આધોઇ-આડેસરની પાંજરાપોળોમાં બેદરકારીના લીધે 110 ઢોરનાં મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અતિવૃષ્ટિ બાદ સર્જાયેલી સ્થિતિમાં પશુધન પર જોખમ

આધોઇ, આડેસર : અતિવૃષ્ટિના કારણે ઠેરઠેર વિપરીત સંજોગોમાં દાખવાયેલી બેદરકારીના આક્ષેપો વચ્ચે ભચાઉ તાલુકાના આધોઇની અને રાપર તાલુકાના આડેસર પાંજરાપોળમાં 110 જેટલા મોત થયા છે. ભચાઉ તાલુકાના આધોઇની પાંજરાપોળમાં ભારે વરસાદ થતાં ભૂખમરાથી 60થી વધારે ઢોર મોતને ભેટ્યા છે, ત્યાં અસંખ્ય ગાય, ભેંસ, બળદ, વાછરડા, પાડાઓ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યા છે. આ પાંજરાપોળમાં હજારોની સંખ્યામાં મોલાઢોર નિભાવવા ગુજરાત ત્યાં મુંબઇથી ધર્માદા પેટે લાખો રૂપિયાનું દાન આવે છે, છતાં અણધડ વહીવટનું ચેકિંગ કરવામાં આવે, તો લાખો રૂપિયાના થતો વેડફાટ બહાર આવે તેમ છે. સુવિધાઓ વિશે જાત તપાસ કરવામાં આવે, તો અનેક ઢોરના જીવ બચી શકે તેમ છે.
તો આડેસર પાંજરાપોળમાં પણ બેદરકારીના કારણે 50થી વધુ ગૌવંશ સહિતના ઢોર મોતના ખપરમાં હોમાયા હતા. ગામના રાજપૂત ગ્રૂપના અને અન્ય સેવાભાવીઓ મેરૂભાઇ, મનસુખભાઇ, ભરતભાઇ, જેમલભાઇ, હિંમતભાઇ, વેલજીભાઇ, બળદેવભાઇ અને પ્રભુભાઇએ પાંજરાપોળમાં જઇને સંચાલક નરેન્દ્રભાઇને પુછતાં બરાબર થયું હોવાનું જણાવ્યું હતું, પરંતુ નદીમાં જાણે ગાયો પડી હોવાનું જણાઇ આવ્યું હતું. ગૌ પ્રેમીઓએ એક પછી એક ગાયને ઊભી કરીને માવજત કરીને 35 જીવ બચાવ્યા હતા. મુખ્ય ટ્રસ્ટી બહાર ગામ હોવાથી તેમજ સંચાલકની બેદરકારીના કારણે આવી સ્થિતિ સર્જાઇ હોવાનું જણાયું હતું. આડેસરમાં પણ આ વાત છુપાવી દેવાઇ હતી. જેને કારણે ગૌવંશની સ્થિતિ ખબર પડી નહીં.
બન્નીમાં 800 પશુનાં મોત

બન્નીમાં ભારે વરસાદ થતાં મીસરિયાડો અને ભોજરડો એમ બે ગામના મળીને 800 જેટલાં પશુનાં મોત થયાં છે. એક જ ઢોરવાડામાં રહેતાં આ પશુઓ પૈકી 45 જેટલા માર્ગ પર મરી ગયાં હતાં, જ્યારે બાકીના પાણીમાં તણાઇને મોતને ભેટ્યા હતા, તેવું ગુલમામદ બેગની યાદીમાં જણાવાયું છે.
અન્ય સમાચારો પણ છે...