• Gujarati News
  • Lakhonda Tolageta Meeting On, Truck Owners Prepared To Take Unilateral Toll

લાખોંદ ટોલગેટ​ મુદ્દે બેઠક : ટ્રક માલિકો એકતરફી ટોલ ભરવા તૈયાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ : છેલ્લા 15 દિવસથી વાહનમાલિકો માટે ચર્ચાનો વિષય બનેલા લાખોંદ ટોલ ગેટ પર ટેક્સ ભરવા અંગે શુક્રવારે સાંજે ભુજ સર્કિટ હાઉસમાં ટ્રક ઓનર્સ એસો.ના સભ્યો અને અખિલ ગુજરાત ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ અને રાજ્યના સંસદીય સચિવ વાસણભાઈ આહિર વચ્ચે મીટિંગ થઈ હતી. જેમાં અડધો કલાક બાદ કલેક્ટર મહેન્દ્ર પટેલ અને આઈ.જી. એ.કે. જાડેજા જોડાયા હતા.
Paragraph Filter
- અખિલ ગુજરાત ટ્રક અને ટ્રાન્સ. એસો.ના પ્રમુખ સંસદીય સચિવ વાસણભાઈની હાજરીમાં બંધ બારણે બેઠક યોજાઈ
- કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસો.ની એડવોક સમિતિની મંગળવારે માર્ગ મકાન મંત્રી નિતિનભાઈ પટેલ સાથે થશે મંત્રણા

લાખોંદ ટોલગેટ પર વ્યવસાયી વાહનો પાસે ફરીથી બે દિવસ અગાઉ ટોલટેક્સ ઉઘરાવવાના ચાલુ થતાં ફરી આ પ્રશ્ન ગરમાયો હતો. ટ્રક માલિકોના સંગઠને વાસણભાઈને મધ્યસ્થી બનવા કહેતાં ભુજના ઉમેદભવનમાં કારોબારી સભ્યો સાથે લગભગ બે કલાક સુધી બંધ બારણે બેઠક થઈ હતી, જેમાં બન્ને પક્ષે સુમેળભર્યા વાતાવરણ વચ્ચે બધા જ પાસા પર ચર્ચા થઈ હતી. કચ્છ વાલેચા ટોલગેટના પ્રોજેક્ટ મેનેજર ચંદ્રકાંત જાદવને સાથે રાખી સરકાર તરફથી આપવામાં આવેલા આદેશ અનુસાર ટોલ લઈ શકે તેવું જણાવ્યું હતું. આ ચર્ચા દરમિયાન આગામી મંગળવારે માર્ગ-મકાન મંત્રી નિતિનભાઈ પટેલ સાથે ચર્ચા કરવામાં આવશે.

ટ્રક સંગઠનના કારોબારી સભ્ય માવજીભાઈ ગુસાઈના જણાવ્યા અનુસાર અમારી સંપૂર્ણ ટેક્સ ન લેવાની માંગ છે, પરંતુ જો મેજર બ્રીજનું કામ બાકી છે અને મંત્રી સાથે વાતચીત થશે, તો એકતરફી ટેક્સ ભરવાની તૈયારી છે. આમ હાલ તો લાખોંદ ટોલ ટેક્સ મુદ્દો મંગળવાર પર ઠેલાયો છે. નિતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાનારી બેઠક પર બધાની મીટ છે. મીટિંગ દરમિયાન જિલ્લા સમાહર્તા મહેન્દ્ર પટેલ અને આઈ.જી. એ.કે. જાડેજા રાજકોટથી પરત આવી જતાં ચર્ચામાં જોડાયા હતા. નિયમો મુજબ સહકાર આપવા અપીલ કરી હતી. બેઠકમાં પ્રહલાદસિંહ જાડેજા, નારાણ કારા ડાંગર, માવજીભાઈ ગુસાઈ, વાલા રૂપા વગેરે કારોબારી સભ્યો જોડાયા હતા.