• Gujarati News
  • બહારની 100થી વધુ ટુકડી વીજ મરંમત કરશે

બહારની 100થી વધુ ટુકડી વીજ મરંમત કરશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાંથયેલા ભારે વરસાદની ભયાનકતા વધારતો તોફાની પવન ફુંકાવાના કારણે વીજ માળખાંને 1.50 કોડનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક તારણમાં જણાયું છે. સંજોગોમાં પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાતાં જ્યોતિગ્રામ અને ખેતીવાડીના કેટલાંક ફિડરોને બાદ કરતાં તમામને કાર્યરત કરી દેવાયાં છે. સ્થિતિની ગંભીરતાને લઇને બુધવાર રાત્રિ સુધી કચ્છમાં પહોંચનારી સૌરાષ્ટ્રની 100થી વધુ ટુકડીઓ આજે મરંમત કામમાં જોડાઇ જશે. દરમિયાન, જ્યાં પહોંચવાનું દુષ્કર છે, તેને બાદ કરતાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં હવે કોઇ કુદરતી અડચણો ઊભી નહીં થાય, તો બેથી ત્રણ દિવસમાં પૂરતો પાવર સપ્લાય મળે તે માટે વીજ કંપનીએ કવાયત હાથ ધરી છે.

પીજીવીસીએલના 102 સબ સ્ટેશન અને 790 જેટલાં ફિડરનું માળખું કચ્છમાં બુધવાર સુધી સતત ત્રણ દિવસ માટે તોફાની વરસાદના કારણે અનેક ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં વીજ માળખાંને વ્યાપક નુકસાન થતાં મોટા ભાગે વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો અથવા તો સલામતી ખાતર બંધ કરી દેવાયો હતો, પણ બુધવારથી સ્થિતિ થાળે પડતાં શહેરોના 49, ઉદ્યોગોના 48, હાઇ ટેન્શનના 77, અતિભારે વીજ પ્રવહનના 44 તેમજ જીઆઇડીસીના 7 એમ તમામ ફિડરો પૂર્વવત થઇ ગયાં હતાં, જ્યારે ખેતીવાડીના 414 પૈકીના 345 તથા જ્યોતિગ્રામના 151માંથી 49 ફિડર બંધ રહેતાં તેને કાર્યરત કરવા કવાયત કરાઇ હતી.

કચ્છની વર્તુળ કચેરીના કાર્યપાલક ઇજનેર મેઘાણીએ વિગતો આપતાં કહ્યું હતું કે, હાલે જિલ્લાની વિવિધ વીજ કચેરીની 120 તેમજ ઠેકેદારની 37 મળીને 157 જેટલી ટુકડી કામે લાગી ગઇ છે, જ્યારે બુધવારે મોડી રાત સુધીમાં જામનગર, પોરબંદર, જૂનાગઢ, સહિતની કચેરીઓમાંથી નાયબ તેમજ જુનિયર ઇજનેરો સહિતની 68 તેમજ કોન્ટ્રાક્ટરની 41 એમ 109 જેટલી ટીમ ગુરુવારથી કચ્છમાં મરંમત માટે જોતરાઇ જશે.

43 ગામોમાં પાણી ભરાતાં કામ કરવું મુશ્કેલ

રાપર અને ભચાઉ તાલુકાના 28, અંજારનું 1, ખાવડા વિસ્તારના 10 તેમજ ગાંધીધામ તાલુકાના 4 સહિત 43 ગામોમાં પાણી ભરાઇ જતાં હાલે વીજ મરંમતનું કામ લગભગ અસંભવ જેવું છે. ગામોમાં પાણી ઓસરી ગયા બાદ કામગીરી થઇ શકશે, જ્યારે 124 ગામ એવાં છે જ્યાં પહોંચવું મુશ્કેલ છે. વાગડના 124, પશ્ચિમ કચ્છના 73 અને અંજારના 2 ગામનો તેમાં સમાવેશ થાય છે.

રાજકોટથીચીફ એન્જિનિયર ધસી આવ્યા

કચ્છમાંથયેલાં વ્યાપક વીજ નુકસાનના પગલે રાજકોટથી વીજ કંપનીના ચીફ એન્જિનિયર (ટેક) કે.એમ. ભુવા ભુજ ધસી આવ્યા હતા, તેમણે અધિકારીઓ અને કચ્છના ઇજનેરો પાસેથી વિગતો લઇને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને કાર્યવાહીમાં ઝડપ લાવવા માટે જરૂરી સૂચનો કરીને આગળની કામગીરી માટેના પગલાં ભર્યાં હોવાનું કચ્છના વીજ વડા પી.એચ. વ્યાસે જણાવ્યું હતું.

માનકુવાના કોડકી રોડ પર વિજ ટૂકડી કામગીરીમાં વ્યસ્ત નજરે પડે છે.

મોટાભાગના જિલ્લામાં બે દિવસમાં વીજ પુરવઠો પૂર્વવત થઇ જશે