• Gujarati News
  • White Runn Road Situation Plundered Karkavrtt Board Missing

સફેદરણના રસ્તે મૂકાયેલું કર્કવૃતનું બોર્ડ ચોરાઇ ગયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂજ : કચ્છના વિખ્યાત સફેદરણના રસ્તે જતા લોરિયાથી આગળ આવેલા ટ્રોપીક ઓફ કેન્સર' એટલે કર્કવૃત પસાર થતી હોય તેવું બોર્ડ લગાવાયું હતું, પરંતુ છેલ્લા થોડા સમયથી આ બોર્ડ ચોરાઇ ગયાનું માલૂમ પડ્યું છે. આ અંગે એક્સપ્લોર કચ્છ ડેવલમેન્ટ ટ્રસ્ટના કેતન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અહીં કર્કવૃતનું બોર્ડ મારેલું હતું. જે ગઇ સાલથી જોવા મળતું નથી. સફેદરણ અને કાળોડુંગર જતા હજારો પ્રવાસી અહીં બોર્ડ જોઇને તેની સાથે અચૂક ફોટો પડાવવા ગાડી થોભાવતા હતા.
હાલે બોર્ડ જોવા ન મળતાં પ્રવાસીઓમાં પણ નારાજગી ફેલાઇ છે, જે પ્રવાસીઅોને અહીં કર્કવૃત તેની ખબર છે, તેવા વિદેશી ટૂરિસ્ટોને પોતે હાથેથી આ જાતનું બોર્ડ તૈયાર કરીને હાથમાં રાખીને ફોટોસેશન કરી રહ્યા છે. હાલમાં જ છેક જર્મનીથી આવેલા રોટેલ ટુર્સના દાસ રોલેન્ડ હોટેલના પ્રવાસીઓએ તે જગ્યા પર કાગળ પર કર્કવૃત હોવાનું લખાણ કરીને તે બોર્ડ હાથમાં પકડીને ફોટો પડાવ્યા હતા અને ટૂરિઝમ વિભાગની આ પ્રકારની બેદરકારી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.
ગોસ્વામીએ જણાવ્યું હતું કે, દરેક ગાઇડો અહીંથી પસાર થતાં પોતાની સાથેના ટૂરિસ્ટોને ટ્રોપીક ઓફ કેન્સર બતાવે છે અને તેના વિશે જાણકારી અાપે છે. આથી અહીં બોર્ડ ન હોતાં પ્રવાસીઓને સમજાવવું પણ અઘરું થયું છે. કેટલાય માસથી આ બોર્ડ ગુમ છે, છતાં તંત્રે કોઇ દરકાર લીધી નથી. આ અંગે કલેક્ટર મહેન્દ્ર પટેલ સાથે ભાસ્કરે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, અમારા ધ્યાનમાં આ બાબત આવી નથી, હું આર. એન્ડ બી.ને ત્વરાએ બોર્ડ મૂકવા સૂચના આપી દઉં છું.