તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી-ઘાસચારાના અભાવે બન્નીના પશુધનના બે મહિનાથી ચાલે છે રોજા !

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: ભારતના સૌથી વિશાળ ગ્રાસલેન્ડમાં નામાંકિત બન્નીની હાલત અત્યારે એવી છે કે,ત્યાં પશુઓને ખાવા માટે પૂરતું ઘાસ અને પાણી ન મળતા રમઝાન મહિનામાં પશુપાલક એવા મુસ્લિમ સમુદાય સાથે તેમના પશુધનને પણ રોઝા રાખવાનો વારો આવ્યો છે.ગરમી દિવસે દિવસ વધી રહી છે અને તેમ તેમ અહીંની હાલત બદતર થતી જઈ રહી છે.

બન્નીના ભીરંડિયારા,હોડકો,રેલડી,સરગુ,મિશરીયાળો,સાંઘાણીવાંઢ આ ગામોના માલધારીઓ એકીઅવાજે હાલ પ્રાથમિક જરૂરિયાત સમી ઘાસ અને પાણીની તંગીથી ત્રસ્ત આવી ગયા છે.પાણીની સમસ્યા અંગે જણાવતા સાંઘાણીવાંઢના અલવર સુમરા હાલેપોત્રાએ જણાવ્યું કે, હાલ તેઓ પોતાની 600 ગાયો માટે બન્નીમાં ઘાસ પાણીની વ્યવસ્થા ન હોતા ઉત્તરાદિ બન્ની થઇ વાગડના ચોબારીના વગડામાં હિજરત કરી ગયા છે,હોડકોમાં જે અમુક ગાયો છે તે પણ મોતને ઘાટ ઉતરી રહી છે.સમાન પરિસ્થિતિ અહીંના હમીર ઢોળું હાલેપોત્રાની પણ થઇ છે,જેમના પાસે પશુધન તો છે પણ પોષણ કરવા ખોરાક કે પાણીની કોઈજ વ્યવસ્થા નથી.આ પરિસ્થિતિ અહીંની પાંચ હજાર ગાયો પર વીતી રહી છે. 

લોરિયાથી લઇ ભીરંડિયારા વચ્ચે પાણીની લાઈનમાં કેટલાય ગેરકાયદે જોડાણો થકી બન્ની તરસી રહી જાય છે,ઉપરાંત આવા જોડાણો માટે જયારે લાઈનમાં કટ મરાય છે,ત્યારે હજારો લીટર પાણીનો રણમાં વ્યય થાય છે પણ પશુધનના મોઢા સુધી પાણીનું ટીપુંય પહોંચતું નથી.આ ઉપરાંત સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે,રણ ટુરિઝમ થકી ભીરંડિયારાથી ધોરડો સુધી અનેક ભૂંગા રિસોર્ટ અને હોટેલો ખુલી છે,એવામાં અધિકારીઓની મિલીભગતથી તેમને પૈસા લઇ આસાનીથી જોડાણો મળી જાય છે,પણ માલધારીઓને પશુઓ માટે જોડાણ આપવામાં આનાકાની કરવામાં આવે છે.

અછતની હાલતમાં ઘાસચારાની વિકટ પરિસ્થિતિથી તંગ આવી ગયેલ પશુપાલકોએ જણાવ્યું કે,ઘાસ વિતરણ અને ઘાસ ડેપો માત્ર સરકારી ચોપડે જ સબ સલામત છે.અત્યાર સુધી માત્ર 10 ગાડી જ ઘાસની આવી છે,એક ગાંસડીમાં 70 કિલો ઘાસ આવે છે અને એક ગાડીમાં 50 ગાંસડી આવતી હોય છે. ત્યારબાદ અહીં ઘાસ નથી આવ્યું.સરકારના નિયમ મુજબ એક ઢોરને પાંચ કિલો ઘાસ દૈનિક મળવું જોઈએ,જેની સામે જયારે ગાડી આવે ત્યારે 17 ઢોર વચ્ચે માત્ર એક ગાંસડી ઘાસ મળી રહ્યું છે. ભીરંડિયારામાં હાલ કુલ 5000 ગાય-ભેંસ છે તો આસપાસના ગામડાને એકત્રિત કરતા 15000 જેટલું પશુધન હોવાનું તેમણે ઉમેર્યું હતું.

આ અંગે ધારાસભ્ય,સંસદથી લઇ કલેકટર સુધી રજૂઆતો કરાઈ છે છતાંય પરિસ્થિતિમાં કાંઈજ સુધારો નથી તેમ જણાવ્યું હતું.ઉપર આભ નીચે ધરતી અને ચોમેર વિરાન રણમાં પશુપાલન કરી વૈશ્વિક સ્તરે કચ્છના પશુપાલન ઉદ્યોગને એક નવી ઓળખ આપનારા બન્નીના માલધારીઓ હાલ આવી કપરી યાતનાઓ વેઠી રહ્યા છે,અને પશુધન મોતને ઘાટ ઉતારતા તેઓ પોતાની રોજીરોટી ગુમાવી રહ્યા છે.ત્યારે જવાબદાર સરકારી તંત્ર આ બાબતે નક્કર પગલાં લે તેવી લોકમાંગણી ઉઠી છે.
અન્ય સમાચારો પણ છે...