• Gujarati News
  • રોમાનિયા ટેન્કના દબાણોએ કોલોનીઓને ડૂબાડી

રોમાનિયા ટેન્કના દબાણોએ કોલોનીઓને ડૂબાડી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિપક્ષે નુકસાનીમાંથી લોકોને ઉગારવા કરી સીઓને રજૂઆત

ભુજમાંમેઘની મહેર ભલે થાય, પરંતુ તે હંમેશાં લોકો માટે મુશ્કેલી બની જાય છે. આનું કારણ મેઘરાજાની અનહદ મહેર નહીં પણ શહેરભરના વહેણો પર થયેલા દબાણો અને તેને હટાવવા માટે ભુજ પાલિકાની અનિચ્છા જવાબદાર છે. જો ચોમાસાંમાં 5 ઇંચથી વધુ વરસાદ પડે, તો અડધું ભુજ ડૂબમાં ચાલ્યું જાય છે. તેનું એક માત્ર કારણ દબાણ અને મુખ્ય 24 કૂવાની આવની કરાતી સફાઇ છે. સોમવારના વરસાદ બાદ મંગળવારે પણ સચરાચર મેઘો થતાં ભુજમાં 10 ઇંચ ઉપર પાણીની આવક થઇ, પરંતુ વધારાના પાણીની જાવક માટેના રસ્તા મર્યાદિત અને અડચણરૂપ બની જતાં છતરડી તળાવનું પાણી ઉમેદનગર-સંસ્કારનગર, એકતા, સંયુક્તા સોસાયટીમાં ભરાતા ફરી લોકોને 2011 જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો, તો બીજીતરફ ભાનુશાલીનગરમાંથી પસાર થતાં વહેણના કારણે પણ અહીં ઘરોમાં પાણી ઘૂસ્યાં હતાં.

હમીરસર તળાવમાંથી પાણીની જાવક માટે ઓગન વાટે પાણી બહાર નીકળે છે, ઉપરાંત હમીરસર ભરાયા બાદ તે પાણી છતરડી તળાવમાં જાય છે, તળાવ ભરાયા બાદ પાણી ખેંગારપાર્ક વચ્ચે આવેલી આવથી થઇને રોમાનિયા ટેન્ક તરીકે ઓળખાતા વહેણમાંથી શહેર બહાર નીકળે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ખેંગારપાર્ક વચ્ચે આવેલા વહેણ તથા રોડ પરના પુલની નીચેના બાકોરાં સાફ નથી કરાયા. પરિણામે તે પુરાઇને 2 ફુટના થઇ ગયા છે. બાકોરાં વાટે પાણી રોમાનિયા ટેન્કની આવમાં જાય છે, પરંતુ હાલે આવમાં જવા માટે પણ જગ્યા નથી તેમજ ખુદ રોમાનિયા ટેન્કના વહેણ અંદર લોકો વસાહત બનાવીને રહેવા લાગ્યા હોઇ પાણી શહેર બહાર નીકળાવાના બદલે છતરડી તળાવમાં બેક મારીને આસપાસની વસાહત ઉમેદનગર તથા સંસ્કારનગરમાં ભરાય છે.

રોમાનિયા ટેન્કને પાકા બાંધકામો કરીને બ્લોક કરી દેવાઇ છે. આવમાં રહેતા લોકો પોતાના તરફ પાણી આવે તે માટે વચ્ચે દીવાલ પણ ચણી દીધી છે. પરિણામે હમીરસર ભરાયા બાદ છતરડી ભરાયા બાદ પાણીને નીકળવા માટે કોઇ રસ્તો રહેતા પાણી વસાહતોમાં ફંટાય છે. તમામ હકીકત ભુજ પાલિકાના અધિકારી તથા પદાધિકારીઓને ખબર હોવા છતાં આજદિન સુધી કોઇ પગલાં ભરાયાં નથી. એક માસ પહેલા પણ ભાસ્કરે તરફ અંગૂલીનિર્દેશ કર્યો હતો.

ઉમેદનગરમાં પાણી ઉલેચવાની કામગીરી તથા મહિલાઓ કરેલી રજૂઆત.

