તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંજારની મહિલાએ ઊભી કરી શાખ બેંકમાં નામ આપો ને લોન થાય પાસ!

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કરીમાબેન રાયમા)
ભુજ: આજે વિશ્વ મહિલા દિને જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાતો થશે, ત્યારે અંજારની એક મુસ્લિમ મહિલા જે ખુદ અભણ છે, પરંતુ તેના નામ માત્રથી આજે લોકોની બેંકલોનો ગણતરીના દિવસોમાં થાય છે મંજૂર. ભૂતકાળમાં ઘરકામ કરતી મહિલા આજે નગરપાલિકા વોર્ડ નં.4ના કાઉન્સિલ પદે કામ કરે છે. મૂળ અંજારના કરીમાબેન રાયમાએ અત્યંત ગરીબ પરિવારમાં જન્મ ધારણ કરી જીવનના મહામૂલા વર્ષો અત્યંત કંગાળ પરિસ્થિતિમાં વિતાવ્યા છે. પોતે સ્કૂલનો દાદરો ચડ્યા નથી, પરંતુ ભણેલાઓ મૂંઝાય ત્યારે તેમના પથદર્શક બને છે.
-ઘરકામ કરતા કરીમાબેન આજે નગરપાલિકા વોર્ડ-4ના કાઉન્સિલર પણ છે
કરીમાબેનનો આજના વિશેષ દિને ઉલ્લેખ કરવો રહ્યો કે, મંધાતા નેતાઓ કે સામાજીક અગ્રણીઓને શાખ ઊભી કરવા આયખું વિતાવ્યા છતાં મુકમલ્લ સ્થાન કે શાખ કદાચ ન મળે, પરંતુ આ મહિલાએ કોઇપણ હોદા વિના કે મોટા પીઠબળ વિના જાત મહેનતે એવી શાખ ઉભી કરી છે કે, ઐતિહાસિક શહેરની બેંકમાં લોન માટે અરજી કરાય, ત્યારે યોગ્ય ગેરન્ટર અરજદાર પાસે ન હોય, તો ખુદ બેંક અધિકારીઓ એમ કહે કે, કરીમાબેન ગેરન્ટર હોય તો અમે લોન આપીએ ! વર્તમાન સમયમાં આવી છાપ કેળવવી ખૂબ કઠીન છે.
આવા કોઇ અપરિચીત જ્યારે બેન પાસે જાય, તો તુરંત તેઓ બેંકમાં જઇ અરજદારની ભલામણ નિ:સ્વાર્થ ભાવે કરે છે. રૂબરૂ મુલાકાતમાં કરીમાબેને જણાવ્યું હતું કે, બાળપણથી જ મને હજ પઢવાની અદમ્ય ઇચ્છા હતી અને પરવરદિગાર પાસે આ અંગે અરજ કરતી રહેતી, ત્યારે વર્ષોના વ્હાણા વિત્યા બાદ તેમની અરજ કબૂલ થઇ અને પોતાની માલિકીનું મકાન 7 લાખમાં વેચીને હજ કરવા ગયા હતા. બીજી વખત જ્યારે હજ પઢવા ગયા, ત્યારે કુલ 20 જણમાંથી 12 જણ તો એવા હતા કે, જેમને આંખ-કાનની તકલીફ સિવાય અન્ય શારીરિક તકલીફો હતી.
આ સિવાય ઘણા ટીબીવાળા દર્દીઓની તપાસ કરાવી દવા લેવડાવવી, જન્મ-મરણના દાખલા કઢાવી આપી વિધવાઓને ત્રણ માસ અંદર વિધવા પેન્શન ચાલુ કરાવી આપવા સિવાય અનેક ક્ષેત્રોમાં લોકોને ઉપયોગી થઇ રહ્યા છે. હાલ તેઓ અંજાર નગરપાલિકા વોર્ડ નંબર-4ના કાઉન્સિલર તરીકે સેવા આપી રહ્યા છે. આ સિવાય તેઓ બાંધણીના વ્યવસાયમાં પણ કાર્યરત છે. આમ તો સ્ત્રી અને સંઘર્ષ સિક્કાની બે બાજુ સમાન છે, પરંતુ અનેક વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી જીવનના 6 દાયકા વિતી ગયા છતાં તેઅો યુવાન જેવો જોમ અને જુસ્સો ધરાવે છે. કરીમાબેને પોતાની ઉન્નતિ માટે મહિલા આર્થિક વિકાસ નિગમના મિનાક્ષીબેન ભટ્ટનો સાથ-સહકાર મળ્યાનું જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...