ભારતના ચુનંદા વિજ્ઞાનીઓને તૈયાર કરશે કચ્છના વૈજ્ઞાનિક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભારત સરકારના એક પ્રોગ્રામ હેઠળ હિમાલયપર્વતનો ભૂસ્તરીય અભ્યાસ કરાવાશે
- કચ્છ યુનિ.ના ડો. ઠક્કર 15 યુવા વૈજ્ઞાનિકને આપશે માર્ગદર્શન
ભુજ: કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટલ સાયન્સ વિભાગના અધ્યક્ષ ડો. એમ.જી. ઠક્કર હવે તેમનો કચ્છનો સંશોધનનો અનુભવ સમગ્ર દેશના વિજ્ઞાનીઓને પીરસવા જઇ રહ્યા છે. હાલમાં જ તેઓને ભારત સરકારના વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી મંત્રાલય તરફથી સમગ્ર દેશના ખાસ કરીને યુવા વિજ્ઞાનીઓને હિમાલય પર્વત શ્રૃંખલાના લદાખ, ઝંસ્કાર, કારગીલ અને દાસ પર્વતમાળામાં ભૂસ્તરીય અભ્યાસ કરાવવા અને ત્યારબાદ તે વિસ્તારમાં આવનારા વર્ષોમાં ગહન સંશોધન કરવા પ્રેરણા આપવાની કામગીરી સોંપવામાં આવી છે, તેના ભાગ રૂપે હાલમાં જે તેઓ લદાખ, ઝંસ્કાર, કારગીલ અને દાસ પર્વતમાળામાં અન્ય વિજ્ઞાનીઓ જેવા કે ડો. નવીન જુઆલ-અમદાવાદ, તેમજ ડો. સૂરજ પરચા-દેહરાદૂન સાથે પ્રાથમિક ક્ષેત્રિય અભ્યાસ અર્થે ગયા હતા.

તેમના કહેવા મુજબ આ વિસ્તારોમાં યુરોપ તથા અમેરિકાના અનેક વિજ્ઞાનીઓ કામ કરી રહ્યા છે, પરંતુ ભારતીય વિજ્ઞાનીઓની હાજરી નહીંવત છે. જ્યારે સમગ્ર વિસ્તાર ભૂસ્તરીય અભ્યાસ, ભૂકંપ, જીવાવશેષ, ટેક્ટોનીક, સેડીમેન્ટોલોજીકલ, હિમયુગ તથા ક્વાર્ટર્નરી યુગના અભ્યાસ માટે સ્વર્ગ સમાન છે, ત્યારે ભારતીય યુવા વિજ્ઞાનીઓને તૈયાર કરવા એક ભગીરથ કાર્ય છે. છેલ્લા પાંચ વર્ષથી ચાલતા આ પ્રોગ્રામના અંતિમ વર્ષનું સૂકાન અને સમગ્ર પાંચ વર્ષની સફળતાનું સૂકાન ડો. ઠક્કરના હાથમાં સોંપવામાં આવ્યું છે. આ છેલ્લા તબક્કામાં સાથી વધુ 110 અરજી ડો. ઠક્કરને કચ્છ યુનિવર્સિટીમાં સમગ્ર દેશમાંથી મળેલી છે, જેમાંથી ફક્ત 15 યુવા વિજ્ઞાનીની જ પસંદગી કરવાની રહે છે, તેમની સાથે તેમના આસિસ્ટન્ટ તરીકે યુવા વિજ્ઞાની ગૌરવ ચૌહાણ સતત જહેમત ઉઠાવી રહ્યા છે. તેઓએ પણ ગયા વર્ષ લદાખમાં આવા જ એક પ્રોગ્રામમાં તાલીમ લીધી હતી.
24 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર-2015ના સમય દરમિયાન અપાનારી આ તાલીમ હિમનદીઓના અભ્યાસ પર ઘણુ ખરું કેન્દ્રીત કરવામાં આવી છે. હિમાલયની ગ્લેશિયરો સમગ્ર ભારત તથા વિશ્વના વાતાવરણનું કેવી રીતે નિયમન કરે છે તથા હિમાલય-લદાખ, કારગીલ, ઉત્તરાખંડ તથા કાશ્મીરમાં અવારનવાર આવતા પૂરનું કારણ અને નિવારણ પણ અભ્યાસનો મહત્ત્વનો મુદ્દો બની રહેશે. આ ઉપરાંત પ્રિકેમ્બ્રીયનથી ક્વાર્ટર્નરી યુગ સુધીના ખડકોની વિસ્તૃત અભ્યાસ હાથ ધરવામાં આવશે. સૌથી મહત્ત્વની બાબત તો સિંધુ અને સાંગપોના સૂચર વિસ્તારના અભ્યાસની છે. અહીં એકતરફ ઉત્તરમાં અેશિયન પ્લેટ તથા દક્ષિણમાં ભારતીય પ્લેટના વિશિષ્ટ ખડકો દેખાય છે. બન્નેની વચ્ચે આવેલા સૂચર વિસ્તાર એકવાર ઉંડી ખાઇ જેવો હતો, જેમાં ટર્શરી યુગના જીવાવશેષો તથા મોલાશ અને ફિલશ પ્રકારના ખડકો કારગીલથી લામાયુરુ તથા લેહ સુધી જોવા મળે છે, જ્યારે લેહમાં અગ્નિકૃત પ્રકારના ખડકોનો જથ્થો બેથોલિથના સ્વરૂપમાં ફેલાયેલો જોવા મળે છે. આ સમગ્ર આયોજન માટે ડો. ઠક્કરને 28 લાખનું અનુદાન સરકાર તરફથી મળ્યું છે.
અન્ય સમાચારો પણ છે...