• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News photographers order weddings from mumbai to mombasa 061657

ફોટોગ્રાફર્સ લગ્નના ઓર્ડર કરે છે મુંબઈથી મોમ્બાસા સુધી

Bhuj News - photographers order weddings from mumbai to mombasa 061657

DivyaBhaskar News Network

Nov 09, 2019, 06:17 AM IST
ફોટોગ્રાફીના શરૂઆતના તબક્કામાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી થતી. આગફા અને કોડાક જેવી કંપનીના 120 સાઇઝની નેગેટિવ પર તસવીર ઝીલી અને વિવિધ સાઇઝના પેપર પર પ્રિન્ટ નીકળતી. ત્યાંથી શરૂ થયેલી સફર કલર રોલ અને પ્રિન્ટ બાદ આજે ફૂલ ફ્રેમ કેમેરામાં ફોટો શૂટ કરી આલ્બમ અને વિડિયોગ્રાફીમાં અનેકોનેક વિવિધતા જોવા મળે છે. અને મહત્વનું એ છે કે કચ્છ અને ખાસ કરીને ભુજના ફોટોગ્રાફર્સ સમય સાથે ચાલીને અદ્યતન ડિજિટલ કેમેરા અને વિડિયો કેમેરા વસાવી માત્ર ભુજ કે કચ્છ નહિ, પરંતુ મુંબઈ, મદ્રાસ, કેન્યા, લંડન સુધી લગ્નના ઓર્ડર કરે છે.

એક સમયે લગ્નના કુલ મળીને ફોટો આલ્બમનું બિલ પાંચ થી દસ હજાર રૂપિયા થતું તે આજે પૈસાદાર પાર્ટીના પાંચથી પંદર લાખ સુધી થાય છે. એક ફોટોગ્રાફર સંપૂર્ણ લગ્નની ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી કરતો તે આજે આઠથી દસનો સ્ટાફ લઈને જાય છે. જેમાં ક્રેન ઓપરેટર અને લાઈવ મોકસિંગ ઓપરેટર તેમજ ફોટોગ્રાફર સામેલ હોય છે. એક સમયે જે માત્ર યાદગીરી માટે ફોટોગ્રાફી થતી આજે ખાસ આયોજન કરી પ્રસંગોની ચર્ચા માટે વર વધુ અને ફોટોગ્રાફર વચ્ચે મીટીંગો ગોઠવાય છે. અને ખાસ વ્યવસ્થા પણ ઉભી કરાય છે. સૌથી મહત્વનું હોય છે, રિઝલ્ટ. મતલબ કે તસવીર ખેંચી ત્યારબાદ ઇન્ડોર વર્ક.કોમ્પ્યુટર પર ખાસ સોફ્ટવેરમાં તેને ટચ અપ કરી આલ્બમ બનાવવું. તો વિડિયોગ્રાફીમાં પણ પોસ્ટ પ્રોડક્શન મહત્વનું છે. કચ્છના તસવીરકાર પણ દેશ વિદેશમાં યોજાતા ફોટોફેરમાં ભાગ લઈ લેટેસ્ટ વર્ઝન પર કામ કરે છે. આ જ કારણથી ચુનંદા ફોટોગ્રાફરનું કાર્યક્ષેત્ર માત્ર કચ્છ નથી રહ્યું. જેઓ તેમની કામની ગુણવત્તાને કારણે કચ્છ બહાર પણ પ્રખ્યાત થઈ ગયા છે, તેમને દેશ વિદેશમાં કામ મળતું થયું છે.

આજના સમયે સોશિયલ મીડિયાથી વ્યવસાયમાં ફાયદો થયો છે

જ્યારે સોશિયલ મીડિયા અસ્તિત્વમાં ન હતું ત્યારે માઉથ પબ્લીસીટીથી જ વધુ વેપાર મળતો આજે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા માધ્યમથી અજાણ્યા ગ્રાહક મળતા થયા છે ખાસ કરીને પ્રિ-વેડ શૂટિંગ કરી તેને સોશિયલ મિડીયા પર અપલોડ કરતા તે દુનિયાભરમાં જોઈ શકાય છે, અને સારા સારા ઓર્ડર મળ્યા છે. જય કંસારા, સાધના સ્ટુડિયો, ભુજ

કચ્છના આ સાત સ્થળો છે, પ્રિ-વેડ શૂટિંગ માટે હોટ ફેવરિટ

આજકાલ લગ્નના શૂટિંગ કરતા પણ તે પહેલાં કોઈ નવા ગીત પર પાંચથી સાત મિનિટના બનતા પ્રિ-વેડ શૂટિંગનું મહત્વ ખાસ વધ્યું છે.કચ્છ અને કચ્છ બહારના ફોટો-વિડિયોગ્રાફર અમુક સ્થળો પસંદ કરે છે. જેમાં મુખ્યત્વે માંડવીનો દરિયા કિનારો, વિજય વિલાસ, ભુજનું સ્મૃતિવન, પ્રાગ મહેલ, ખારી નદીની કોતરો, છતરડી અને ધોરડોનું સફેદ રણ. આ બધા કુદરતી અને ઐતિહાસિક સ્થળો પર ફિલ્માંકન વધુ ઓપી ઉઠે છે.

ડ્રોન પરનો પ્રતિબંધ વિશેષ શૂટિંગ માટે બાધારૂપ

કચ્છ સીમાવર્તી જિલ્લો હોવાથી રાષ્ટ્ર વિરુદ્ધ કંઈ પણ આતંકી ગતિવિધિની શંકા જાય એટલે અહીં તરત એજન્સી સતર્ક થઈ જાય. જે સંદર્ભે ડ્રોન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લગ્ન સિઝનમાં આ પ્રતિબંધ વિડિયો-ફોટોગ્રાફર માટે વ્યવસાયમાં અડચણરૂપ છે. તેઓ ડ્રોનથી કોઈ દેશ વિરોધી શૂટ નથી કરવાના પણ કાયદાના દાયરામાં આવી જાય છે, એટલે ઉપયોગ નથી કરી શકતા. વાત્સવમાં સ્થાનિક ડ્રોન ઓપરેટરની યાદી બનાવી અગાઉથી પરમિશન મેળવી શૂટિંગ પુરતી છૂટ આપવી જોઈએ.

કચ્છીઓ મહેનતી છે, એટલે જ દેશ વિદેશમાં ધંધાર્થે જાય છે

કચ્છીઓ સ્વભાવે જ મહેનતી છે. ભુજ હોય કે, ભારતનો કોઈપણ પ્રદેશ,અહીંનો વ્યવસાયી ખંતથી કામ કરે છે. વિડિયો-ફોટોગ્રાફીમાં પણ આ જ કારણથી વર્ધી ગમે ત્યાંની હોય તરત જ જવા તૈયાર થાય છે. ગુણવત્તા અને ખાસ કરીને અહીંના તસવીરકાર સમય સાથે અપડેટ રહે છે. તેનું સીધું ઉદાહરણ છે કે, કોઈ પણ આંતરરાષટ્રીય કંપની નવી પ્રોડક્ટ લોન્ચ કરે તેનો ડેમો કચ્છમાં પણ તરત રાખે છે. જે બતાવે છે કે, કચ્છ કેટલું એડવાન્સ છે. મનોજ ઠકકર, ફોટોમેજીક , ભુજ

X
Bhuj News - photographers order weddings from mumbai to mombasa 061657

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી