- કચ્છ જિલ્લા પુરવઠા વિભાગની સ્થિતિ નહોર વિનાના વાઘ જેવી
- ભીરંડિયારા, મોખાણા અને અંતરજાળની દુકાનોની મંજૂરી કાયમી ધોરણે બંધ
- ગોરેવાલી, ચિયાસર, ભચાઉમાં 3માસ માટેનો હુકમ
ભુજ : કચ્છ જિલ્લા પુરવઠા વિભાગની હાલત હાલમાં નહોર વિનાના વાઘ જેવી છે અને કોઇ નોંધપાત્ર દરોડા પડાતા નથી, તેવામાં તાજેતરમાં વાજબી ભાવની સરકારી દુકાનોમાં કરાતી જથ્થાની ગોલમાલ સામે તંત્રે લાલ આંખ કરી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય વાજબી ભાવની સરકારી દુકાનો અંતર્ગતનું લાઇસન્સ ધરાવતી ત્રણ શોપના પરવાના કાયમી ધોરણે રદ્દ કરાયા છે, તો ત્રણ દુકાનના ત્રણ માસ માટે રદ્દ કરવામાં આવ્યા છે. જેનું મુખ્ય કારણ ઇલેક્ટ્રોનિક સિસ્ટમના બદલે અનાજ, ખાંડ જેવા જથ્થાનું મેન્યુલી વેચાણ કરીને ગોલમાલ આચરાતી હોવાનું પકડવામાં આવ્યું છે.
સસ્તા ભાવની દુકાનોના સંચાલકો દ્વારા કરાતી ગેરરીતિના કિસ્સા અવારનવાર ફરિયાદરૂપે બહાર આવતા હોય છે, પણ તંત્ર દ્વારા જાણે આંખ આડા કાન કરીને ધ્યાન ન અપાતું હોય તેમ ખુદ આ ક્ષેત્ર સાથે સંકળાયેલાઓ દ્વારા જણાવાયું હતું. જોકે, હાલમાં સરકારી ધારાધોરણો અનુસાર ઇલેક્ટ્રોનિક ફેર શોપ નામના આંચળા હેઠળ જિલ્લામાં સખત ચેકિંગ શરૂ કરાયું છે. જેનાથી માત્ર કૂપન કે ચોપડામાં નોંધ પાડીને ધંધો કરતા આવી દુકાનોના સંચાલકો સામે પગલાં ભરી શકાય.
તાજેતરમાં યોજાયેલી જિલ્લા પુરવઠા વિભાગની ડ્રાઇવમાં ભુજ તાલુકાના મોખાણા, ભીરંડિયારા અને ગાંધીધામ તાલુકાના અંતરજાળમાં આવેલી સસ્તા અનાજની શોપમાં ઇલેક્ટ્રોનિક સિસ્ટમનો અમલ થતો ન હોવાનું પકડાયું હતું. આના કારણે લોકોને આપવાના જથ્થામાં ગાલમેલ કરાતી હોવાની શંકા સાથે ત્રણેય દુકાનના પરવાના કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભુજ તાલુકાના ગોરેવાલી, ભચાઉ અને અબડાસાના ચિયાસરની મળીને કુલ ત્રણ શોપનું લાઇસન્સ ત્રણ માસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
આ અંગે જિલ્લા પુરવઠા અધિકારી ઇન્દ્રજિતસિંહ વાળાએ ટાંચા સાધનો અને સ્ટાફની અછત વચ્ચે પણ આવા દરોડા ચાલુ રાખવાની ચીમકી આપી છે. સસ્તા અનાજની દુકાનોમાં નિયત સિસ્ટમનો અમલ ન કરવાથી જથ્થો ગેરવલે અથવા ક્યાંય પગ કરી જતો હોવાની શંકાને નકારી શકાય નહીં, તેથી સરકારી સિસ્ટમનો અમલ કરાવવો અનિવાર્ય છે અને તે માટે આકરાં પગલાં જારી રહેશે.
ઇલેક્ટ્રોનિક સિસ્ટમ થકી રખાય છે વોચ
વાજબી ભાવની દુકાનો માટે ઇલેક્ટ્રોનિક ફેર પ્રાઇઝ શોપ સિસ્ટમના આધારે બારકોડેડ રાશનકાર્ડની નોંધ મુજબ અનાજ સહિતનો જથ્થો નોંધાયેલા ગ્રાહકોને આપવાનો થાય છે, જેમાં થમ્બ ઇમ્પ્રેશન સોફ્ટવેરમાં લેવામાં આવે છે અથવા આધારકાર્ડ કે મોબાઇલ નંબરના આધારે વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) જનરેટ કરીને ગ્રાહકની ઓળખ કર્યા બાદ માલ પૂરો પાડવામાં આવે છે. આ પ્રક્રિયા સદંતર પારદર્શક હોવાથી તેની રિસીપ્ટ પણ બને છે અને તે મુજબ વાજબી ભાવને ફાળવાયેલા જથ્થા અને તેના વેચાણ પર વોચ રાખવામાં આવે છે. આવી સિસ્ટમ હોવા છતાં કેટલીક વાજબી ભાવની દુકાનના સંચાલકો મેન્યુલી કૂપન જમા કરાવીને અથવા મેન્યુલી રસીદ બનાવીને ગોબાચારી આચરી રહ્યા છે. પુરવઠા અધિકારી વાળાઅે આ મામલે એમ પણ કહ્યું હતું કે, હાલમાં આંતરિક કામગીરીનું પરિણામ જોવા મળ્યું છે અને ઇલેક્ટ્રોનિક ફેર પ્રાઇઝ શોપ સિસ્ટમના અમલીકરણમાં કચ્છ જિલ્લો અવ્વલ બન્યો છે.
525 દુકાનમાં સિસ્ટમ : ખાવડા-ખડીર બાકાત
કચ્છની 664 વાજબી ભાવની દુકાનમાંથી 525 શોપ સિસ્ટમ મુજબ ચાલી રહી છે, તેમ છતાં કેટલાક સંચાલકો ગેરરીતિ આચરી રહ્યા હોવાનું ખુદ પુરવઠા વિભાગ સ્વીકારે છે. નોંધનીય બાબત એ છે કે, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ઇન્ટરનેટ અને કનેક્ટિવિટી આધારિત હોવાથી ખાવડા અને ખડીરના ગામોમાં તેને સામેલ કરી શકાઇ નથી. સંબંધિત તંત્રો ટુજી કે થ્રીજી કનેક્ટિવિટીની વ્યવસ્થા ન થઇ શકતી હોવાના કારણે અહીં મેન્યુલી પદ્ધતિ જ અમલી બનાવવી પડ એમ છે. જોકે, આના કારણે ભ્રષ્ટાચાર આચરવા ઇચ્છતા તત્ત્વોને મોકળું મેદાન મળી રહેતું હોવાનું માહિતગારોએ કહ્યું હતું.