- મીટિંગની કાર્યવાહીને બહાલીની સાથે વાર્ષિક હિસાબ મંજૂર કરવામાં આવ્યા
- આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષી રાજકીય પક્ષોએ અત્યારથી જ બાંયો ચડાવી
ગાંધીધામ: ગાંધીધામ તાલુકા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં ગત મીટિંગની કાર્યવાહીને બહાલીની સાથે વાર્ષિક હિસાબ મંજૂર કરવામાં આવ્યા હતા. સંભવત: વર્તમાન બોડીની આખરી આજની આ બેઠકમાં કોઇ અન્ય બાબતો ઉડીને આંખે વળગે તેવી લેવામાં આવી ન હતી, પરંતુ આગામી ગ્રામસભા અને વિકાસની વાતો પર ભાર મૂકી સત્તાધિશોએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. સામા પક્ષે વિપક્ષના નેતા ગેરહાજર રહ્યા હતા.
આગામી વર્ષના અંતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષી રાજકીય પક્ષોએ અત્યારથી જ બાંયો ચડાવી છે તેમ કહી શકાય. ખાસ કરીને ભાજપે ચૂંટણી લક્ષી આયોજનો પર ભાર મૂકી કાર્યવાહીને અંજામ આપવાની ગતિવિધિ તેજ કરી હોય તેમ જણાઇ રહ્યું છે. આજે તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાનારી હતી તે પહેલાં ભાજપના સંગઠન તથા પદાધિકારીઓએ હાજરી આપીને વર્તમાન બોડીને શુભેચ્છા પાઠવી હતી. તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલી આજની આ સામાન્ય સભામાં વાર્ષિક હિસાબને બાદ કરતાં કોઇ મહત્ત્વના મુદ્દા સમાવવામાં આવ્યા ન હતા. 15 મિનિટમાં જ એક પછી એક દરખાસ્તને મંજૂર કરી દેવામાં આવી હતી.