ભુજ: પશ્ચિમ કચ્છ પોલીસે રમજાન ઇદના દિવસે ભુજ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં રોમિયો ડ્રાઇવનું આયોજન હાથ ધર્યું હતું. રોમિયો ડ્રાઇવ અંતર્ગત જાહેરમાં રોમિયોગીરી કરતા 70 લોકો પાસેથી માફીપત્ર લખાવવા સહિતની કામગીરી હાથ ધરાઇ હતી.
પોલીસની એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો, જિલ્લા ટ્રાફિક, સિટી ટ્રાફિક, મહિલા પોલીસ, ભુજ એ અને બી ડિવિઝન, રીડર શાખા અને ક્યુઆરટીની 12 ટીમે અા ઝુંબેશ હાથ ધરી હતી. રમજાન ઇદને અનુલક્ષી મોટી સંખ્યામાં લોકો હરવા ફરવા માટે નીકળી પડ્યા હતા, ત્યારે પોલીસની રોમિયો ડ્રાઇવથી રોમિયોગીરી કરતા તત્ત્વોમાં ફડક પણ પ્રસરી ગઇ હતી.
પોલીસે ટપકેશ્વરી, હિલગાર્ડન, મંગલમ્ ચાર રસ્તા, ખેંગારપાર્ક, બસ સ્ટેશન, શિવપારસ, રાજેન્દ્ર પાર્ક, ભુજિયા ડુંગર, આરટીઓ, કેસરપાર્ક, મ્યૂઝિયમ સર્કલ, સુરલભીટ્ટ રોડ અને રૂદ્રમાતા રોડ પર હાથ ધરાયેલી રોમિયો ડ્રાઇવ અંતર્ગત પોલીસે 70 જેટલા માફીપત્ર લખાવવા સાથે 24 એન.સી. કેસ કરી 5200 રૂપિયાનો સ્થળ દંડ વસૂલ્યો હતો, તો 12 વાહન ડિટેઇન કર્યા હતા.
આ ઝુંબેશ દરમિયાન એમ.વી. એક્ટની કલમ 185 મુજબ પણ એક કેસ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસની આ ડ્રાઇવના પગલે રોમિયોગીરી કરતા તત્ત્વો આઘાપાછા થતા પણ દેખાયા હતા, તો કેટલાક રોમિયો તત્ત્વો પોલીસને થાપ આપવામાં પણ સફળ રહ્યા હતા.