- સ્લમ ફ્રી સિટી અભિયાન હેઠળ આફત પ્રતિરોધક ગૃહનિર્માણ અંગે તાલીમ અપાઇ
ભુજ : ભુજમાં ઝૂંપડપટ્ટીમુક્ત શહેર (સ્લમ ફ્રી સિટી) અભિયાન હેઠળ મકાનમાલિકો તથા કડિયાઓ માટે આફત પ્રતિરોધક બાંધકામની જાણકારી આપવા કચ્છ એસોસિયેશન ઓફ સિવિલ એન્જિનિયર એન્ડ આર્કિટેક તથા હુન્નર શાળા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે એક દિવસની બીજા તબક્કાની તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં રામદેવનગર અને ભીમરાવનગર વગેરેના રહેવાસીઓ તથા લાભાર્થીઓએ ભાગ લીધો હતો. તાલીમમાં સ્લેબ લેવલ સુધીના બાંધકામના નિમયો તથા ટેક્નિકલ પાસાઓને લગતી બાબતોનું માર્ગદર્શન અપાયું હતું.
ઇજનેર અતુલભાઇ ઉપાધ્યાયે કુદરતી આફત અને તેની અસરો પર વકતવ્ય આપ્યું હતું. એસોસિયેશન વતી ટ્રેનિંગ ડાયરેક્ટર નરેશભાઇ નાગ્રેચા તથા હુન્નર શાળાના રૂપેશ હુરમાડે તથા ટેક્નિકલ ટીમના સભ્યોએ બાંધકામના જુદા-જુદા તબક્કાના પાસાઓની સમજણ આપી હતી. કરમશીભાઇ રંગાણી અને અન્ય સભ્યોએ આયોજન તથા પ્રેક્ટિકલ નિર્દેશન કર્યું હતું. આ ઝૂંપડપટ્ટીમુક્ત શહેર અભિયાન અંતર્ગત કારીગરોને બાંધકામ ઉદ્યોગને લગતા વિવિધ તબક્કાઓ વિશે નિષ્ણાંતો દ્વારા પ્રેક્ટિકલ નિદર્શન તેમજ માહિતી આપવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં કારીગરોએ લાભ લીધો હતો.