અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન: કચ્છમાં શુક્રવાર સુધી ભારે વરસાદની આગાહી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ:  અષાઢી બીજના દિવસે કચ્છમાં મેઘરાજાની શુકનવંતી પધરામણી થતાં ખુશી છવાઇ છે, ત્યારે કચ્છી નવા વર્ષથી શરૂ થયેલો ઝાપટાંનો દોર સોમવારે સતત બીજા દિવસે જારી રહ્યો છે, તો હવામાન વિભાગે શુક્રવાર સુધી જિલ્લાના ઘણાખરા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી છે.

સોમવારે બપોરે માંડવી તાલુકાના ગઢશીશા અને તેની આસપાસના વિસ્તારમાં પવન સાથે 15થી 20 મિનિટ સુધી ધોધમાર વરસાદી ઝાપટું પડતાં ગામની ગલીઓમાં જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં. મોસમના પ્રથમ વરસાદને લોકોએ માણ્યો હતો. અંદાજે અડધો ઇંચ પાણી પડી ગયું હતું.

તો નખત્રાણા તાલુકાના દનાણા, વેરસલપર, કોટડા (રોહા) અને ભોજરાજવાંઢ સહિતના ગામોમાં ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘસવારીની પધરામણી થતાં ખેડૂતો ખુશખુશાલ બની ગયા હતા.
આ તરફ પાકિસ્તાન અને તેને સ્પર્શતા કચ્છ તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને આવરી લે તે રીતનું સાઇક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં સર્જાયું છે, જેની અસર તળે આગામી શુક્રવાર સુધી કચ્છના મોટાભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે. 

ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારના જણાવ્યા અનુસાર નૈઋત્યના ચોમાસાએ સોમવારે અડધા કચ્છને આવરી લીધું છે, તો અરબી સમુદ્રમાંથી વાતા પવનોનો લાભ કચ્છના કાંઠાળ વિસ્તાર સહિતને મળતો હોવાના લીધે જિલ્લામાં મંગળવારથી શુક્રવાર દરમિયાન વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે.દરમિયાન, રવિવારની રાતથી સોમવાર સવાર સુધીના સમયગાળામાં અબડાસામાં 21, લખપતમાં 6 અને નખત્રાણામાં 7 એમ.અેમ. વરસાદ નોંધાયો હતો. ખાવડામાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

ભુજ-ગાંધીધામમાં મહત્તમ પારો 40 ડિગ્રીને પાર
વરસાદની જોવાતી વાટ વચ્ચે ભુજ અને ગાંધીધામ સંકુલમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર થતાં લોકો આકરી ગરમી અને બફારાથી અકળાઇ ઉઠ્યા હતા. 40.7 ડિગ્રી તાપમાન સાથે ભુજ રાજ્યનું સર્વાધિક ગરમ મથક બન્યું હતું, તો 40.4 ડિગ્રી તાપમાને કંડલા પોર્ટ બીજા અને 38.8 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ ત્રીજા ક્રમનું ગરમ મથક બન્યું હતું. જોકે, ગરમીનું વધેલું પ્રમાણ વરસાદના આગમન માટે શુભ સંકેત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. ગરમીની તીવ્રતા વધતાં ખાસ કરીને બપોરના સમયે તો માથું ફાડી નાખતી ગરમીએ લોકોની અગનપરીક્ષા કરી હતી. ભુજના ઉંચા પ્રામણથી બફારો પણ અનુભવાયો હતો.