ભુજ: 2666 શિક્ષકોની ઘટ સામે 295 શિક્ષકો, બાળકોના ભવિષ્ય ઉપર અવળી અસર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: કચ્છની પ્રાથમિક શાળાઓમાં ગત વર્ષે 2666 શિક્ષકોની ઘટ બતાવાઇ હતી, પરંતુ અમુક શાળાઓમાં જરૂર કરતા વધુ હોય એવા કુલ 295 શિક્ષકો હોવાનું પણ નોંધાયું હતું. આમ છતાં શિક્ષણ તંત્રે હજુ સુધી એવા શિક્ષકોને અન્ય શાળામાં બદલી કરવાની તસ્દી લીધી નથી, જેથી બાળકોના ભવિષ્ય ઉપર અવળી અસર પડી રહી છે. જોકે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 3 દિવસની કચ્છની મુલાકાત આવ્યા છે અને ભુજની શાળાઓમાં પ્રવેશોત્સવ મનાવી રહ્યા છે, ત્યારે જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષા છાયાબેન વિશ્રામભાઇ ગઢવી તેમની પાસે રજૂઆત કરી ઉકેલ શોધવા અનુરોધ કરશે એવા હેવાલ છે.
- દરેક તાલુકામાં ક્યાંક શિક્ષકો ઓછા છે, તો ક્યાંક જરૂર કરતાં વધુ
- શિક્ષકોની ઘટ દર્શાવતું પત્રક દર વર્ષે ગાંધીનગર મોકલાય છે

કચ્છ જિલ્લા પંચાયતમાં પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી આવેલી છે. જેણે ગત વર્ષે 31મી ઓગસ્ટના ગાંધીનગરમાં આવેલી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને કચ્છ જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા તથા મળવાપાત્ર શિક્ષકોની હકીકત દર્શાવતું મોકલવામાં આવ્યું હતું અને આવું દર વર્ષે મોકલવામાં આવે છે, જેમાં દરેક તાલુકામાં ધોરણ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા, મળવાપાત્ર શિક્ષકો, મંજૂર મહેકમ, શાળામાં નિમાયેલા શિક્ષકો, શિક્ષકોની વધ છે કે ઘટ તેની વિગતવાર માહિતી મોકલવામાં આવે છે.

કચ્છ જિલ્લામાં ગત વર્ષે 2666 શિક્ષકોની ઘટ બતાવાઇ હતી, પરંતુ અમુક શાળાઓ એવી હતી, જેમાં શિક્ષકો જરૂર કરતાં વધુ હતા. જેની કુલ સંખ્યા 295 જેટલી થાય છે. આમ છતાં આ અસમતુલાની સમસ્યાનો હલ શોધવામાં શિક્ષણ તંત્ર ઉણું ઉતરી રહ્યું છે. જોકે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કચ્છની 3 દિવસની મુલાકાતે આવ્યા છે. જેમની પાસે જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા અને જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષા છાયાબેન ગઢવી કાયમી નિવેડો લાવવા રજૂઆત કરવાના છે, જેમાં પ્રવાસી શિક્ષકોને નિમવા માટે ગ્રાન્ટની મંજૂરી આપવા જેવા મુદ્દા પણ સાંકળી લેવામાં આવશે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

લખપતમાં ધો. 6 થી 8ના 273ના મહેકમમાં 189 શિક્ષકોની ઘટ!

લખપત તાલુકાના સામાજીક કાર્યકર હરેશ રાજગોરે શિક્ષણાધિકારી પત્ર લખી જણાવ્યું હતું કે, તાલુકાના અંતરીયાળ કપુરાશી, કોરીયાણી, બરંદા, છેર, મુંધવાય જેવા ગામોમાં શિક્ષકોની ઘટ હોવાથી તાત્કાલિક પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવામાં નહીં આવે તો બાળકોના ભવિષ્ય અંધકારમાં ધકેલાઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લખપત તાલુકામાં ધો. 1થી 5માં 299નો મહેકમ છે અને 249 શિક્ષકો જ છે. જયારે ધો. 6થી 8માં 273 શિક્ષકોના મહેકમ સામે માત્ર 84 શિક્ષકો જ છે. જેથી 189 શિક્ષકોની ઘટ છે. આવું જ ચિત્ર અબડાસા તાલુકાના ધો. 6થી 8નું છે. જેમાં 299 શિક્ષકોની ઘટ છે. રાપર તાલુકાના ધો. 6થી 8માં 831 શિક્ષકોના મહેકમ સામે માત્ર 516 શિક્ષકો હોવાથી 317 શિક્ષકોની ઘટ છે. જો કે સૌથી વધુ ભુજ તાલુકામાં ધો. 6થી 8માં 339 શિક્ષકોની ઘટ છે. આવું ચિત્ર દરેક તાલુકામાં છે.

