કચ્છમાં ભારે વરસાદની આગહી, નખત્રાણમાં બે ઇંચ વરસાદ વરસ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: દક્ષિણ રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનીક સરક્યુલેશનની અસર તળે કચ્છમાં ભારે વરસાદ પડવાની આગહી હોતાં લોકોમાં ઉચાટ ફેલાયો હતો પણ તેની વિપરીત પૂર્વ કચ્છ અને પશ્ચિમના નખત્રાણમાં વરસેલા અડધાથી બે ઇંચને બાદ કરતાં અડધા કચ્છમાં માત્ર ઝાપટાં પડ્યાં હતાં. રાપરની રણકાંધીના વિવિધ ગામડાઓમાં ધીમી ધારે અને ક્યારેક તેજ ગતિએ બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મોટા ભાગના કચ્છમાં ધાબડિયા માહોલ વચ્ચે સમયાંતરે ઝાપટાં પડ્યાં હતાં.

ગામોમાં વરસેલા વરસાદથી સર્વત્ર પાણી પાણી

રાપરમાં સવારથી ભારે ઝાપટાં પડ્યા હતા. તાલુકાના ગામોમાં એકથી બે ઇંચ જેટલું પાણી પડ્યું હતું. તાલુકાના મોવાણા, શિરાનીવાંઢ, અમરાપર, લોદ્રાણી, બેલા, ધબડા, ખડીર, કુંભારીયા, પેથાપર, શીરાવાંઢ, ધબડા, રવેચી  સહિતના ગામોમાં વરસેલા વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતુ. ભચાઉમાં કંટ્રોલ રૂમના આંકડા મુજબ વધુ 28 મિલી મીટર પાણી વરસ્યું હતું. તાલુકાના સામખિયાળી, નાની-મોટી ચીરઇ, ધમડકા, વામકા સહિતના આસપાસના ગામોમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.

લોકોની આશા ઠગારી નિવડી

ભુજમાં સવારથી છવાયેલા ઘટાટોપ વાદળો વચ્ચે બપોર બાદ ઝાપટું પડ્યું હતું જેનાથી માર્ગો ભીંજાયા હતા. દિવસભર ગોરંભાયેલા માહોલ બાદ પણ મેઘો મન મૂકીને ન વરસતાં શહેરીજનો નિરાશ થયા હતા. ગાંધીધામમાં દિવસ દરમિયાન વરસાદી છાંટા પડ્યા પછી સાંજના સમયે અચાનક વાદળો ઘેરાયા હતા. અંધારપટ જેવું વાતાવરણ થતાં લોકોને હમણાં વરસાદ તુટી પડશે તેવી આશા બંધાણી હતી. પરંતુ લોકોની આશા ઠગારી નિવડી હતી.

અંજારમાં દિવસભર મેઘાવી મહોલ છવાયો

જોકે, દશેક મીનીટ જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. વરસાદના પગલે ઠેર-ઠેર પાણીનો નિકાલ ન થતાં પાણી ભરાઇ ગયા છે. વરસાદી માહોલને કારણે ત્રણ દિવસથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી રહી છે,જેને કારણે લોકોને બફારામાંથી રાહત મળી છે. અંજારમાં દિવસભર મેઘાવી મહોલ છવાયો હતો. ક્યારેક ઘનઘોર વાદળો થકી અંધારૂં છવાઇ ગયું હતું. તેની વચ્ચે પડેલાં ભારે ઝાપટાંથી 14 મી.મી. વરસાદ નોંધાયો હતો.
 
આગડની સ્લાઇડ્સમાં વાંચો, મેઘાડંબર વચ્ચે મોટા ભાગનો વિસ્તાર કોરો રહ્યો....
અન્ય સમાચારો પણ છે...