• Gujarati News
  • બનાસકાંઠાના 500થી વધુ પૂર અસરગ્રસ્તોને બચાવી લેવાયા

બનાસકાંઠાના 500થી વધુ પૂર અસરગ્રસ્તોને બચાવી લેવાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્રરાજયમાં છેલ્લા પાંચ દિવસથી પડતા વરસાદમાં ઉત્તર ગુજરાત અને કચ્છના 27 તાલુકાઓમાં સિઝનનો 100 ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે, તેમાંપણ બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં 100 ટકા કરતા વધુ અને સૂઇગામમાં તો 510 ટકા વરસાદ થતા સ્થિતિ વણસી છે. ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ કેબિનેટ રદ કરીને મહેસાણા, પાટણ, બનાસકાંઠાની મુલાકાત લીધી હતી. દરમિયાનમાં ભારે વરસાદથી 750 પશુઓના મોત થયા છે, જયારે બચાવકામગીરીમાં એનડીઆરએફની 14 ટીમ અને નવ હેલિકોપ્ટર તૈનાત કરાતા 248થી વધુ નાગરિકોનો બચાવ થયો છે. ચાર લાખથી વધુ ફુડ પેકેટેસનું વિતરણ કરવામાં આવ્યું છે. ભારે પૂરમાં જે નાગરિકોના મોત થયા છે તેમના પરિવારજનોને રૂ. ચાર લાખની સહાય અને અસરગ્રસ્તોને કેશડોલ્સ પેટે રોકડ રકમ ચુકવવાનો આદેશ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કર્યો છે. તેમણે પૂરથી ઘરવખરી, ખેતી, જાનમાલનું જે નુકશાન થયું છે તેનો સર્વે કરવાનો આદેશ કર્યો છે. ભારે વરસાદને કારણે બનાસકાંઠામાં એનડીઆરએફની 14 ટીમોએ ભાભર, દિયોદર, ડીસા, થરાદ, વાવ વિગેરે વિસ્તારમાં બચાવની કામગીરી હાથ ધરતા 248થી વધુ લોકોનો જીવ બચાવ્યો હતો. બનાસકાંઠામાં એન.ડી.આર.એફ.ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

પૂરગ્રસ્તોને બે દિવસમાં મદદ મળી જશે: આનંદી બેન પટેલ

ઉત્તરગુજરાતમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે જે માટે રાહત કામગીરી યુદ્ધનાં ધોરણે શરૂ કરવામાં આવી છે. આજે બપોરે 4 વાગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચી ગયા છે. જયારે સૌરભ પટેલ પાટણ પહોંચી ત્યાંની પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. પાલનપુર પહોંચેલા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે \\\'બે દિવસમાં પાણી ઉતરી જશે, બે ત્રણ દિવસમાં પાણી ઉતરી જાય એટલે સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ મદદ પહોંચી જશે. 155 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેમને બે દિવસમાં યોગ્ય મદદ મળી જશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મહેસાણા પહોંચી કલેકટર અને ડીઈઓ સાથે ચર્ચા કરી હતી અને ત્યાંથી પાલનપુર પહોંચ્યા હતા.