પંજાબની ઘટનાને પગલે કચ્છની શાંત સરહદેપોલીસ સતર્કતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સેન્ટ્રલ આઇબીની સૂચનાને સ્થાનિક પોલીસે એલર્ટ તરીકે લીધી
- વિવિધ ચેકપોસ્ટ ઉપરાંત નોટિફાઇડ એરિયામાં ચાંપતો બંદોબસ્ત
ગાંધીધામ: પંજાબના ગુરુદાસપુરમાં સોમવારે વહેલી સવારે ત્રાટકેલા આતંકીઓના પગલે સતત બારેક કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરની વચ્ચે જ સમગ્ર દેશમાં જ્યારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે ગુજરાતમાં ખાસ કરીને સરહદી જિલ્લા કચ્છમાં પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સેન્ટ્રલ આઇબીના એલર્ટની સાથે જ કચ્છમાં સ્થાનિક પોલીસે જિલ્લાના વિવિધ ચેકપોસ્ટ ઉપરાંત બોર્ડર સમીપે આવેલા નોટિફાઇડ એરિયામાં સતર્કતા વધારી દીધી હતી.
બોર્ડર રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ (આઇજી) એવા આઇપીએસ અધિકારી અનીલસિંહ કે. જાડેજાના જણાવ્યા પ્રમાણે સમગ્ર રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું હોવાથી સરહદી વિસ્તારોમાં પણ પોલીસને સતર્ક રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. ખાસ કરીને કચ્છમાં ચેકપોસ્ટ ઉપરાંત લખપત, ખાવડા જેવા પ્રતિબંધિત નોટિફાઇડ એરિયામાં વિશેષ સાવધાની પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. આમ ઉલ્લેખનીય છે કે, પંજાબના ગુરુદાસપુરમાં થયેલા આતંકી હુમલા પહેલાં જ કચ્છમાં આમ પણ એલર્ટ જેવી સ્થિતિ હતી. કારણ કે, કચ્છની રણ સીમાએથી પકડાયેલા અસ્થિર મગજના પાકિસ્તાની ઘૂસણખોર ઉપરાંત ભુજમાંથી મળી આવેલા મૂકબધીર પાકિસ્તાની અને બાંગ્લાદેશી રૂપલલનાને પગલે પોલીસ કચ્છમાં સતત સર્ચ કરી રહી છે. તેવામાં પંજાબના હુમલાએ કચ્છ પોલીસની આ સતર્કતામાં વધારો કર્યો છે.
- કચ્છ એ બ્રીડિંગ પોઇન્ટ છે
સામાન્ય રીતે જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન જેવા સરહદી વિસ્તારોમાં કોઇપણ આતંકી ઘટના બને, ત્યારે ખૂબ જ સાવચેતી રાખવામાં આવતી હોય છે, પરંતુ કચ્છની વાત કરીએ, તો આ વિસ્તાર બોર્ડર એરિયા હોવા ઉપરાંત ભાંગફોડિયા તત્ત્વો માટે બ્રીડિંગ પોઇન્ટ સમાન છે. એટલે કે, કચ્છનો ઉપયોગ ભાંગફોડિયા તત્ત્વો ઘૂસણખોરી અને આશરો લેવા માટે કરતા હોય છે, જે જગ્યાએ આશરો લીધો હોય ત્યાં જો ભાંગફોડિયા પ્રવૃત્તિ કરે તો પોલીસની કાર્યવાહી વધુ તીખી બની જતી હોય છે, જેને કારણે ઘૂસણખોરો કે ભાંગફોડિયા તત્ત્વો તેમના બ્રીડિંગ પોઇન્ટ એટલે કે આશરાના સ્થળે મોટે ભાગે કોઇ પ્રવૃત્તિને અંજામ આપતા હોતા નથી.
અન્ય સમાચારો પણ છે...