અંજારના સાપેડા નજીક છકડો અને કાર ટકરાતાં બે જિંદગી ભરખાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજાર : અંજાર તાલુકાના સાપેડા ગામ પાસે માલવાહક છકડા અને આઇ-10 કારની ટક્કર બે વ્યક્તિ માટે જીવલેણ નીવડી હતી. ભુજ તરફ જતી કાર અને અંજાર તરફ આવતો છકડો ધડાકાભેર અથડાતાં છકડાચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે કારમાં સવાર મહિલાએ ભુજમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય બે વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. પોલીસે આ સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- છકડાચાલકનું ઘટનાસ્થળે અને વૃદ્ધાનું સારવારમાં મૃત્યુ, પાળેલા શ્વાનનું પણ મોત
પોલીસના જણાવ્યાનુસાર, આજે બપોરે ગાંધીધામનો મહેતા પરિવાર આઇ-10 કાર નં. જીજે 12 બીએફ 5659 લઇને ભુજ તરફ આવી રહ્યો હતો, ત્યારે સાપેડા નજીક શ્રીજી પેટ્રોલપમ્પ સામે માધાપરથી અંજાર પ્લાયવૂડ શીટ લઇને જઇ રહેલા માલવાહક છકડા નં. જીજે 3 એએક્સ 1368 સાથે બપોરે 12 વાગ્યાના અરસામાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં છકડાચાલક શશિકાંત ઉર્ફે કનૈયાલાલ સુથાર (ઉ.વ. 29, રહે. માધાપર)ને છાતીના ભાગમાં છકડાનું સ્ટીઅરિંગ વાગતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે કારમાં બેઠેલા શારદાબેન કાંતિલાલ મહેતા (ઉ.વ. 74, રહે.ઓધવપાર્ક, ભુજ)ને પ્રાથમિક સારવાર અંજારમાં આપ્યા બાદ ભુજ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું.

આ સિવાય કારચાલક અનમોલ વિપુલભાઇ મહેતા (ઉ.વ.20, સુભાષનગર, ગાંધીધામ) તથા છકડામાં બેઠેલા રમેશભાઇ ધનજી સુથાર ( ઉ.વ. 25, રહે. માધાપર)ને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે ભુજ ખસેડવામાં આવ્યો હતો. આ ટક્કરથી કારમાં બેઠેલા શ્વાનને પણ ગંભીર આંચકો લાગતાં હૃદય બંધ પડી જતાં મોત થયું હતું.

ભરબપોરે અકસ્માત થતાં માર્ગની બન્ને તરફ ટ્રાફિકજામ થઇ ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કાર–છકડાના આગળના ભાગનો બૂકડો બોલી ગયો હતો. અકસ્માતની જાણ થતાં સાપેડાના ગ્રામજનો પહોંચી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. કચ્છના માર્ગો લોહિયાળ બનવાના બનાવો જારી છે અને સતત જીવલેણ અકસ્માત બની રહ્યા છે, ત્યારે આજે વધુ એક અકસ્માતમાં એક વૃદ્ધા અને યુવાનનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
ધ્યાનભંગ થતાં અકસ્માત થયો ?
અકસ્માતની તપાસ કરતા પોલીસકર્મીઓના જણાવ્યાનુસાર, આઇ-10 કારમાં સવાર લોકો સાથે તેમનું પાળીતું કૂતરું પણ હતું. વાહન ચલાવતા સમયે ચાલક દ્વારા કૂતરાંને રમાડવામાં આવી રહ્યો હશે અને તે સમયે ધ્યાનભંગ થતાં આ અકસ્માત થયો હોવાની ધારણા છે. અકસ્માતમાં આ કૂતરાંનું પણ મોત થઇ ગયું હતું.
અન્ય સમાચારો પણ છે...