તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી નોટો સ્વીકારતી અપના બજાર દ્વારા બીલ ન આપતાં ભ્રષ્ટાચારની બૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ: કચ્છ જિલ્લાની એક માત્ર અપના બજારમાં નોટબંધી બાદ રદ્દ થયેલી મોટી નોટો સ્વીકારી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. લોકો પણ જૂની નોટ ચલાવવા અહીંથી મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે, પરંતુ અપના બજાર કોઇને બિલ આપતું ન હોવાની લોકોએ ફરિયાદ કરી છે અને ચોપડામાં નોંધ પણ કાચી જ રાખવામાં આવી છે. જોકે, અપના બજારના મેનેજિંગ ડાયરેક્ટરે આ વાતનો ઇન્કાર કરી વહીવટ પારદર્શી હોવાનું જણાવ્યું હતું.
ભૂકંપ બાદ ઘણો સમય બંધ રહેલા અપના બજારને મેનેજિંગ ડાયરેક્ટર મહેન્દ્ર ઠક્કર અને તેના ડાયરેક્ટરોએ ફરી ધમધમતું કર્યું છે. સરકારે 500-1000ની નોટો બંધ કરી ત્યારબાદ એટલે કે, 8 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી આ બન્ને મોટી નોટ સ્વીકારવાની જાહેરાત કરી માચિસથી લઇ ડ્રાયફ્રૂટ સુધીની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. દરેક બ્રાન્ડની તુવેરદાળ, ચોખા, ઘઉં, મગ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઅો અહીં મળતી હોવાથી લોકોનો મોટો ધસારો નોટબંધી બાદ જોવા મળી રહ્યો છે.

નોટબંધી પહેલાં અપના બજારનો રોજનો વકરો રૂા. 25,000નો હતો, જ્યારે નોટબંધી બાદ તે વધીને સરેરાશ 4થી 5 લાખનો થઇ ગયો છે, પણ લોકોની એવી ફરિયાદ છે કે, સરકાર સાથે સંકળાયેલી છે, છતાં લોકોને બિલ આપવામાં નથી આવતાં, તો ક્યાંક ભ્રષ્ટાચાર તો નથી થઇ રહ્યો ને, ખરેખર આ અપના બજારના હિસાબોની તપાસ ઝીણવટભરી થવી જોઇએ. લોકોના આ આક્ષેપોનું ખંડન કરતાં અપના બજારના મેનેજિંગ ડાયરેક્ટરે અમારો વહીવટ પારદર્શક છે એમ જણાવ્યું હતું.

બિલ ન આપી અપના બજારના વકરા સાથે પોતાના પણ વ્હાઇટ કરી લેવાય છે
આ બાબતે માહિતગાર વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું કે, અપના બજારમાં એક દિવસનો વકરો 1 લાખ થયો, તો તેમાં સંચાલકો પોતાના 4 લાખ નાખી પોતાના નાણા વ્હાઇટ કરી લે છે, માટે આ બજારના હિસાબોની ઝીણવટભરી તપાસ થવી જોઇએ.
અન્ય સમાચારો પણ છે...