તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંજારમાં આચાર્યના ત્રાસથી કંટાળી શિક્ષકે આપઘાત કર્યાનો આરોપ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મૃતકના ભાઇએ વિવેકાનંદ હાઇસ્કુલના પૂર્વ આચાર્ય પર આરોપ લગાવ્યો
- પૂર્વ આચાર્ય વિરુદ્ધ પોલીસમાં અરજી આપીને ફોજદારી નોંધવા દાદ માગી
ભુજ: અંજારમાં થોડા દિવસ પહેલાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામેલા સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલના શિક્ષકનાં મોત પાછળ તે સમયના આચાર્ય દ્વારા આપવામાં આવતો ત્રાસ જવાબદાર હોવાનો આરોપ મૃતકના ભાઇએ ઉઠાવ્યો છે. મૃતક શિક્ષકના ભાઇએ અંજાર પોલીસ મથકમાં અરજી આપીને કસૂરવાર આચાર્ય સામે ફોજદારી નોંધી પગલાં ભરવાની અરજી આપતાં ખળભળાટ મચી ગયો છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, અંજારમાં ગત તા. 28/6ના હૃદયરોગના હુમલાથી સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલના મદદનીશ શિક્ષક જીતેન્દ્ર ચંદુલાલ પંડ્યાનું અવસાન થયું હતું. મૃતકના ભાઇ નિતિન ચંદુલાલ પંડ્યાએ આજે અંજાર પોલીસ મથકના પી.આઇ.ને અરજી આપી એવી રજૂઆત કરી હતી કે, તેમના મોટાભાઇ ગત 25 વર્ષથી શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને તેમના આચાર્ય તરીકે ખીમજીભાઇ કે. સિંધવ હતા. આચાર્ય ખીમજીભાઇ વિરુદ્ધ કોર્ટમાં કેટલાક કેસ પણ હાલમાં પેન્ડિંગ છે. જીતેન્દ્ર પંડ્યાને થોડા દિવસ પહેલાં અકસ્માતમાં પગના ભાગે ઇજા થયેલી હતી, તેમ છતાં તેમને શાળામાં હાજરી આપવા આચાર્ય દ્વારા ફરજ પાડવામાં આવી હતી. ગત તા.27/6ના ખીમજીભાઇએ સ્વ. જીતેન્દ્રભાઇને ફોન કરી ધમકી આપી હતી. ગભરાયેલા જીતેન્દ્રભાઇએ તેમના ભાઇ નિતિનભાઇને ફોન કરીને આચાર્ય ગત 15 દિવસથી ધાકધમકી કરી કુટુંબને બરબાદ કરવાની ધમકી આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
જીતેન્દ્રભાઇએ આચાર્ય ખીમજીભાઇ વિરુદ્ધ આવેલી ખાતાકીય તપાસમાં સત્ય હકીકત જણાવી હતી અને આરોપી આચાર્ય તેમના પર દબાણ કરી વિરુદ્ધ હકીકતનું સોગંદનામું કરવા દબાણ કરી રહ્યા હોવાનું પણ નિતિનભાઇને જણાવ્યું હતું. મૃતક જીતેન્દ્રભાઇએ આ બાબતે શાળાના અન્ય શિક્ષકમિત્રોને પણ જાણ કરી તા. 28/6ના બપોરે બેઠક કરવાનું નિર્ધારિત કર્યું હતું, પરંતુ 28મીના પરોઢે જ આવેલો હાર્ટ એટેક જીતેન્દ્રભાઇ માટે જીવલેણ નીવડ્યો હતો. આ કારણોસર જીતેન્દ્રભાઇના મૃત્યુ માટે આચાર્ય ખીમજી કે. સિંધવ દ્વારા અપાતા માનસિક ત્રાસને જવાબદાર ગણી કાયદેસરની કાર્યવાહી કરવા નિતિનભાઇએ માંગ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં સ્વ. જીતેન્દ્રભાઇના બેસણામાં અંજાર બ્રહ્મસમાજના અગ્રણીઓ એકત્રિત થયા હતા અને તે સમયે પણ આ મુદ્દે ગરમાગરમી થઇ ગઇ હતી. બ્રહ્મસમાજના અગ્રણીઓએ અંજારના રાજકીય નેતાઓને આ આચાર્ય વિરુદ્ધ પગલાં ભરવા ઉગ્ર રજૂઆત પણ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...