તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસી સહકારી પાટીદાર નેતાની પંજાને લપડાક : કેસરી ખેસ પહેર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ:  વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે એકબીજા પક્ષની વાડ ઠેંકવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. આ દરમિયાન માંડવી તાલુકાના દુર્ગાપુરના સિનિયર કોંગ્રેસી આગેવાન અને તાલુકાના સહકારી ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા રતનશી લાલજી વેલાણી મંગળવારે તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ ગયા છે. તેમણે પહેરેલો કેસરી ખેસ કોંગ્રેસ માટે લપડાક સમાન ગણાવાયો હતો. સાથે સાથે માંડવી તાલુકામાં બે જૂથ વચ્ચે પણ આના કારણે એકબીજાનો ખેલ પાડી દેવાની તિરાડ વધુ પહોળી થઇ હોવાનું કહી શકાશે.

માંડવી તાલુકા પંચાયત સહિતના રાજકારણમાં ભાજપને પછડાટ મળ્યો છે તો જુથવાદ પણ ચરમસીમાએ છે ત્યારે એક જૂથના હોદ્દેદારો દ્વારા કોંગ્રેસમાંથી રતનશીભાઇને ભાજપમાં લાવવામાં આવ્યા હોવાની નોંધપાત્ર સફળતા મળી છે. રતનશીભાઇ તેમના ટેકેદારો સાથે કેસરિયા પક્ષમાં સામેલ થતાં ધારાસભાની આગામી ચૂંટણીમાં કથિત સરળતા ઉભી થશે અને બેઠકના જોખમ સામે લડી શકાશે તેમ પણ રાજકીય સુત્રોએ કહ્યું હતું.

રતનશી વેલાણી, અંબાલાલ પટેલ, રમણલાલ રૂડાણી, દિનેશ સેંઘાણી, પ્રદિપ સેંઘાણી વગેરેને ભુજમાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલે ખેસ પહેરાવ્યો હતો.  માંડવીના પૂર્વ ધારાસભ્ય ધનજી સેંઘાણી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ ચંદુ વાડિયા, મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, મહામંત્રીઓ અનીરુદ્ધ દવે, શૈલેન્દ્રસિંહ જાડેજા, ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપ ત્રિવેદી વગેરેએ પણ આવકાર આપ્યો હતો. 

ગુજકોમાસોલની ચૂંટણીમાં કચ્છમાં જ ઉભો થયો જંગ : વલમજી હુંબલ જશે કે રતનશી વેલાણી ? 
રતનશીભાઇ કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા હવે ભાજપના સહકારી આગેવાનો વચ્ચે પણ છાને ખૂણે રાજકીય કાવાદાવા થાય તો નવાઇ ગણાશે નહીં. જેની શરૂઆત ચાલુ માસમાં જ થનારી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાશોલ)ની ચૂંટણીમાં વર્તાઇ શકે છે. ભાજપના જ આંતરિક સુત્રોના જણાવ્યા અનુસાર ગુજકોમાસોલનો વહીવટ ભાજપના હાથમાં રાજ્યસ્તરે આવી જાય તેવા સંયોગો છે. તેના બોર્ડમાં દરેક જિલ્લામાંથી એક સહકારી ક્ષેત્રનો પ્રતિનિધિ હોય છે. કચ્છમાં પણ સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ અને ભાજપમાં જોડાયા પહેલાં રતનશીભાઇએ દાવેદારી નોંધાવી છે. 
 
હવે જોવાનું એ છે કે બંને ભાજપમાં આવી ગયા હોવાથી કોઇ એકે પોતાની દાવેદારી જતી કરવી પડશે. માહિતગારોએ એમ પણ જણાવ્યું હતું કે, ગુજકોમાસોલની ચૂંટણી થાય એ પહેલાં જ હાલમાં 17 જેટલી બેઠક બિનહરિફ ભાજપના ખોળામાં આવી ગઇ છે. એટલે કોંગ્રેસની ડૂબતી નૈયા કરતાં ભાજપમાં સ્થાન મળી શકે તેવી શક્યતાઓ પણ ઉભી થઇ હોવાનું માની શકાય. દરમિયાન આ મુદ્દે કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઇને પૂછ્યું કે કયા ઉમેદવારને ગુજકોમાસોલમાં સ્થાન અપાશે તેમ પૂછતાં તેમણે કહ્યું હતું કે, હજુ કંઇ વિચાર્યું નથી પણ પક્ષ જે નક્કી કરશે તેને કચ્છનું પ્રતિનિધિત્વ મળશે. જોકે કોઇપણ પ્રતિનિધિ બનશે તેમાં ફાયદો ભાજપને જ થવાનો છે.
અન્ય સમાચારો પણ છે...