આરટીઓમાં ટ્રાન્સપોર્ટરોનો હલ્લાબોલ, અંજાર હાઇવે પર વાહનોની કતાર લાગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ: ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, નોટબંધી બાદ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. આવા સમયે આરટીઓ દ્વારા ફરજીયાત પણે વાહન પર રેડીયમ પટ્ટી લગાવવા માટે આદેશ આપીને જે તે વિસ્તારમાં એજન્સી દ્વારા કાર્યવાહી કરાવવામાં આવી રહી છે, તેમાં ગાંધીધામ- અંજારમાં વિરોધ થયો હતો. એજન્સી દ્વારા અન્ય સ્તળની જગ્યાએ વધુ રકમ લઇને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે તે અંગે ટ્રાન્સપોર્ટરોએ વાહનો ખડકી દેતાં હાઇવે પર ચક્કાજામ જેવી સ્થિતિ ઉભી થઇ હતી.

પોલીસ અધિકારી અને આરટીઓના ઓફિસર સાથે કંડલા- મુન્દ્રા કન્ટેનર ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન સહિતના હોદ્દેદારોએ ઉગ્ર રજૂઆત કરીને વધારાની આ લૂંટની રકમ અંગે આક્રોશ વ્યક્ત કરીને કોઇપણ સંજોગોમાં સાંખી નહીં લેવાય તેવી દલીલ કરી હતી. દોઢથી બે કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં આખરે અનુકુળ રીતે બહારથી પણ કોઇ વાહન પર રેડીયમ પટ્ટી લગાવીને આવશે તેને એજન્સી દ્વારા પ્રમાણપત્ર આપી દેવામાં આવશે. તેમ નક્કી કરવામાં આવતા મામલો થાળે પડ્યો હતો અને ટ્રાન્સપોર્ટરો વિખેરાયા હતા.

રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જુદા જુદા નિયમોની અમલવારી કરાવવામાં આવી રહી છે. બેફામ ચાલતા વાહનો તથા અન્ય નીતિ નિયમનું પાલન કર્યા વગર ચલાવાતા વાહનો પર તવાઇ લાવવા સહિતની બાબતે પણ પગલા ભરવામાં આવી રહ્યા છે. દરમિયાન વાહનોમાં આગળ અને પાછળ તથા સાઇડમાં રેડીયમ પટ્ટી લગાવવા માટે સરકાર દ્વારા નક્કી કરાવમાં આવેલી એજન્સીએ કોઇ અન્યને કામ આપ્યું છે તેને ગળપાદર ખાતે આવેલી આરટીઓ કચેરીમાં ઉઘાડી લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ ટ્રાન્સપોર્ટરો દ્વારા કરવામાં આવ્યો હતો.

બુધવારે બપોરના સમયે ટ્રાન્સપોર્ટરો આરટીઓ કચેરી પ હોંચી ગયા હતા અને હાઇવે પર વાહનો ખડકી દેતાં કતાર લાગી હતી. દરમિયાન પોલીસ અધિકારી ગોદીયા અને આરટીઓના કેતન વ્યાસ સમક્ષ ટ્રાન્સપોર્ટરોએ ઉગ્ર હૈયાવરાળ ઠાલવી હતી અને અન્ય વિસ્તારમાં લેવામાં આવતી રકમ સામે અહીં વધારે રકમ લેવામાં આવી રહી છે, તે અંગે વિરોધ નોંધાવીને 600ની સામે 1360 રૂપિયા લેવામાં આવે છે તે યોગ્ય નથી.

બહારના વિસ્તારોમાં ઓછી રકમમાં રેડીયમ પટ્ટી લગાવી દેવામાં આવે છે તે સહિતની દલીલ કરવામાં આવી હતી. આ રજૂઆતમાં કંડલા મુન્દ્રા એસોસિએશનના પ્રમુખ જયેશ રાજદે, સેક્રેટરી ભગીરથસિંહ જાડેજા, ગુડ્સ શેડ લોકલ એસો., ટેન્કર એસો.,ના મુકેશ મહેતા, હરીશ મહેશ્વરી, ગુડ્સ એસો.ના મહેન્દ્ર જુણેજા વગેરે મોટા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓ જોડાયા હતા. અને પોતાને થઇ રહેલા અન્યાય અંગે સાંખી નહીં લેવાય તે સહિતની ચિમકી આપી હતી.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ચોક્કસ દુકાનોમાંથી વસ્તુની ખરીદીનો દુરાગ્રહ....
અન્ય સમાચારો પણ છે...