શિક્ષણમંત્રી ગયાને છાત્રા પાસે કરાવાઇ સફાઇ

ભુજમાં શાળા નં.17માં શિક્ષણમંત્રીના કાર્યક્રમ બાદ બાળાઓ પાસે કચરો વળાવાયો હતો. જે અંગે માધ્યમોએ ચુડાસમાને પુછતાં તેમણે પ્રથમ તપાસ કરવાની વાત કર્યા બાદ ક્ષુલક મામલો ગણાવી સર્વાગિણ વિકાસ માટે સફાઇ વગેરે મુદ્દા જરૂરી ગણાવ્યા હતા.

ગ્રાન્ટના અભાવે પ્રવાસી શિક્ષકોની નિમણૂક અટકી છે: જિ.પ. પ્રમુખ

જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા પણ ઉજવણીમાં જોડાયા હતા. જેમને પૂછ્યું હતું કે, શિક્ષકોની ઘટ બાબતે શિક્ષણમંત્રી પાસે રજૂઆત કરી હતી, તો તેમણે કહ્યું હતું કે, હા કરી છે. ગ્રાન્ટ મંજૂર થઇ જાય તો પ્રવાસી શિક્ષકો નિમવાની વિધિ શરૂ કરી દઇ. જેથી તાત્કાલિક શિક્ષકોની ઘટ નિવારી શકાય. તેમને જ્યારે પૂછ્યું કે, વર્ષોથી શિક્ષકોની ઘટનો પ્રશ્ન ઉકેલાતો કેમ નથી. તો તેમણે કહ્યું કે, શિક્ષકોની તો નિમણૂક કરવામાં આવે છે, પરંતુ શિક્ષકો પસંદગીની અમુક જગ્યામાં જ જવાનું પસંદ કરતા હોય છે. જેથી અમુક જગ્યાએ શિક્ષકોની ઘટ રહેતી હોય છે.

ધોરણ-1થી 5માં 763 શિક્ષકોની જગ્યા ખાલી

કચ્છના દસેદસ તાલુકામાં ગત વર્ષે ધોરણ-1થી 5માં કુલ 1,60,375 વિદ્યાર્થીઓ હતા. જેમાં કુમાર 81601 અને કન્યાઓ 78774નો સમાવેશ થતો હતો, પરંતુ 5921 શિક્ષકોની જરૂરિયાત સામે માત્ર 5414 જ શિક્ષકો હતા. આમ 763 શિક્ષકોની ઘટ હતી. જોકે, સામે અમુક એવી પણ શાળાઓ હતી, જેમાં જરૂર કરતા શિક્ષકો વધુ હતા. જેની કુલ સંખ્યા 256 જેટલી છે.

ઉચ્ચ પ્રાથમિકમાં જરૂર કરતાં ઓછું મહેકમ મંજૂર

ધોરણ-6થી 8ને ઉચ્ચ પ્રાથમિકમાં સમાવાયા છે. જેમાં મળવાપાત્ર 5146 શિક્ષકો છે, પરંતુ મહેકમ 4922નું જ મંજૂર થયું છે. આમ, મળવાપાત્ર અને મંજૂર મહેકમ વચ્ચે 224નો તફાવત છે. જ્યારે કામ કરતા શિક્ષકો માત્ર 3058 છે. જેથી મંજૂર થયેલા મહેકમની રીતે જોઇએ તો 1903 શિક્ષકોની ઘટ નોંધાઇ છે.

ધોરણ-6થી 8માં 2088 શિક્ષકોની ઘટ

જિલ્લાના 10 તાલુકામાં 2015ની સાલમાં ધોરણ-6થી 8માં કુલ 96278 વિદ્યાર્થીઓ હતા. જેમાં કુમાર 50127 અને કન્યાઓ 46151નો સમાવેશ થતો હતો, પરંતુ 5146 શિક્ષકોની જરૂરિયાત સામે માત્ર 3058 જ શિક્ષકો હતા. આમ 2088 શિક્ષકોની ઘટ હતી. જોકે, સામે અમુક શાળા એવી પણ હતી, જેમાં જરૂર કરતા શિક્ષકો વધુ હતા. જેની કુલ સંખ્યા 39 જેટલી છે.
અન્ય સમાચારો પણ છે...