- રૂપિયા 5 હજારની અનેક બેટરી તથા બોક્સ ગુમ અડધો રસ્તો અંધારો
ભુજ : ભાડા દ્વારા આત્મારામ રિંગરોડ પર મૂકાયેલી સોલાર લાઇટ શહેરની શોભામાં વધારો કરી રહી છે, પણ અસામાજિક તત્ત્વો દ્વારા તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જેના કારણે આ રોડના અંત ભાગમાં અંધારાંના ઓળા છવાયેલા જોવા મળે છે.
છેલ્લા 2 વર્ષથી આ લાઇટો ભાડાએ નાખી છે. વીજળીની બચત દ્વારા તે હેતુથી સોલાર પેનલ મૂકાઇ હતી, પરંતુ હાલે તેની હાલત બગડી છે. આરટીઓ સર્કલથી શરૂ થતા આ રોડના અંત ભાગમાં આવેલી લાઇટોમાંથી બેટરી તથા બોક્સ ચોરાઇ ગયા છે. અંદાજે 60થી વધુ લાઇટો અહીં આવેલી છે, જેમાંથી મોટાભાગના થાંભલામાંથી પેનલને ચાર્જ કરતી બેટરી જ ચોરી જવાતાં સોલાર લાઇટો નકામી બની ગઇ છે, જેના કારણે સતત ધમધમતા આ રોડ પર અનેક જગ્યાએ અંધારું થઇ ગયું છે.
મળતી માહિતી મુજબ સોલાર પેનલ, થાંભલો તથા અન્ય સામગ્રી મળીને 10 હજારની કિંમત થાય છે, જેમાં બેટરીની કિંમત જ 5 હજાર થાય છે, ત્યારે કિંમતી એવી બેટરીઓ જ શખ્સો ચોરી જતા લાઇટોનો કોઇ અર્થ રહ્યો નથી. આ ચીભડચોરી હજી પણ થઇ રહી છે, ત્યારે જો સત્વરે કોઇ પગલાં નહીં લેવાય, તો તમામ બેટરીઓ ચોરાઇ જશે, પરિણામે લાખોના ખર્ચે નખાયેલી આ સોલારલાઇટોનો અર્થ નહીં રહે.
સુધરાઇને મેઇન્ટેનન્સ સોંપાયું છે : ભાડા
ભાડા ચેરમેન કિરીટ સોમપુરાએ કહ્યું કે, આ કામ આર અેન્ડ બી સ્ટેટ પાસે કરાવ્યું હતું. 15 લાખની ગ્રાન્ટ અપાઇ હતી. કામગીરી થયા બાદ આ સમગ્ર જવાબદારી પાલિકાને આપી છે. ચીફ ઓફિસરને ભાડાએ પત્ર આપી ચોરીની ફરિયાદ અમને મળતાં તાજેતરમાં અમારા દ્વારા ફરીથી તેઓને રિમાઇન્ડ કરાવવા બીજો પત્ર લખાયો હતો, જેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, ભાડા દ્વારા લાઇટોની જવાબદારી સુધરાઇને સોંપી દેવાઇ હોઇ ચોરી થતી અટકાવવા પગલાં ભરવા-મેઇન્ટેનન્સ તમારે કરાવવાનું રહેશે.
પત્ર લખાયો હોય તેનો ખ્યાલ નથી : ચીફ ઓફિસર
સોલાર બેટરીની ચોરી થઇ રહી છે, જે મામલે ભાડાને પૂછતાં ચેરમેને જણાવ્યું હતું કે, સોલારલાઇટોની જવાબદારી પાલિકાને સોંપાઇ ગઇ છે અને આ માટે બે વાર પત્ર ચીફ ઓફિસરને ઉદેશીને લખાયા છે, જેમાં એક પત્ર તાજતેરમાં લખાયો છે, તો તમને પત્રનો ખયાલ છે. તેના જવાબમાં સીઓ મેહૂલ જોધપુરા કહ્યું હતું કે, હજી સુધી આવું કંઇ મારા ધ્યાનમાં આવ્યું નથી. હું જોવડાવું પછી મને ખબર પડે. જો કોઇ આવો પત્ર પાલિકાને લખાયો હશે, તો શું સુધરાઇ મેઇન્ટેનન્સ સંભાળશે. તેનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે, મને આ મુદ્દે ખબર નથી તો હું કંઇ કહી ન શકું.