'અદાણી સેઝ’નું કામ રોકી રાખવા શેખડિયાના ગ્રામજનો મક્કમ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૌચર જમીનની ચતુર્દિશા સ્પષ્ટ ન દર્શાવાય ત્યાં સુધી રોકવાની ચીમકી વહીવટીતંત્રની ટીમે સ્થળ નિરીક્ષણ કરતાં વિવિધ મુદ્દે રજૂઆત કરાઇ મુન્દ્રા તાલુકાના શેખડિયા ગામની ૩૩૧ એકર જેટલી જમીન અદાણીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ફાળવી દેવાયા બાદ આ જમીન પર ફેન્સિંગ કરવા દેવાનો વિરોધ કરતાં ગ્રામજનોએ જયાં સુધી ૭/૧૨માં દર્શાવાયેલી ગૌચર જમીનની ચતુર્દિશા સ્પષ્ટ રીતે ન દર્શાવાય ત્યાં સુધી કામગીરી રોકવા ચીમકી આપી છે. બુધવારે આ મામલે સ્થળ નિરીક્ષણ કરવા ગયેલી વહીવટીતંત્રની ટીમ સમક્ષ ગ્રામજનો અને પંચાયતે કરેલી રજૂઆત મુજબ સેઝને ફાળવાયેલી જમીનમાં ગામમાં તળાવો, ધાર્મિ‌ક સ્થળો, વોકળા, ખેતરમાં જતી ગાડાં વાટ સહિ‌તનો વિસ્તાર આવી જાય છે. એટલું જ નહીં ગૌચર જમીન પણ સેઝને ફાળવી દેવાઇ છે, આમ સરવાળે માત્ર ગામતળના ૪૦૦ જેટલા ખોરડાં જ બચે છે, મોટા ભાગની જમીન ફાળવી દેવાતાં ગામના બે હજાર જેટલા પશુધન માટે ચારિયાણનો પ્રશ્ન ઊભો થશે. બીજી બાજુ વહીવટીતંત્ર દ્વારા ૭/૧૨માં ૭૨ એકર જમીન ગૌચર માટે અનામત રખાઇ છે, તેવું દર્શાવાતાં પંચાયત અને ગ્રામજનો દ્વારા તેની ચતુર્દિશા સાથે આ જમીન કયાં છે, તે દર્શાવવા આગ્રહ કરાયો હતો. કેમકે સેઝને સમતળ સિવાય પાદર સહિ‌તની મોટાભાગની જમીન આપી દેવાઇ છે, ત્યારે સરકારના કહેવા મુજબ ગૌચર જમીન કયાં છે તેનું ચિત્ર અસ્પષ્ટ છે. આમ, ગામના આંતરિક માર્ગો, જળાશયો, ધાર્મિ‌ક સ્થળો અને ગૌચર જમીન સેઝમાં આવી જતી હોવાથી જયાં સુધી આ મામલે સ્પષ્ટ ચિત્ર સામે નહીં આવે ત્યાં સુધી ફેન્સિંગ નહીં કરવા આપીએ તેવી ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારાઇ હોવાનું કાર્યકારી સરપંચ ચંદુભા ડાડુજી જાડેજાએ જણાવ્યું હતું. મુન્દ્રા મામલતદાર કચેરીના ભાટી, અદાણીના દેવાંગ ગઢવી, ડીઆઇએલઆર ભુજના સાધુભાઇ અને બ્ર?ભટ્ટભાઇ તથા પોલીસ કાફલા સાથે સ્થળ નિરીક્ષણ કરાયું ત્યારે આ રજૂઆત કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂકંપ બાદ કચ્છભરમાં રાજય સરકારે ફાળવેલી ગૌચર કે ખેતીલાયક જમીન બાબતે લોકોને વિશ્વાસમાં લીધા વિના ફાળવી દેતાં ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે.