(તસવીર પ્રતિકાત્મક)
ભુજ: આડેસરમાં હિરીબાઇ ધરમશી રાઘુબાઇ ટ્રસ્ટ દ્વારા રાપર તાલુકાના 40 હજાર જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ કિટ આપવા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયતના વિપક્ષીનેતા પાસે ગ્રામજનોએ ફરિયાદોનો મારો ચલાવ્યો હતો. જેથી વિપક્ષી નેતાને ‘વાગડ સૌથી આગળ’ માત્ર કાગળ ઉપર છે, વાસ્તવમાં પરિસ્થિતિ કંઇક ઓર જ હોવાનો પ્રત્યેક્ષ અનુભવ થયો હતો.
વિપક્ષીનેતા હુંબલે જણાવ્યું હતું કે, કાર્યક્રમો તો શિક્ષણનો હતો પરંતુ તાલુકાના ગામડાઓમાંથી આવેલા ગ્રામજનોએ પ્રશ્નો અને સમસ્યાઓની રજુઆતો કરી હતી. જેથી વી.કે. હુંબલે ગ્રામજનોને હૈયાધારણ આપતા કહ્યું હતું કે, તેમની કક્ષાએથી યોગ્ય સ્થાને રજુઆત કરી ઉકેલ લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય, પાણી, સિંચાઇ સહિતના પ્રશ્નો અને સમસ્યાએ વાગડને પછાતમાંથી અતિપછાત સ્થિતિમાં ધકેલી દિધો છે.
ફતેહગઢથી ગાગોદર સુધી 4 કિ.મી.ની નર્મદા કેનાલનું કામ અટક્યું
આડેસરના આગેવાનોએ જણાવ્યું હતું કે, ફતેગઢથી ગાગોદર સુધી 4 કિ.મી.ની નર્મદાની કેનાલનું કામ અધવચ્ચે અટકેલું છે. કેનાલનું કામ પૂર્ણ થાય તો આડેસર તેમજ આજુબાજુના ગામોના સેકડો ખેડૂતોને પિયત કરી ફાયદો થાય તેમ છે. કાકરીયા તળાવનું ઓગન તૂટી ગયું છે. વીડી વારું (સાંકળાલક) તળાવની પાળ વર્ષોથી તૂટેલી છે. બામણસર ડેમનું ઓગન તૂટી ગયું છે. સુખપરમા ખારવા ડેમ બન્યો છે. જેમા ખૂબ જ પુરાણ થઇ જવાથી ઉંડું ઉતાવરવાની આવશ્યકતા છે. બાજુમાં પાપડી તૂટી ગઇ છે. જેથી ચોમાસામાં 10 દિવસ સુધી અવરજવર અટકી જાય છે.ગામમાં સબ સેન્ટર છે પરંતુ મીડ વાઇફ નથી.
રૂપિયા 5 લાખના લોકફાળા છતાં પીવાના પાણીની સમસ્યા
ફતેહગઢની વસતી 7થી 8 હજાર જેટલી છે. પીવાના પાણીની ખૂબ જ વિકટ સ્થિતિ છે. ગ્રામ પંચાયતે પાણી પુરવઠા બોર્ડને 5 લાખ રૂપિયાનો લોકફાળા કરી આપ્યો છે. જેમાંથી પાણીની ઉંચી ટાંકી તેમજ સમ્પ બનાવવા માગણી કરી છે. ઉંચી ટાંકીનું કામ શરૂ પણ કરી દેવાયું હતું પરંતુ રાજકીય કિન્નાખોરીથી કામ અધવચ્ચે અટકાવી દેવાયું છે.