• Gujarati News
  • Anjar APMC Chairman Of Repeat Elections, The Sixth Time In A Row

અંજાર APMCની ચૂંટણીમાં સતત છઠ્ઠી વખત ચેરમેન રિપીટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વાઇસ ચેરમેન, સેક્રેટરી સહિતના પદો પણ બિનહરીફ થયા
અંજાર : કચ્છની સૌથી મોટી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એવી અંજાર એપીએમસીના હોદ્દેદારોની આજે ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણી પ્રક્રિયામાં એપીએમસીના પ્રમુખ પદે સતત છઠ્ઠી વખત વલમજીભાઇ હુંબલની વરણી કરવામાં આવી હતી.આ ઉપરાંત બજાર સમિતિના અન્ય હોદ્દેદારોની પણ બિનહરીફ વરણી થઇ હતી. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અંજારની સબમાર્કેટ યાર્ડમાં પાણી ભરાઇ જવાના મુદ્દે ધીમો ગણગણાટ થયો હતો, પરંતુ ખૂલીને બોલવા કોઇ તૈયાર ન થતાં ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હતું.

અંજાર એપીએમસીના ચેરમેન સહિતની ટીમની પ્રતિષ્ઠાસભર ચૂંટણીમાં પરસ્પરની ચર્ચા-વિચારણા બાદ ગત ટર્મના સભ્યોને જ રિપીટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તેની સાથે જ સતત છઠ્ઠી વખત વલમજીભાઇને બજાર સમિતિનું સૂકાન સોંપવામાં આવ્યું હતું, તેમની સાથે ઉપપ્રમુખ સહદેવસિંહ જાડેજા, સેક્રેટરી મૂળજીભાઇ મ્યાત્રા સહિત અન્ય 14 ડાયરેક્ટરને પણ રિપીટ કરવામાં આવ્યા હતા. આ અંગે ચેરમેન વલમજીભાઇએ જણાવ્યું હતું કે, પરસ્પરની સહમતિથી તેમજ પક્ષના આદેશથી તમામ બોડીને રિપીટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અંજાર એપીએમસી ખેડૂતોના હિતમાં સતત કાર્યરત રહેશે તેવું કહેવામાં આવ્યું હતું.

ચૂંટણી સંબંધિત બેઠક શરૂ થવા અગાઉ એપીએમસી હસ્તકના સબ માર્કેટયાર્ડમાં તાજેતરના વરસાદને કારણે થયેલી તારાજી મુદ્દે ઉગ્ર રજૂઆત કરવાની તૈયારીઓ થઇ રહી હતી, પરંતુ કોઇ કારણોસર આ મુદ્દે કોઇ ચર્ચા થઇ નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વરસાદમાં કેરીના માલને મોટું નુકસાન જતાં તે સમયે સબ માર્કેટયાર્ડમાં શેડ બનાવવાની ઉગ્ર માગણી કરવામાં આવી હતી, જે બનાવવામાં ન આવતાં વધુ એક વાર ખેડૂતોનો બહોળો માલ પલળી ગયો હતો. આજની આ બેઠકમાં હસમુખભાઇ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સામજીભાઇ ડાંગર, શહેર ભાજપ પ્રમુખ સંજય દાવડા, મનજીભાઇ આહિર, અરજણભાઇ ચાવડા, જિલ્લા રજિસ્ટ્રાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.