ભુજ: છેલ્લા કેટલાક દિવસથી જામેલા મેઘાવી માહોલ બાદ ચાલુ ચોમાસે પ્રથમવાર કહી શકાય તેમ મોટા ભાગના કચ્છમાં અડધાથી સવા ઇંચ જેટલી મેઘમહેર થઇ હતી, જેના કારણે લોકોની સારા ચોમાસાની આશા અને વિશ્વાસ બળવત્તર બન્યા હતા. અંજાર-ભચાઉમાં સવા, માંડવી, નખત્રણા અને ભુજમાં અડધો ઇંચ અન્ય તાલુકાઓમાં ઝરમર ઝાપટાં જ્યારે ગાંધીધામ અને રાપર વિસ્તાર મોટા ભાગે કોરા રહ્યા હતા.જિલ્લા મથક ભુજમાં સવારથી રચાયેલા મેઘાડંબર બાદ 10 વાગ્યા તેમજ બપોરે 3 કલાકના અરસામાં ભારે ઝાપટું પડતાં માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા, તો કોલોની વિસ્તારમાં બાળકો ન્હાવા નીકળી પડ્યા હતા. બે ભારે ઝાપટાંના પગલે 11 મિલિમીટર જેટલું પાણી વરસ્યું હતું. તાલુકાના માધાપર, સુખપર, માનકુવા તેમજ આહિર પટ્ટીના ગામોમાં પણ ભારે ઝાપટાં વરસ્યા હોવાના હેવાલ સાંપડ્યા હતા.
વીજળીના કડાકા-ભડાક થતાં લોકોમાં ભયની લાગણી ફેલાઇ
પૂર્વ કચ્છના અને અત્યાર સુધી કુલ આંકમાં મોખરે રહેલાં અંજારમાં સવારથી સાંજ સુધી સમયાંતરે પડેલાં હળવા અને ભારે ઝાપટાંના પગલે દિવસ દરમિયાન કાચા સોના રૂપી 29 મિલિમીટર પાણી વરસતાં ખાસ કરીને ખેડૂત વર્ગમાં ખુશી વ્યાપી હતી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘાએ હાજરી પુરાવી હતી. આવી જ રીતે કન્ટ્રોલ રૂમના આંકડા મુજબ ભચાઉમમાં 29 મિલિમીટર વર્ષા થઇ હતી. બપોરે મેઘગર્જના સાથે વીજળીના કડાકા-ભડાક થતાં લોકોમાં ભયની લાગણી ફેલાઇ હતી.જ્યારે તાલુકાના આંબરડી, શિકરા, ખારોઇ, વોંધ, ચીરઇ, નંદગામ, લુણવા, ચોપડવા સહિતના ગામડાઓમાં બપોર બાદ ધીમી ધારે દોઢેક ઇંચ જેટલી મેઘકૃપા થઇ હોવાનું ધરતીપુત્રોએ જણાવ્યું હતું.
કચ્છના નખત્રાણામાં અડધો ઇંચ જેટલું પાણી વરસ્યું
કાંઠાળપટ્ટીના છાડવારા, આમલિયારા, જંગી, સામખિયાળી, વાઢિયા, લાકડિયા સહિતના ગામોમાં ઝરમર વરસતાં ચિંતા ફેલાઇ હતી. કાંઠાળ પટ્ટીમાં મુખ્ય વ્યવસાય પશુપાલન હોવાથી ઘાસ ચારાનો જથ્થો ખૂટી જતાં માલધારીઓ મેઘો મન મૂકીને નહીં વરસે, તો શું થશે તેવી મૂંઝવણ અનુભવી રહ્યા છે. ગાંધીધામ અને રાપર પંથકમાં કેટલાક સ્થળે છૂટા-છવાયા ઝાપટાં સિવાય વરસાદ ન પડતાં લોકોને દિવસભર માત્ર રાહ જોવાનો વારો આવ્યો હતો.પશ્ચિમ કચ્છના નખત્રાણામાં અડધો ઇંચ જેટલું પાણી વરસ્યું હતું.
ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટાં પડ્યાં
વિરાણી, કોટડા, વિથોણ, મંજલ, દેવપર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે ઝાપટાં પડતાં માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતાં. જ્યારે લખપત અને અબડાસા તાલુકામાં ઝરમર રૂપે હાજરી પુરાવી હતી પરિણામે મેઘાવી માહોલ વચ્ચે લોકોએ કરેલા ઇંતેજાર લંબાયો હતો.માંડવીમાં સવારે 6થી 7:30 વાગ્યાના દોઢ કલાકમાં અડધો ઇંચ જેટલું પાણી વરસ્યું હતું, જેના કારણે મોસમનો કુલ આંક બે ઇંચ થયો હતો. તાલુકાના કોડાય, ધુણઇ તેમજ અન્ય કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટાં પડ્યાં હતાં. મુન્દ્રામાં વહેલી સવારે મેઘાનું આગમન થયું હતું, પણ મન મૂકીને વરસ્યો ન હતો, જેના કારણે માત્ર 10 મિલિમીટર જેટલું પાણી પડ્યું હતું. તાલુકાના ગુંદાલા, મોખા, ભદ્રેશ્વર, ટુંડા, કારાઘોઘા, ભુજપુર સહિતના ગામોમાં છૂટા-છવાયા રૂપે મેઘાએ હાજરી પુરાવી હતી.
તાલુકા મથકોએ કુલ વરસાદ
અબડાસા 21, અંજાર 74, ભચાઉ 52, ભુજ 24, ગાંધીધામ 14, લખપત 40, માંડવી 53, મુન્દ્રા 44, નખત્રાણા 42 અને રાપર તાલુકામાં મોસમનો કુલ 61 મિલિમીટર વરસાદ નોંધાયો છે.
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...