શંકાસ્પદનો રિપોર્ટ નેગેટિવ, ક્વોરન્ટાઇનનો આંક વધ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના દર્દી અને ક્વોરન્ટાઇન લોકો સહિતના સાચા આંકડા લોકો સુધી પહોંચે તે તંત્રની જવાબદારી છે પણ શનિવારે કલેક્ટર, ડીડીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બહાર પડાયેલી યાદીમાં વિસંગતતા જોવા મળી હતી. બીજી બાજુ કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા બહાર પડાતી યાદીમાં આંકડા સાંજના ચાર વાગ્યા સુધીના હોવાનું જણાવીને હાથ ઉંચા કરી દેવાય છે.

સૌ પ્રથમ કલેક્ટરે બહાર પાડેલી યાદીમાં ઘરમાં અત્યાર સુધી 2144 લોકોને ક્વોરન્ટાઇન કરાયા સાથે હાલે 2088 લોકો ક્વોરન્ટાઇન તળે છે તેમ જણાવાયું હતું.

આંકડા સાંજના ચાર વાગ્યા સુધીના છે તેમ લખીને જાણે જવાબદારીમાંથી છૂટી જવાની પેરવી કરાઇ હતી. ત્યાર બાદ સાંજે 5.45ના અરસામાં જિલ્લા આરોગ્ય વડા ડો. કન્નરે સોશિયલ મીડિયામાં વહેતી કરેલી યાદીમાં ઘરમાં હાલે 2052 લોકો ક્વોરન્ટાઇનમાં છે તેમ જણાવાયું હતું. સાંજે 7.55 કલાકે જિલ્લા વિકાસ અધિકારીની સુચનાથી બહાર પડાયેલી યાદીમા આ આંકડો અલગ જ હતો. આ યાદી પ્રમાણે કચ્છમાં અત્યાર સુધી 2088 લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે અને હાલે તેમાથી 1896 નિગરાની તળે છે તેમ જણાવાયું હતું.

આવી જ રીતે ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરન્ટાઇનમાં પણ સંકલનનો અભાવ જોવા મળ્યો હતો. આરોગ્ય વડાના જણાવ્યા મુજબ વર્તમાન સમયે તેનો આંક 76 છે જ્યારે જિલ્લા પંચાયત અને ડિઝાસ્ટર મેનેજમેન્ટે 56 લોકો ક્વોરન્ટાઇનમાં છે તેમ યાદીમાં જણાવ્યું હતું. દરમિયાન ડીડીઓ દ્વારા બહાર પડાયેલી પહેલી યાદીમાં શંકાસ્પદ દર્દી બાબતે ભાંગરો વટાયો હોવાનું જણાઇ જતાં તેને વ્હોટ્સેપ ગ્રૂપમાંથી ડિલિટ કરીને નવી યાદી મુકાઇ હતી જેમા ભૂલ સુધારી
લેવાઇ હતી.

આમ વર્તમાન કટોકટી જેવી સ્થિતિએ તંત્ર વચ્ચેના સંકલનને અભાવે અસમંજસ પેદા થાય છે. કોરોના બાબતે લોકો સમક્ષ સ્પષ્ટ ચિત્ર મુકી શકાય તે માટે કોઇ એકને જ સત્તાવાર આંકડા જાહેર કરવાની જવાબદારી સોંપાય તે ઇચ્છનીય છે.

અલગ અલગ અધિકારી દ્વારા બહાર પડાતી યાદીને કારણે અસમંજસ


ભુજની જનરલ હોસ્પિટલમાં એક પોઝિટિવ અને એક નેગેટિવ સારવાર તળે


તંત્ર દ્વારા આપવામા આવતી કોરોનાની માહિતીમાં અનેક વિસંગતતા નીકળી

ભાસ્કર ન્યૂઝ . ભુજ

વિશ્વભરમાં કોરોનાનો કહેર છે તેવામાં તુલનાત્મક રીતે કચ્છનું ચિત્ર અત્યાર સુધી તંદુરસ્ત જોવા મળી રહ્યું છે. શુક્રવારે શંકાસ્પદ લક્ષણો સાથે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા બળદિયાના વૃધ્ધનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બીજી બાજુ ઇન્સ્ટીટ્યૂટ અને હોમ ક્વોરન્ટાઇન હેઠળ રખાઇ રહેલા લોકોનો આંક વધીને 2128 પર પહોંચ્યો હતો.

અત્યાર સુધી કોરોનાના શંકાસ્પદ લક્ષણ સાથેના 17 દર્દીના નમૂના લેવાયા છે જેમાંથી 16ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તો એકમાત્ર પોઝિટિવ મહિલા દર્દી હાલે ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું હતું. શુક્રવારે દાખલ કરાયેલા કેલિફોર્નિયા રિટર્ન બળદિયાના દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પણ તકેદારી રૂપે હાલે સારવાર તળે રાખવામા આવ્યા છે. આમ જનરલ હોસ્પિટલમા કુલ્લ બે દર્દીને સારવાર આપવામા આવી રહી છે. બીજી બાજુ આ ચેપી રોગને ફેલાતો રોકવા માટે બહારથી કે વિદેશથી આવેલા લોકોને આરોગ્ય વિભાગની નિગરાની તળે રાખવામા આવ્યા છે જેનો આંક વધી રહ્યો છે. તબીબી સૂત્રોના કહેવા મુજબ સાવચેતી જ એક માત્ર ઉપાય હોતાં ક્વોરન્ટાઇન કરાયેલા લોકો પર ચાંપતી નજર રખાઇ રહી છે. કોવીડ-19ના ઇન્ક્યૂબેશનનો સમય 14 દિવસ જેટલો હોઇ આ ગાળા દરમિયાન ક્વોરન્ટાઇન વ્યક્તિને શરદી, ઉધરસ અને તાવ સહિતના લક્ષણો જણાશે તો તાત્કાલિક તેમને હોસ્પિટલમાં ખસેડવા તંત્ર સજ્જ છે.

723 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરાયા

કોરોના વાયરસની તકેદારીના ભાગરૂપે શરૂ કરવામાં આવેલ હોમ ટુ હોમ સર્વે હેઠળ કચ્છમાં અત્યાર સુધી 723 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. તમામ તાલુકામાં સોમવારથી શરૂ કરાયેલા આ અભિયાનમાં આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઇને શરદી, ખાંસી અને ઉધરસવાળી વ્યકિતઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ 15,58,231 લોકોનો સર્વે કરાયો હતો. સમગ્ર જિલ્લામાં 69.38 ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે.
અન્ય સમાચારો પણ છે...