તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાગડ પંથકમાં અનેકનું ફુલેકું ફેરવી નાખનારા માતા-પુત્રી રિમાન્ડ પર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ: ભચાઉ અને રાપર તાલુકાના લેવા પાટીદાર સમાજના યુવકોને સરળ ટાર્ગેટ બનાવી, લગ્નની લાલચો આપી શિશામાં ઉતારીને પછી લાખો રૂપિયા ખંખેરી લેનારા મૂળ રાજકોટની માતા-પુત્રી વિરૂદ્ધ પોલીસમાં ધા નાખવામાં આવતાં પોલીસે ઝડપી પાડેલી આ બન્ને મહિલાઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતાં અદાલતે બન્નેને બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. દરમિયાન, અન્ય યુવાનો પણ હવે આ મામલે ફરિયાદ કરવા આગળ આવે તેવી શક્યતાઓ ઉભી થઇ છે.

- રૂપિયા પરત માગતાં, બીજા કોઇ પાસેથી આવશે ત્યારે દેશું એમ કહેવાયું
- ગૌશાળામાં નોકરીમાં ઘી વેચતા-વેચતા જ પટેલ કુટુંબો સાથે ઘરોબો કેળવ્યો

વાગડમાં દેખાવડા ચહેરા અને ગોરી રંગતની શેહમાં આવી જઇ લપસી જતા યુવાનોને શિશામાં ઉતારી લગ્નવાંચ્છુઓના અરમાનોથી ખેલ કરી, લાખો નિચોવી લેનારા માતા-પુત્રીઓ આ રીતે રીમાન્ડ હેઠળ આવતાં કેટલા લોકોએ કેટલા લાખ ગુમાવ્યા અને કોણ-કોણ આ માયાજાળમાં સપડાયું છે, તેની ચોંકાવનારી હકીકતો સામે આવવાની સંભાવનાઓ જોવાઇ રહી છે.

ફરિયાદી ઉમેશ દાનાભાઇ ચૌધરીની રાવ બાદ ભચાઉ પોલીસે ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાંથી માતા કિરણબેન ઉર્ફે ગૌરીબેન હસમુખ દેવીપુજક તથા પુત્રી ગંગા ઉર્ફે ટીના ઉર્ફૈ પ્રિયંકા હસમુખ દેવીપુજકને ઝડપી લીધી હતી. વાગડમાં સર્વત્ર પોતાની ઓળખ વાણિયા એટલે કે જૈન તરીકે આપનારી આ બન્ને માતા-પુત્રીઓએ ફરિયાદીના ભાઇ નારાણ દાનાભાઇ ચૌધરીને લગ્ન કરવાના ઇરાદે ફસાવ્યો હતો અને તેની પાસેથી લાખો રૂપિયા રોકડા તથા દાગીના મેળવી લીધા હતા.

બાદમાં ફાંડો ફુટી જતાં તેમના વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવતાં જ પોલીસે ત્વરીત કામગીરી હાથ ધરી આ બન્ને આરોપી મહિલાઓને ઝડપી લીધી હતી. દરમિયાન, આ બન્નેને શનિવારે અદાલતમાં રજુ કરવામાં આવતાં અને રીમાન્ડની માગણી થતાં અદાલતે સોમવારે સાંજ સુધીના 2 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. રીમાન્ડ દરમિયાન આ બન્ને વધુ ગુનાઓની કબુલાત આપશે એમ માનવામાં આવી રહ્યું છે.

મુંબઇ-વાગડ વચ્ચે ફોનનો હેવી ટ્રાફિક
આ બન્નેની અટક બાદ વાગડ અને મુંબઇ વચ્ચે ટેલીફોનનો ધમધમાટ ચાલુ થયો હતો. મુંબઇમાં પણ આ બનાવે ચર્ચા જગાવી હતી. સંભવીતપણે મુંબઇના કોઇ માલદાર નબીરા પણ આ ચક્કરમાં આવી ગયા બાદ મોઢું સંતાડી બેસી ગયા હોવાની શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે. દરમિયાન, સીધા-સાદા પટેલ સમાજને ટાર્ગેટ બનાવનારી આ બન્ને મહિલાઓ વિરૂદ્ધ લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. પોલીસ પાસે કડક તપાસની માગણી કરવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...