ભુજમાં છાત્રાના અાપઘાતનું રહસ્ય અકબંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના ડોકટર બાબા સાહેબ અાંબેડકર કન્યા છાત્રાલયમાં ગળે ફાંસો ખાઇને 17 વર્ષીય ઉર્મિ અરજણભાઇ સીજુઅે જીવનનો અંત અાણ્યો અે કમનસીબ ઘટનાના બીજા દિવસે પણ અાપઘાત પાછળનું કારણ અકબંધ રહયું છે.

ભુજ અે ડિવિઝન પોલીસ રાજ્યપાલ બંદોબસ્તમાં રોકાયલી હોવાથી બીજા દિવસે પણ તપાસમાં કોઇ પ્રગતિ થઇ ન હતી. ભુજોડીની ઉર્મિ સીજુઅે સોમ-મંગળની રાત્રી દરમિયાન છાત્રાલયની લોબીમાં કઠોડા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇ લેતા ભુજોડી ગામમાં અને વણકર સમાજમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. અા કરૂણ બનાવના 40 કલાક પછી પણ બંદોબસ્તની વ્યસ્તતાને કારણે પોલીસ છાત્રાલયના સંચાલક કે માવિત્રોના નિવેદન સુધ્ધાં લઇ શકી ન હતી. અા બબાતે નારાજગી સાથે હતભાગી કિશોરીના મામા અરવિંદભાઇઅે જણાવ્યું કે, અમે પરિવારજનોની લાગણી દર્શાવવા અને તપાસમાં થતા વિલંબ બાબતે પોલીસ મથકે તેમજ સમાજ કલ્યાણ વિભાગમાં રજુઅાત કરી હતી. તેમણે છાત્રાલયના વહીવટ તરફ અંગુલી નિર્દેશ પણ કર્યો હતો.

વીઆઇપી ભલે પધારે,પોલીસની બીજી કામગીરી ખોરવાય એ કેટલું ઉચિત ?


ભુજ‘ના બાબાસાહેબ આંબેડકર કન્યા છાત્રાલયમાં 17 વર્ષિય છાત્રાએ મંગળવારે પોતાના જીવનો અંત આણ્યો, એ કરૂણ ઘટના પાછળનું કારણ બીજા દિવસે પણ બહાર નથી આવ્યું. સંભવત: હજુ આવતા ત્રણ-ચાર દિવસ સુધી પણ કારણ બહાર નહીં આવે, કેમકે પોલીસ છેલ્લા ત્રણ દિવસથી રાજ્યપાલના બંદોબસ્તમાં વ્યસ્ત હતી. એ વચ્ચે દેશના પૂર્વ મુખ્ય ન્યાયધીશ કચ્છ આવી ગયા, હવે આવતી કાલથી બે દિવસ મુખ્યમંત્રી અને કેન્દ્રીય પ્રવાસન મંત્રી સહિતના મહાનુભાવો માંડવી અને ધોરડો આવી રહ્યા છે અને પોલીસ દળ તેમની પાછળ તહેનાત રહેશે. કરૂણતા એ છે કે રાજ્યપાલ જેના ઘરે જવાના હતા એ ભુજોડીના વણકર પરિવારની કિશોરીએ શા માટે અકાળે આત્મહત્યા કરી, અેનું રહસ્ય પણ એ જ રાજ્યપાલ બંદોબસ્તને કારણે બહાર નથી આવ્યું. હતભાગી બાળાના માવિત્રો કે છાત્રાલયના સંચાલકના નિવેદન સુધ્ધા નથી લઇ શકાયા. અહીં પ્રશ્ન એ થાય કે કાયદાના હિતમાં આ વ્યવસ્થા કેટલી ઉચિત કહેવાય ? સવાલ માત્ર એક આપઘાત કેસની તપાસ ખોરંભે ચડવા પૂરતો નથી પણ જ્યારે જ્યારે વી.આઇ.પી.નું આગમન થાય ત્યારે ત્યારે આ જ પરિસ્થિતિ સર્જાતી હોય છે. ટ્રાફિક પોલીસ મુખ્ય પોઇન્ટ પરથી પાછા ખેંચી લેવાતા મહાનુભાવના આગમનથી વિદાય સુધીના કલાકો કે દિવસો દરમિયાન ટ્રાફિક ક્ષેત્રે અરાજકતા સર્જાતી હોય એવું નાગરિકો અવાર નવાર અનુભવે છે. ભૂતકાળના એવા અનુભવો પણ છે કે હત્યા, લૂંટ જેવા ગંભીર બનાવોમાં પણ તપાસ સ્થગિત થઇ જતી હોય છે. કેન્દ્ર અથવા રાજ્યના પ્રધાનો, ઉચ્ચ અધિકારીઓ કે પ્રોટોકોલ મુજબના બીજા મહાનુભાવોની મુલાકાત હોય એટલે પોલસે વ્યવસ્થા તો જાળવવી જ પડે પરંતુ શું એવું ન થઇ શકે કે કેટલાક મહત્વનો પોલીસ સ્ટાફ અને અધિકારી તેમજ અત્યંત ગંભીર ગુનાના તપાસનીસને બંદોબસ્તમાંથી મુક્ત રખાય ? જો આવું થાય તો યથાયોગ્ય કહેવાય.

નિવેદન સુધ્ધાં નથી લેવાયા : પોલીસ બંદોબસ્તમાં રોકાઇ જતા બીજે દિવસે પણ તપાસ અાગળ ન ધપી


ભાસ્કર હસ્તક્ષેપ

વિપુલ વૈદ્ય
અન્ય સમાચારો પણ છે...