સંકુલમાં GST હજુ ગગનમાં ગાજે છે!: ટિમ્બર, ટ્રાન્સપોર્ટ્સ વધુ લાગતા કચવાટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ: કેન્દ્ર સરકારનું બહુચર્ચિત ગુડ્સ અને સર્વિસ ટૅક્સ (જીએસટી)ને 30 જુનના રાત્રિના 12 ના ટકોરે રાષ્ટ્રપતિ સંસદના સંયુક્ત સત્રમાં લોન્ચ કરનારા છે ત્યારે તેની અસરો, જાણકારી અને જાગૃતતા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો, સેમીનારોનું આયોજન કરાતું રહ્યું છે. પણ આ અંગે જ્યારે દિવ્ય ભાસ્કરે ગ્રાઉન્ડ રીપોર્ટ લીધો તો મહતમ વેપારીઓ માટે હજી પણ ‘પડશે એવા દેવાશે' જેવો સ્ટેન્ડ હોવાનું સામે આવ્યું હતું. જાણકારોનું કહેવું હતુ કે આ વ્યવસ્થાની ગાંધીધામના અર્થતંત્ર પર કેવી અસરો પડે છે તે લાગુ થયાના થોડા મહિનામાં સ્પષ્ટ થઈ જશે પરંતુ હાલ તો તે અંગેની વિસંગતતા પ્રવતી રહી છે.

મીઠા પર ન લાગતા હળવાશ, ટિમ્બર, ટ્રાન્સપોર્ટ્સ વધુ લાગતા કચવાટ

પચરંગી શહેર ગાંધીધામનું અર્થતંત્ર ખુબ મોટો વ્યાપ ધરાવે છે. જેનું કારણ પોર્ટ સીટી, દેશનો સૌથી મોટો મીઠાનો કારોબાર, ટીમ્બરનો ઉધોગ, ફેકટરીઓ, ટ્રાન્સપોર્ટ્સ, શિપિંગ સહિતના ધમધમતા ઉધોગો છે. કેન્દ્ર સરકારની ટેક્સ પોલીસીમાં આગામી 1 જુલાઈથી ઐતિહાસીક બદલાવ આવી રહ્યો છે ત્યારે તેની ગાંધીધામ સંકુલમાં અને તેના કારણે જિલ્લામાં કેવી અસરો વર્તાશે તે અંગે દિવ્ય ભાસ્કરે તપાસ કરતા તમામ સ્તરે હજી પણ અસમંજસની સ્થિતિ વર્તાતી હોવાનું અને લાગું થયા બાદ જ ખબર પડે જેવો માહોલ દેખાતો હતો. સમગ્ર દેશમાં 60% થી વધુ મીઠુ કચ્છમાંથી જાય છે ત્યારે તેના પર જીએસટી લાગુ ન કરાતા મીઠા ઉધોગને રાહત અને ટ્રાન્સપોર્ટ, ટીમ્બર સહિતના ઉધોગો પર લાગુ થતા ઉધોગમાં નારાજગીનો માહોલ છવાયો હતો. 

વેપારીઓમાં ડરનો માહોલ છે

આ અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડ્રસ્ટ્રીના મંત્રી મુરલી જગાણીનો સંપર્ક સાધતા તેમણૅ આ અંગે કોઇ જાતની સ્પષ્ટતા માર્કેટમાં ન હોવાનું અને તેના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હોવાનું જણાવ્યંુ હતંુ. તેમણે કહ્યુ હતુ કે કોઇને ખરેખર કોઇને સ્પષ્ટ ચિત્ર નથી કે લાગુ થયા બાદ ક્યાં પ્રકારના જમીની પરીવર્તન આવશે. કેરી ફોરવર્ડ અંગે પણ અસજમંજસની સ્થિતિ હોવાનું તેમણે જણાવ્યું હતું. વેપારીઓમાં જેના કારણે ડરનો માહોલ ફેલાયેલો છે. 

ટિમ્બર પર ખુબ ઉંચો સ્લેબ, ફટકો પડશે

ખંડના સૌથી મોટા ટીમ્બર ઉધોગ ગાંધીધામ સંકુલમાં આવેલો છે તેના સંગઠન કંડલા ટીમ્બર એસોસીએશનના પ્રમુખ શાંતીલાલ પારેખે આ વિશે જણાવ્યું હતંુ કે જીએસટીમાં નક્કિ કરાયેલા સ્લેબ અનુસાર ટીમ્બરમાં 18% અને પ્લાયવુડમાં 28% લાગવાના છે. જે ખુબ ઉંચો દર છે. હાલમાં દરેક નાના મોટા ઘર, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ લાકડાનો ખુબ મોટો રોલ હોય છે ત્યારે ટીમ્બરને 12 ટકા અને પ્લાયવુડને 18 ટકા રાખવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હોવા છતાં તેમાં પરીવર્તન કરાયુ નથી. જેના કારણે ટીમ્બર ઉધોગ પર ફટકો પડશે. 

દવાઓમાં મહત્તમ સ્લેબમાં વધારો થયો છે

ગાંધીધામના જય મેડીકલના સંજય ઠક્કરે જણાવ્યું હતું કે ચાર પ્રકારના સ્લેબ 0,5,18 અને 28 ટકા રાખવામાં આવ્યા છે. જેમાં 0% માં નિરોધ અને અન્ય એક સામાન્ય દવાનોજ સમાવેશ કરાયો છે. તો બીજી તરફ હેલ્થ સપ્લીમેટ્સમાં 28% સ્લેબમાં આવશે.