તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદીએ ઉદ્દઘાટન કર્યું તે કેનાલમાં 15 દિવસમાં જ ગાબડાં પડ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ/ભચાઉ:   ભચાઉ ખાતે ગત તા. 22/5 ના વડાપ્રધાન મોદીએ નર્મદા કેનાલના પમ્પીગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું તેમાં માત્ર 15 જ દિવસમાં ગાબડાં પડી ગયા હતા જેના પગલે કામગીરીએ શંકાસ્પદ સ્થિતિ સર્જી છે. મોદીના આગમનને પગલે ભચાઉમાં ડેરાતંબુ તાણનારાઓ મોદીએ પીઠ ફેરવી એ પછી અહીં ડોકાયા પણ ન હોઇ, નર્મદાના નીર આ જ રીતે જો કચ્છમાં આવવાના હોય તો ક્યારે આવશે તે મસમોટો સવાલ હવે ખડો થયો છે. સરકારી એજન્સીઓમાં પણ આ ખબર પહોંચતા અને કેનાલના ગાબડાઓના ફોટા વોટ્સએપમાં વાયરલ થતા જ એજન્સીઓના ભવા ખેંચાયા છે અને આ બાબતની જાણ છેક ગાંધીનગર સુધી થતાં તુર્તમાં જ તપાસના મંઠાણ થાય તેવા હેવાલો સામે આવી રહ્યા છે.

ગાંધીધામની જીવાદોરી સમાન ટપ્પર ડેમમાં પાણી પહોંચાડવાના સરકારના પ્રયાસરૂપે પમ્પીગ સ્ટેશનનુ઼ મોદીએ ઉદ્ઘાટન કર્યા પછી ટપ્પર સુધી પાણી તો પહોંચ્યા છે પરંતુ દરમ્યાન જ પમ્પીગ સ્ટેશન પાસે મસમોટા ગાબડાં પડી જતાં હવે સવાલ એ સર્જાયો છે કે, આ કાર્યમાં આટલી મોટી બેદરકારી કેમ રહી ગઇ ? આ યક્ષ પ્રશ્નનો કોઇ ઉત્તર મળતો નથી.  

મોદીના આગમને, કચ્છમાં જેટલો વરસાદના આગમને હાશકારો ફેલાય છે એટલી જ ઉત્સુકતાથી લોકોએ મોદીને વધાવ્યા હતા. 10 દિવસના સરકારી તંત્રોની ઉઠાબેઠક બાદ એ કાર્યક્રમ તો ભવ્ય રીતે સંપન્ન થયો હતો પરંતુ આ બધા વચ્ચે જેનું મુખ્ય કામ જ હવે શરૂ થવાનું છે એ પમ્પીગ સ્ટેશનમાં જ ગાબડાઓ દેખાવા માંડતા ચિંતાની લાગણી ફેલાઇ રહી છે. આ અનુસંધાને છેક ગાંધીનગર સુધી વાવડ પહોંચતા તપાસનો ધમધમાટ હવે પછીના દિવસોમાં શરૂ થાય તેવી આશંકાના પગલે એજન્સીઓ અને સ્થાનિકે સંકળાયેલાઓમાં દોડાદોડીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

તંત્ર દ્વારા હંગામી બાંધકામનો હવાલો આપવામાં આવી રહ્યો છે તે હંગામી બાંધકામ આટલી મોટી માત્રામાં શા માટે કરાયું તે પણ એક અનુત્તર સવાલ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગુજરાતભરમાં કેનાલોમાં ગાબડાઓ પડતા રહ્યા છે અને નર્મદા મૈયાનું અમૂલ્ય પાણી વેડફાતું રહ્યું છે.

ઉતાવળનું પરિણામ અલ્પ સમયમાં સપાટી પર
મોદીના આગમનને પગલે કામગીરી ઝડપી રીતે પૂર્ણ કરવાના પ્રચંડ દબાણ હેઠળ જે રીતે કામગીરી આટોપી બતાડાઇ તેના પરિણામો હવે સામે આવી રહ્યા છે. મોદીને રાજી રાખવા અને પ્રભાવિત કરવાની હોડ વચ્ચે જે કામગીરી થઇ છે તેમાં સરકારી તંત્રોએ લોટ, પાણીને લાકડા જ ચોપડાવ્યા હોવાની છાપ ઉપસી રહી છે. તંત્રોના આંખ મીચામણાને કારણે આ કામગીરીમાં લોકોપયોગીતાના મૂળ સિધ્ધાંતનો ખો નિકળી ગયો છે અને રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ પણ જોવા મળી રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...