તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2000 રૂપરડી મેળવવા માટે લોકોને ATM પર ભટકવું પડ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
ગાંધીધામ: 15 દિવસથી વધુ સમય સુધી 500 અને 1000ની નોટની મોકાણે લોકોને રઝળપાટ કરતા કરી દીધા છે. ગઇ કાલે બેંકમાં રજા હોવાથી એટીએમ પર ઘસારો થયા બાદ આજે પણ એટીએમ પર લોકોનો પ્રવાહ જોવા મળ્યો હતો. 2000 રૂપરડી મેળવવા માટે એક એટીએમ પર પૈસા ન હોય તો બીજા છેડે આવેલા એટીએમ પર હડીયાપટ્ટી કરવાની નોબત લોકોને આવી હતી. લોકોને પોતાના પૈસા મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

નોટબંધીની રામાયણે લોકોને દોડતા કરી દીધા છે. છેલ્લા કેટલાક દિવસોથી બેંકોમાં લાઇનમાં ઉભા રહીને તપસ્યા કર્યા છતાં નિયત રકમ સિવાયની રકમ મેળવવામાં લોકો નિષ્ફળ ગયા હતા. ગાંધીધામ અને આદિપુરના અંદાજે 25થી વધુ એટીએમ પર લોકોએ પૈસા મેળવવા હડીયાપટ્ટી કરી હતી. એક સ્થળેના એટીએમમાં પૈસા ન હોય તો બીજા સ્થળે આવેલા એટીએમ પર જઇને નસીબ અજમાવવાનો પ્રયત્ન કરતા લોકો નજરે ચડ્યા હતા. મોડી રાત સુધી જુદા જુદા એટીએમ પર લોકોની કતાર યથાવત રહી હતી. હજુ પણ કેટલા દિવસો આવા નિકળશે તે કહી શકાતુ નથી. લાઇનમાં ઉભા રહેલા લોકો અચ્છે દિનની રાહ જોઇ રહ્યા છે.

લોકો ત્રણથી વધુ કાર્ડ લઇને આવે છે
સંકુલના કેટલાક એટીએમ પર પૈસા હોવાથી તેની માહિતી મળતાં જ લોકો એટીએમની સામે લાઇનમાં લાગી જાય છે. કેટલાક લોકો તો ત્રણથી વધુ કાર્ડ લઇને એક પછી એક કાર્ડમાંથી બબ્બે હજાર રૂપિયા કઢાવીને સંતોષ માની રહ્યા છે. જ્યારે કેટલાક લોકો પાસે માત્ર એક જ કાર્ડ હોવાથી બે હજાર રૂપિયા લઇને હાશકારો અનુભવે છે. પરંતુ તેમાં પણ કેટલાકને તો એટીએમ સુધી આવતા જ પૈસા ખાલી થઇ જતાં નિરાશ થાય છે.
અન્ય સમાચારો પણ છે...