• Gujarati News
  • Trailer Brake Failure Caused The Car Had Penetrated Adesara 1 Dead 3 Seriously

આડેસર પાસે કારના બ્રેક ફેઇલ થતાં ટ્રેઇલરમાં ઘૂસી ગઇ: 1 મોત,3 ગંભીર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રાપર તરફ પીરના દર્શન કરી રાત્રે ઘરે આવતી વેળાનો બનાવ
- ઘવાયેલાઓને સારવારમાં અમદાવાદ રિફર કરાયા

ગાંધીધામ : આડેસરના ચાર મિત્ર કાર લઇને બુધવારે રાપર તરફ પીરના દર્શનાર્થે ગયા હતા, જ્યાંથી રાત્રે પરત આવી રહ્યા હતા, ત્યારે આડેસરની ભાગોળે પહોંચતાંની સાથે જ સ્કોર્પિયો કારમાં બ્રેક ફેઇલ થઇ ગઇ હતી અને આગળ જતાં ટ્રેઇલરમાં ધડાકાભેર ઘૂસી ગઇ હતી, જેમાં એકનું સારવાર મળે તે પૂર્વે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, તો ત્રણને ગંભીર ઇજા થવાથી પ્રથમ પાટણ બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે ગમગીની છવાઇ ગઇ હતી.

આડેસર પોલીસના જણાવ્યા અનુસાર, આડેસર ગામે રહેતા અલ્તાફ મહંમદ હિંગોરજા (22) અને તેના મિત્રો અબ્દુલ નજરમામદ હિંગોરજા, સલીમ કરીમભાઇ હિંગોરજા અને ઇમરાન તૈયબભાઇ હિંગોરજા બુધવારે જીજે 12 કે 9412 નંબરની સ્કોર્પિયો કાર લઇને રાપર તરફ પીરના દર્શનાર્થે ગયા હતા, જ્યાંથી પરત ઘરે આવી રહ્યા હતા અને રાત્રે 10:30 વાગ્યાના અરસામાં આડેસર-રાપર રોડ પરથી પસાર થતા હતા, ત્યારે અચાનક કારની બ્રેક ફેઇલ થઇ ગઇ હતી. આ સમયે આગળ જતાં ટ્રેઇલર નં. જીજે 12 એઝેડ 8617ના ચાલકે પણ ઓચિંતા બ્રેક માર્યા હતા.

આ સમયે કારસવારોને જાણમાં આવ્યું હતું કે, બ્રેક ફેઇલ થઇ ગયા છે, જેના કારણે કાર ટ્રેઇલર પાછળ ઘૂસી ગઇ હતી, જેમાં ચારેયને ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવારમાં પાટણ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં પહોંચે તે પૂર્વે જ અબ્દુલ નજરમામદ હિંગોરજાએ અધવચ્ચે જ દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય ત્રણને સારવાર આપી અમદાવાદ રિફર કર્યા હતા. અકસ્માતને પગલે ટ્રેઇલરચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો.
આ ઘટનાને પગલે ગામમાં અરેરાટી ફેલાઇ હતી.
કાર 500 મીટર સુધી ઢસડાઇ
ઘટનાને નજરે જોનારાના જણાવ્યા અનુસાર, કારની ગતિ એટલી જોરદાર હતી કે, બ્રેક ન લાગવાથી અંદર એવી રીતે ઘૂસી ગઇ હતી કે, ટ્રેઇલર સાથે બરોબરની ફસાઇ ગઇ હતી, જેના કારણે 500 મીટર દૂર સુધી ઢસડાઇ હતી. બાદમાં ટ્રેઇલરચાલકને અકસ્માત થયાનું જાણમાં આવ્યું હતું અને પોતાનું વાહન થંભાવ્યું હતું.
દિનારા રોડ પર જીપનું ટાયર ફાટતાં બે ઘવાયા
ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલા દિનારા રોડ પર બુધવારે વહેલી સવારે જીપનું ટાયર ફાટતાં 2 યુવક ઘવાયા હતા. પોલીસ દફ્તરેથી જાણવા મળતી વિગતો અનુસાર ખાવડાના દિનારાથી ભુજ આવતા સવારે 7:15ના અરસામાં જીપનું ટાયર ફાટતાં કાબૂ ગુમાવતાં સદભાગ્યે કોઇ જાનહાનિ ન થતાં સિધીક ભયા સમા (ઉ.વ.35) તથા મજીદ ઇસ્માઇલ સમા (ઉ.વ.20)ને ઓછી-વત્તી ઇજા થતાં તેને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી હતી.