કેનેડાનું યુગલ બાળકી દત્તક લેવા આવી પહોંચ્યું કચ્છ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: બે વર્ષ પહેલાં ધૂલ કા ફૂલની હાલતમાં મળી આવેલી બાળકીને લેવા માટે મંગળવારે કેનેડાનું યુગલ કચ્છ પહોંચ્યું હતું. ભુજના એરપોર્ટ રોડ પર આવેલાં કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછરી રહેલી બાળકીને જૂના રેલવે સ્ટેશન નજીક બાવળની ઝાડીમાં ફેંકી દેવાઇ હતી. 

જોકે, સેવાભાવીઓએ તેને જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડી અને બાદમાં કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં તેને તેના જેવી જ અનાથ દીકરીઓએ હૂંફ આપી જતનથી ઉછેરી બે વર્ષની કરી તે દરમિયાન તેને દેવાંશી નામ અપાયું હતું. મંગળવારે એનઆરઆઇ દંપતીને તેની સોંપણી કરવામાં આવી ત્યારે ભાવવાહી દૃશ્યો સર્જાયા હતા. કેનેડામાં રહેતા અનિલ જ્હોન ડિસોઝા અને કલાવતી પી. શેટ્ટી નામના નિઃસંતાન દંપતીએ વોટ્સ-એપ પર માત્ર ફોટો અને વીડિયો જોઈને જ દેવાંશીને પોતાની દીકરી બનાવવાનો નિર્ધાર કરી લીધો હતો. 

આ દંપતી મૂળ દિલ્હીનું છે. કબજો મેળવ્યા બાદ મા કલાવતીએ કહ્યું કે, આ દિવસની કેટલાં વર્ષોથી તે આતુરતાથી રાહ જોતી હતી. કેનેડાવાસી આ યુગલ આઈટી એન્જિનિયર છે અને કેનેડાની આઈટી ફર્મમાં ઉચ્ચ હોદ્દા-પગાર પર કામ કરે છે.

અમને ભારતની દીકરી જ દત્તક જોઇતી હતી : કલાવતી
મા કલાવતી કહ્યું કે, સૌને પોતપોતાની રીતે જિંદગી જીવવાનો અધિકાર છે. મારે તો પહેલાંથી જ દીકરી જોઈતી હતી અને તે પણ ભારતની જ દીકરીને દત્તક લેવાનું સપનું હતું. જે આજે પૂરું થયું છે. માસૂમ દેવાંશીને જ્યારે વિદાય અપાઈ ત્યારે અન્ય કન્યાઓ અને સંચાલકોની આંખો ભરાઈ આવી હતી. દેવાંશી દત્તક માતા-પિતા સાથે હજુ એકાદ મહિનો ભારતમાં રહેશે અને ત્યારબાદ કેનેડા જશે.  કાર્યક્રમમાં દેવાંશી ઉપરાંત અગાઉ દત્તક અપાયેલાં અન્ય 8 બાળકોના વાલીઓને પણ એડોપ્શન અંગેના કોર્ટના સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની આ ત્રીજી બાળકી છે કે જેને વિદેશમાં રહેતાં દંપતીએ દત્તક લીધી હોય.
અન્ય સમાચારો પણ છે...