરમાં મુન્દ્રાથી કોલસો ભરી શુક્રવારે સાંજના પટિયાલા તરફ રવાના થયા હતા, જે રાત્રિના ૧:૪પ વાગ્યાના અરસામાં આડેસર નજીકથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે ટ્રેઇલરના વ્હીલમાં પંક્ચર પડતાં વાહન થોભાવી ક્લીનર હરનેકસિંઘ વ્હીલ ચેન્જ કરી રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે દોડી આવેલા આરજે ૧૪ ડી ૪૦૯૮ નંબરના ટ્રેઇલરના ચાલકે પાછળથી ધડાકાભેર અથડાવ્યું હતું. અકસ્માતમાં હરનેકસિંઘ ઉપરાંત રાજસ્થાન પાસિંગના ટ્રેઇલરમાં બેઠેલા બલરામ યાદવ (૨૩) તથા જમન ફકીર (૪૯) (બન્ને રાજસ્થાન)નું દબાઇ જવાથી પ્રાણપંખેરું ઉડી ગયું હતું, અકસ્માત સર્જીને ચાલક પલાયન થઇ ગયો હતો. આડેસર પીએસઆઇ સહિ‌તનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ લાશને હોસ્પિટલ ખસેડી હતી.

બંધ ટ્રેઇલર રોડની નીચે ઉતરી ગયું
અકસ્માત એટલો ગંભીર હતો કે, પાછળથી ટ્રેઇલરની ટક્કરથી બંધ ટ્રેઇલર રસ્તા પરથી નીચે ઉતરી ગયું હતું, જ્યારે અકસ્માત સર્જનારાં ટ્રેઇલરની કેબિનનો તો સાવ ભૂક્કો થઇ ગયો હતો.