- વેપારીઓ-આગેવાનોએ પોલીસ મથકે નારાજગી દર્શાવતાં પડઘો પડ્યો
- પાનબીડીના વેપારીઓ પર હુમલો કરીને લૂંટનો પ્રયાસ થયો હતો
ભચાઉ: નગરમાં પાનબીડીના હોલસેલર પર શનિવારે રાતે હુમલો કરીને બુકાની ધારીઓ દ્વારા લૂંટનો પ્રયાસ થયાની ગંભીર ઘટનામાં શનિવારે પોલીસે ફરિયાદ નોંધવાની ના કહેતાં વેપારી આલમમાં ભારે નારાજગી ફેલાઈ હતી.
શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે પોલીસના આવા વલણથી ચિંતિત બનેલા આગેવાનો અને વેપારીઓએ રવિવારે પોલીસમથકે ધસી જઈને પી.આઈ. સમક્ષ રજૂઆત કરતાં આખરે પોલીસે ફરિયાદ નોંધવી પડી હતી. ભચાઉ વેપારી એસોસિએશનના પ્રમુખ હર્ષદભાઈ ઠક્કર, નગરપાલિકાના પ્રમુખ જીલુભા જાડેજા, નગરસેવક નરેન્દ્રભાઈ કોટક, વેપારીઓ ભરતસિંહ જાડેજા, વિષ્ણુભાઈ જોષી, સુરેશભાઈ મહેતા તથા અન્ય વેપારીઓએ સાથે મળીને શહેરમાં વધેલી ગુન્હાહીત પ્રવૃત્તિઓને ડામવા પોલીસ કડક બનીને પગલાં ભરે તેવી રજુઆત કરી હતી. જાણીતા વકીલ સી.વી. કંસારાએ પણ નગરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસની કડકાઇ પર ભાર મુકતાં કહ્યું હતું કે, શનિવારે યુવાન વેપારી શાંતિલાલ કંસારાની સતર્કતાને કારણે હુમલાખોર લુંટારા સફળ થઈ શક્યા ન હતા, પરંતુ પોલીસ કારમાં આવેલા બુકાનીધારી લુંટારાને ત્વરાએ પકડીને સખત સજા કરે એ જરૂરી છે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, રાતે 8:30ના અરસામાં સ્કૂટી પર ઘરે જવાની તૈયારી કરી રહેલા વેપારી શાંતિલાલ પાસે કાર રોકીને બુકાનીધારીઓએ તેમને પાડી દીધા હતા, તેમણે ચોર, ચોરની બુમ મારતાં આ ટોળકીને ભાગવું પડ્યું હતું. આટલો ગંભીર બનાવ હોવા છતાં પોલીસ સ્ટેશન ઓફિસર (પી.એસ.ઓ)એ તમારૂં કંઈ ગયું નથી એમ કહીને ફરિયાદ નોંધવાનો ઈન્કાર કર્યો હતો. નગરજનોના જણાવ્યા પ્રમાણે પોલીસના આવા નકારાત્મક અને ઢીલા વલણને કારણે અગાઉ 7 લાખની લૂંટ તથા ચોરી સહિતના બનાવો બન્યા હતા.