• Gujarati News
  • National
  • Bhuj News Staff Will Be Present For Counting And Will Be Present At 530 In The Morning 060701

મતગણતરી માટે કર્મચારીઅો સવારે 5.30 વાગ્યે હાજર થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
23મી મેના રોજ લોકસભાની ચૂંટણીની મતગણતરી દેશભરની સાથે કચ્છ બેઠક માટે પણ ભુજમાં યોજાશે. અા માટે કર્મચારીઅોને સવારે 5.30 કલાકે તંત્ર દ્વારા બોલાવી લેવામાં અાવ્યા છે. રેન્ડમાઇઝેશન થયા બાદ સવારે 8 વાગ્યાથી પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે. અને પછી સાત અલગ અલગ રૂમમાં વિધાનસભા પ્રમાણે મતગણતરી યોજાશે.

ભુજના ટાઉનહોલમાં અાજે મતગણતરી માટેની તાલીમ યોજાઇ હતી. તાલીમના પ્રારંભે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી.પ્રજાપતિએ મતગણતરી અંગેની અગત્યની કામગીરી અને ચૂંટણીપંચની સૂચનાઓ ઉપર પ્રકાશ પાડતાં આગામી 23મી મેના રોજ ભુજની એન્જિનિયરીંગ કોલેજ ખાતે સવારે 5.30 કલાકે સૌને ઉપસ્થિત થવાનું જણાવી ઉમેર્યુ હતું કે વહેલી સવારે ઓબ્ઝર્વરની હાજરીમાં ત્રીજા તબક્કાનું રેન્ડમાઇઝેશન હાથ ધરી વિધાનસભા વિભાગ વાઇઝ ટેબલ ઉપર કયાં કર્મચારી ફરજ બજાવશે તેનાં ઓર્ડર જનરેટ કરી તેની બજવણી કરાશે.

ભુજના ટાઉનહોલ ખાતે આજે મતગણતરીકારોને સંબોધતાં તેમણે મતગણતરી કેન્દ્રની ત્રિસ્તરીય સુરક્ષા હોવાથી જે કોઇ અંદર પ્રવેશશે તેનું ઓળખકાર્ડ ચકાસયા બાદ જ પ્રવેશ અપાશે, તેમ જણાવી મતગણતરી દરમિયાન કોઇપણ બાબત ઉપસ્થિત થાય તો મદદનીશ ચૂંટણી અધિકારીનું તરત ધ્યાન દોરવા જણાવ્યું હતું.

મત ગણતરી સ્ટાફને આ ભગીરથ કામગીરી સુપેરે પાર પાડવા માર્ગદર્શન આપતાં જિલ્લા ચૂંટણી અધિકારી રેમ્યા મોહને જણાવ્યું હતું કે, મતગણતરીની પ્રક્રિયામાં ભૂતકાળમાં જયારે-જયારે પ્રશ્નો થયેલા છે, ત્યારે તેમાં મોટાં ભાગે માનવીય ભૂલ હોવાનું સામે આવ્યું છે. ઇવીએમ મશીનમાં કોઇ ઇસ્યુ નથી, તેમ જણાવી મતગણતરી દરમિયાન પ્રક્રિયાઓનું તાલીમમાં જણાવ્યા અનુસાર સુચારૂ પાલન કરવા ઉપર તેમણે વિશેષ ભાર મૂકયો હતો.આ પ્રસંગે અધિક કલેકટર કે.એસ.ઝાલા, મદદનીશ ચૂંટણી અધિકારીઓ ભુજ વિભાગના નાયબ કલેકટર આર.જે.જાડેજા, મુંદરા વિભાગના અવિનાશ વસ્તાણી, ભચાઉના પી.કે.જાડેજા, અંજારના ડો.વિમલ જોષી, એસ.એમ.કાથડ, અબડાસાના ડી.એ.ઝાલા ઉપરાંત માઇક્રો ઓબ્ઝર્વર વગેરે સહિત મતગણતરી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમ વ્યવસ્થા માટે ચૂંટણી શાખાના નાયબ મામલતદાર પુલિન ઠાકર, અંકિત ઠકકર સહિતે જહેમત ઉઠાવી હતી.

અધિકારીઅોને પણ મોબાઇલ જમા કરાવવા પડશે
પ્રજાપતિએ કાઉન્ટીંગ હોલમાં કોઇપણ સંજોગોમાં મોબાઇલ લઇ જવાની ચૂંટણી પંચની સખત મનાઇનો ખાસ ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે મત ગણતરી કેન્દ્ર ખાતે ફરજ ઉપરના અધિકારી-કર્મચારીઓ માટેના મોબાઇલ કલેકશન સેન્ટરમાં મોબાઇલ જમા લઇ કૂપન આપવામાં આવશે.

ગુપ્તતાના શપથ પણ લેવા પડશે
સવારે આઠ વાગ્યાથી પોસ્ટલ બેલેટ તેમજ બાદમાં ઇવીએમમાં પડેલ મતોની કાઉન્ટીંગની કામગીરી હાથ ધરાશે તેમજ કાઉન્ટીંગ સાથે સંકળાયેલાઓને ગુપ્તતાના સોગંદ લેવડાવવા, ૭-વિધાનસભાના દરેક કાઉન્ટીંગ હોલમાં ૮ સ્ટેટીક કેમેરા સાથે વિડિયો રેકોર્ડીંગ, રીટર્નીંગ ઓફિસર અને ઓબ્ઝર્વરની હાજરીમાં મતદાન મથકના નંબરની એક-પછી એક ચીઠ્ઠી કાઢી સાત વિધાનસભામાં પાંચ-પાંચ વીવીપેટની સ્લીપોની બેંકના કાઉન્ટર જેમ તેની સ્લીપોની ગણતરી કરાશે.

‘‘ચલતા હૈ..’’ જ નહીં ચાલે
ચૂંટણી કમિશનની એક-એક સૂચનાને હળવાશથી ન લેવા સાથે ‘‘ચલતા હૈ..’’નો અભિગમ નહીં અપનાવવા જિલ્લા ચૂંટણી અધિકારી રેમ્યા મોહને મતગણતરી સાથે સંકળાયેલા તમામ અધિકારી કર્મચારીઓને સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...