• Gujarati News
  • National
  • સામાન્ય વિસ્તારોને પડતા મૂકાવીને કાઉન્સિલરે ખાનગી પ્રોપર્ટી સાફ કરાવી

સામાન્ય વિસ્તારોને પડતા મૂકાવીને કાઉન્સિલરે ખાનગી પ્રોપર્ટી સાફ કરાવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજમાંઉમેદનગર, સંસ્કારનગર, કૈલાસનગર, ભાનુશાલીનગર સહિત અનેક સ્લમ વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને ઉલેચવા તથા કાદવ-કીચડ સાફ કરવા બુધવારે સુધરાઇના કર્મચારીઓ કામે લાગ્યા હતા. દરેક વિસ્તારોમાં ટીમો બનાવીને સાધનો ફાળવીને કામગીરી ચાલતી હતી. બપોર બાદ સુધરાઇના એક કાઉન્સિલર પોતાની અંગત જગ્યાએ સાફસુફી કરવા સાધનો મોકલવા આદેશ કરતાં રોષ ફેલાયો હતો. ધબડાટી સાથે કરાયેલા હુકમથી નાછૂટકે કર્મચારીઓને સામાન્ય વિસ્તારની સફાઇ પડતી મૂકીને ત્યાં સાધનો લઇ જવા પડ્યા હતા.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સવારથી કૈલાસનગર, સરપટગેટ, સંસ્કારનગર સહિતના વિસ્તારોમાં સાફ-સુફી તથા પાણી ઉલેચવાની કામગીરી ચાલતી હતી, તે પૂરી થયા બાદ સાધનોને અન્ય જગ્યાએ પાણી ખેંચવા કામે લઇ જવાતા હતા, પરંતુ તે દરમિયાન સુધરાઇના એક પદાધિકારીનો ફોન આવ્યો હતો અને પોતાના અંગત જગ્યાએ પાણી કાઢવાનું હોઇ સાધનો તાત્કાલિક મોકલવા જણાવતાં કર્મચારીઓ અવાચક રહી ગયા હતા. નાછૂટકે વસાહતનું કામ પડતું મૂકીને પદાધિકારીના હુકમનું પાલન કર્યું હતું. વિગતની જાણ વસાહતના લોકોને થતાં રોષ ફેલાયો હતો. લોકોએ જણાવ્યું હતું કે, બે દિવસથી પાણી ભરેલા ઘરોમાં અમે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ, પરંતુ જેને અમે ચૂંટ્યા છે, તેઓ અમારી ચિંતા કરવાના બદલે હાલે પણ પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના વિવિધ િવસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યાં રાજકીય નેતાઓએ પોતાના લાગતા વળગતાના કામ કર્યા હતા.

ઉમેદનગરમાં ધારાસભ્ય પર મહિલાઓ વરસી પડી

જ્યારે પણ થોડો વધુ વરસાદ પડે એટલે તળાવનું પાણી કોલોનીમાં ફરી વળે છે. સ્થિતિ હવે તો દર બે વર્ષે સર્જાય છે. તળાવની બહાર નીકળનારી આવની સફાઇ તથા દબાણો હટાવતાં લોકો જાન-માલ ખતરામાં મુકાય છે, તો શા માટે પદાધિકારીઓ આંખ આડા કાન કરીને દબાણોકારોને છાવરે છે તેમજ દર વર્ષે આવની સફાઇ માટે લાખો રૂપિયા ફાળવે છે, છતાં કેમ સફાઇ નથી કરાતી તેવા સવાલ ઉમેદનગરની મુલાકાતે આવેલા ધારાસભ્ય ડો. નીમા આચાર્ય સમક્ષ રહેવાસીઓ મહિલાઓએ ઉઠાવ્યા હતા.

વ્હાલાંદવલાંની નિતી : નગરપાલિકાની ટીમે સંસ્કારનગરમાં પૂર્વ ધારાસભ્યનું ઘર સાફ કર્યું

પાણીભરાયેલા સંસ્કારનગર, ઉમેદનગર, કૈલાસનગર, સરપટગેટ વગેરે જેસીબી, હિટાચી સહિતના મશીનો કામે લાગયા હતા. તે વચ્ચે સંસ્કારનગરમાં 4 ફુટ સુધીના પાણી ઘરોમાં ભરાયા હતા. સૌ લોકો પાલિકા મદદે આવીને કામગીરી કરે તેની રાહમાં હતા, પરંતુ નવાઇ વચ્ચે સવારે સુધરાઇની 6 કર્મચારીની ટીમ ભૂતપૂર્વ ધારાસભ્યના ઘરમાં સાફસફાઇ કરવા ખાસ આવી હતી. પાણી સાથે કાદવ-કીચડ કાઢ્યો હતો, જયારે બીજીતરફ નજીકના ઘરો એજ સ્થિતિમાં હતા, તેઓને કોઇએ પૃચ્છા સુદ્ધાં કરતાં કચવાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...