‘ભાજપના ભ્રષ્ટાચાર સામે લડવા અને કોંગ્રેસમાં વર્ષોથી છીએ એટલે ટિકિટ આપો’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ:  પ્રશાંત કિશોરની થીમ પર કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જંગને કસોકસીભરી બનાવવાની તૈયારીમાં છે. ભાજપે કરેલા ભ્રષ્ટાચારના અને દાવેદારોએ કદી પક્ષપલટો નથી કર્યો તેવા જીતવાના સમીકરણો સાથે ગાંધીધામ, અંજાર અને રાપરના દાવેદારોએ ટિકિટ આપવા માગણી મૂકી હતી. રાજકીય ચર્ચા મુજબ ભાજપના ખભે બંદૂક ફોડવાની વાત કરીને ટિકિટ માગનારાઓ કોંગ્રેસને જીત અપાવવાનું વાહિયાત કારણ આપતા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, જિલ્લા પ્રમુખ અને નિરીક્ષકોએ કોંગ્રસની તરફેણમાં અને તમામને સહયોગ આપવા માટેના કારણો પણ સમજાવાયા હતા. 

કચ્છની છ બેઠક માટેની પ્રક્રિયામાં ત્રણ બેઠક માટે સોમવારે ગાંધીધામ, અંજાર અને રાપરના ટિકિટ ઇચ્છતા દાવેદારોની ચકાસણી કરાઇ હતી, જેમાં કોંગ્રેસની ટિકિટ લઇને કેવી રીતે વિજેતા બની શકે તેના કારણો પૂછતાં કેટલાક રાજકીય જવાબ પણ નિરીક્ષકોને સાંભળવા મળ્યા હતા, જેમાં દાવેદારોએ એમ જણાવ્યું હતું કે, ભાજપના સમયમાં વધી ગયેલો ભ્રષ્ટાચાર તેમની જીતનું કારણ બની શકે તેમ છે, તો કોંગ્રેસમાંથી ક્યારેય પક્ષ પલટો નથી કર્યો અને લાંબા સમયથી પક્ષને વફાદાર રહ્યા હોવાના કારણો પણ જણાવ્યા હતા. 

ઉમેદવારી કરવા માગતા હોદ્દેદારો અને તેમના સમર્થકોને સમજાવવાની ફરજ પડી હતી. પ્રમુખ નરેશ મહેશ્વરી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે હકારાત્મક કારણો આપવા અને પક્ષ જે કોઇને તક આપે તેવું સમર્થન આપવા જણાવાયું હતું. 

અબડાસાની ના પાડનારા ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પણ ટિકિટ માગી
ચાલી રહેલી ટર્મમાં કચ્છમાં પૂર હોય કે સ્વાઇન ફ્લુના વિરોધ વખતે માધ્યમો દ્વારા તેઓ 2017માં અબડાસાથી દાવેદારી કરશે કે કેમ તેવા સવાલોના જવાબમાં અબડાસાના વર્તમાન ધારાસભ્ય  અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે અવારનવાર ના પાડી છે. પણ પ્રદેશ કોંગ્રસની યાદીમાં અબડાસા બેઠકના દાવેદારોમાં સૌ પ્રથમ નામ શક્તિસીંહનું મૂકાયું છે. એટલે શક્યત: વધુ એક વખત જિલ્લા બહારના કોંગ્રેસના દાવેદારને ઉમેદવાર બનાવાય તેવી સંભાવના ઉભી થઇ છે. અત્યાર સુધી આ બેઠક માટે પાંચ દાવેદારો છે, જેમાં મંગળવારે વધારો થાય તેમ છે.

સ્ક્રૂટીની કમિટીની મીટિંગ મળી
સોમવારે ભુજના ઉમેદભૂવનમાં સિનિયર આગેવાનો સાથે જિલ્લા પ્રભારીઓ તથા નિરીક્ષકઓએ મીટિંગ યોજી હતી અને કોંગ્રેસ કચ્છની તમામ બેઠકો પર વિજેતા બને તેવો મક્કમ નિર્ધાર કર્યો હતો અને પક્ષ જે ઉમેદવારને પસંદગી કરશે તે માટે જિલ્લાનું કોંગ્રેસનું સંગઠન તથા તમામ દાવેદારો એક થઇને ચૂંટણી લડશે એવો સામૂહિક સૂર વ્યક્ત કર્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીના અધ્યક્ષપદે યોજાયેલી મીટિંગમાં પ્રદેશ પ્રભારી રહીમભાઇ સોરા, નિરીક્ષકો નિલેશભાઇ વાઘેલા, દશરથ ચરકટા, સુફિયાનભાઇ મલિક, ભચાભાઇ આહિર ખાસ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં પ્રદેશ મંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, માજી સાંસદો ઉષાબેન ઠક્કર, વિપક્ષી નેતા વી.કે. હુંબલ, માજી ધારાસભ્ય વાલજીભાઇ દનિચા વગેરે હાજર રહ્યાનું ગની કુંભારે જણાવ્યું હતું.

અચાનક આ લોકોએ રજૂ કર્યા ટિકિટ માટેના દાવા
રાપર : બાબુભાઇ શાહ, કુ.જાગૃતિબેન શાહ,
અંજાર : સામજી ભુરા આહિર, ધનજી સોરઠિયા, રવજી વાલજી આહિર, દિલીપસિંહ ઝાલા, જીતુભાઇ ચોટારા,
ગાંધીધામ : જયશ્રીબેન ચાવડા, વાલજીભાઇ દનિચા, પ્રાણલાલ ગરવા, પાર્વતીબેન માતંગ, કિશોર પિંગોલ, માલશી માતંગ, ધર્મેન્દ્ર ગોહિલ, કિશોર સોલંકી, માવજી મહેશ્વરી, ભરત કાનજી પાતારિયા.
અન્ય સમાચારો પણ છે...