મુખ્ય અધિકારી ઢીલા વલણથી દબાણો હટાવવાની કામગીરી ફરી મૃતપ્રાય

તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા આજથી 5 માસ પહેલાં ભુજમાં વહેણ પર કઇ જગ્યાએ દબાણો છે, તે જાણીને તેને હટાવવા માટે કવાયત હાથ ધરવા સિટીસર્વેમાં સુધરાઇ વતી ડિમાર્કેશન રિપોર્ટ માગવામાં આવ્યો હતો. રિપોર્ટ માગનારા ચીફ ઓફિસર તો બદલી ગયા, પણ રિપોર્ટનું ફોલોઅપની હાલના સીઓ મેહૂલ જોધપુરાએ અનિચ્છાના કારણે રિપોર્ટ હજી સુધરાઇને મળ્યો નથી. પરિણામે વહેણ પરના દબાણો હટાવવાની જે ઇચ્છાશક્તિ થોડા અંશે ઊભી થઇ હતી ફરી તે મૃતપ્રાય થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, માસ પહેલાં જોધપુરાએ અખબારોમાં નિવેદન આપવા ખુદ કબૂલ્યું હતું કે, વહેણના દબાણોના કારણે પાણી ભરાવવાની સમસ્યા થાય છે, તેને જાણવા માટે સિટીસર્વેમાંથી ડિમાર્કેશન રિપોર્ટનું હું ફોલોઅપ કરીશ, તે નિવેદનને એક માસ થઇ ગયો અને વરસાદ પણ આવી ગયો છતાં વહેણ પરના દબાણો હટવાની કામગીરી તો દૂર કયા દબાણો છે, તે પણ જાણવા તસ્દી લેવાઇ.

પાટવાડી બહારના વિસ્તારોને ઉગારો

નીચાણવાળવિસ્તારોમાં ખાસ પાટવાડી નાકા બહારના સંજોગનગર, ફીરદોશ કોલોની, ભારતનગર, અમનનગર, મુસ્તફાનગર, ખારસરા ગ્રાઉન્ડ વગેરેમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાય છે, ત્યારે ગઇકાલે પણ સ્થિતિ થઇ હતી. લોકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત સરપટ નાકા બહાર તથા ભીડનાકા બહારના ભાગોમાં પણ મુશ્કેલી ઊભી થઇ હતી, ત્યારે વિસ્તારોને સમસ્યાથી કાયમી મુક્ત કરવા વ્યવસ્થિત આયોજન કરાય તેવી માંગ ભુજ પાલિકાના વોટર સપ્લાય સમિતિના ચેરમેન અલીમહમદ જતે ધારાસભ્ય ડો.આચાર્યને કરી હતી. ઉપરાંત બન્નીમાં માલધારીઓના ઢોર મરવાના કારણે થયેલા નુકસાનનું વળતર આપવા પણ રજૂઆત કરાઇ હતી.

વોર્ડ.1માંરસ્તાની મરંમત સાથે રાહત અપાય

વોર્ડ-1માંહમીરસર ઓગનનું પાણી ફરી વળતાં ભારે નુકસાની થઇ છે. તારાજીને રોકવા અનેક જગ્યાએ રસ્તા તોડવા પડેલા હોઇ તથા સંજોગનગર, અમનનગર, મુસ્તફાનગર, એકતાનગર, રહીમનગર વગેરેમાં પાણી ભરાતા કાદવ-કીચડ સાથે ખાડાઓ પડી ગયા છે, જેથી રોગચાળો ફેલાવાની ભીતિ છે, ત્યારે કાચા રસ્તાઓમાં કાંકરી કે ભૂંસી પાથરીને યોગ્ય બનાવાય તેમજ ગંદું પાણી ઉલેચવા મશીનરી ફાળવાય તેમજ દવા છંટકાવ કરાયે તેવી માંગ વિસ્તારના કાઉન્સિલર હમીદ ભટ્ટીએ સીઓને કરી હતી.

