ગાંધીધામમાં 15 મિમિ વરસાદ, નગરમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકો અટવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ: નગરપાલિકાની નિંભર નીતિનો લોકો અવારનવાર ભોગ બની રહ્યા છે. સામાન્ય વરસાદે પણ પ્રથમ રાઉન્ડમાં વરસાદી નાળાની સફાઇની પોલ ખોલી નાખ્યા પછી પણ તંત્ર જાગ્યું ન હતું. દરમિયાન આજે વરસેલા વરસાદે ફરી એક વાર શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાઇ જતાં લોકોને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના નિકાલ માટે વરસાદી નાળાની સફાઇ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યા પછી પણ લોકોને સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ ગયું છે ઉલ્ટાનું લોકોની દુવિધામાં વધારો કરવા સફળ થઇ છે તેમ કહી શકાય.

વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

મેઘરાજાના બીજા રાઉન્ડમાં માત્ર 15 મીમી પાણી નોંધાયું છે તેમાં પણ પાલિકાની નબળાઇ ફરી એક વખત છતી થઇ છે. મુખ્ય હાર્દ સમા વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની ગઇ છે. અંતરીયાળ વિસ્તારમાં પણ પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે પાણી ભરાતા અવરજવર કરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ચાવલા ચોક, હાઇવે, સુંદરપુરી, લીલાશાહનગર, ભારતનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. 

વિપક્ષનું મૌન, સત્તાપક્ષ સત્તાના નશામાં મશગુલ

ચૂંટણી આવે ત્યારે મત માટે ભીખ માંગતા રાજકીય પક્ષો ખરેખર જ્યારે લોકોને જરૂરીયાત હોય છે ત્યારે તેની પડખે ઉભા રહીને તેને સાંત્વના આપવી જોઇએ તે કેટલીક વખત આપતા નથી તે હકીકત છે. શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા અંગે વિપક્ષે પણ મૌન સેવ્યું છે જ્યારે બીજી તરફ જોવામાં આવે તો સત્તાધારી પક્ષ સત્તાના નશામાં મશગુલ હોવાથી લોકોની હાલત સેન્ડવીચ જેવી થઇ ગઇ છે. અલબત, ભાજપ અને કોંગ્રેસના કેટલાક આંગળીને વેઢે ગણાય તેટલા સભ્યોએ આજે પોતાના વિસ્તાર ઉપરાંત અન્ય સ્થળે પાણી ભરાયા તેનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચના આપી હતી. પરંતુ પાલિકાના અધિકારીએ તો એસી ચેમ્બરમાંથી બહાર આવવાનું ટાળ્યું હતું.
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
અન્ય સમાચારો પણ છે...