ભુજ પાલિકાની શહેરમાં વહેણના દબાણો હટાવવાની અનિચ્છા ચોમાસાંમાં સર્જે છે આફત

ભુજમાં થોડો પણ વધારે વરસાદ આવે, તો મોટાભાગની કોલોનીઓ જળબંબાકાર બની જાય છે, તેથી જાન-માલ બન્નેને નુકસાન થાય છે, તો આગામી વર્ષોમાં સ્થિતિ ફરી સર્જાય, તે માટે પગલાં ભરવા વિપક્ષે ચીફ ઓફિસરને કેટલાક સૂઝાવ સાથે રજૂઆત કરી હતી, જે સૂઝાવ નીચે પ્રમાણે હતા.

{ ભુજ શહેરના પડદાપીઠ હનુમાનથી એસ.ટી વર્કશોપ સુધી જતા રસ્તાની ડાબી બાજુ (શાંતિનગર)થી 3 થી 4 ફુટની કેનાલ બનાવવી, જે નાળાંમાં જોડવી જેથી પાણી નીકળી જાય.

{ સંસ્કારનગર ગરબી ચોકને જોડતી શેરીમાં રામદેવસિંહનગર પાસે પાણી નિકાલનું આયોજન છેલા સુધી કરવું જરૂરી છે, જેથી અહીં ભરાતું પાણીના કારણે ગટર ચોકઅપ થાય છે તે અટકે, માટે નાની કેનાલની જરૂર છે.

{ સંસ્કારનગરમાં ડો.હિરાણીના ઘર પાસેથી ગોર પરિવારના ઘર પાસેથી 4 ફુટની કેનાલ જરૂરી છે, જે માણેક પરિવારના ઘર પાસે પાછળની દીવાલ અને ગોર પરિવારના ઘરની દીવાલ તોડી અને વચ્ચેથી બનાવવી જે દબાણમાં આવેલી છે.

{ ઉમેદનગર પાસે બોક્સ ગેટવાળો પુલ બનાવવો જરૂરી છે, જેથી પાણી નિકાલ ઝડપી થાય

{ વોક-વેમાં પણ છતરડીવાળા તળાવ અને વોક-વેવાળા તળાવની વચ્ચે બોક્સ ગેટવાળો પુલ બનાવવો જરૂરી છે, તેથી બન્ને વચ્ચે પાણી સહેલાઇથી પસાર થઇ શકે અને એકતા, સયુંક્તા તેમજ ઉમેદનગરમાં પાણી ભરાતાં અટકે અને પાણી રોમાનિયા ટેન્ક થઇ બારોબાર નીકળી શકે.

{ ઉમેદનગર ફરતે બાઉન્ડરીવોલ બનાવવી જેથી તળાવનું પાણી સીધું કોલોનીમાં જતું અટકે.

{ હમીરસર તળાવના પાણીના નિકાલ માટે ઓગન મોટો કરવાની જરૂર છે. ઓગન પર પાટિયા ફિટ પણ કરી શકાય એમ છે.

{ હમીરસર તળાવમાં પાણી જે ધૂનારાજા ડેમમાંથી પાટિયાપુલ થઇ આવે છે, તે પાણી સરળ રીતે આવે તે માટે પાટિયા સજ્જ કરવા જોઇએ, જેથી પાણીની આવ બંધ કરવી હોય તો થઇ શકે.

હુસેની ચોકમાં મકાન ધરાશાયી થતાં વૃદ્ધા અને બાળકી માંડ બચી

ભુજમાંમંગળવારે ધોધમાર પડેલા વરસાદમાં કેમ્પ એરિયામાં આવેલા હુસેની ચોકમાં જૂનું એક મકાન સવારે ભારે પવન અને વરસાદના કારણે ધરાશાયી થઇ ગયું હતું. ધબાકા સાથે નળિયા પડવાના ચાલુ થતાં સતર્ક થઇ ગયેલા વૃદ્ધા તથા એક બાળકી ઝડપભેર બહાર નીકળી જતાં તેઓ બચી ગયા હતા, જ્યારે ઘરવખરી નાશ પામી હતી.