• Gujarati News
  • ભુજમાં દર મહિને 1 હજાર બોગસ રાશનકાર્ડ ?

ભુજમાં દર મહિને 1 હજાર બોગસ રાશનકાર્ડ ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસૂલતંત્રમાં ભ્રષ્ટાચાર અે નવી વાત નથી ગણાતી, ત્યારે કેન્દ્ર સરકાર સહિતની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ઉપયોગી એવા રાશનકાર્ડમાં ગોલમાલ કે ગેરરીતિ કરાઇ હોય તેવું સપાટી પર આવ્યું છે. ભુજના જન સેવા કેન્દ્રમાંથી માસમાં હજાર જેટલા બારકોડેડ રાશનકાર્ડ વધારે અપાતાં બોગસ રાશનકાર્ડ સહિતની ગેરરીતિ થઇ હોવાનું સમજાઇ રહ્યું છે. વર્ષોથી મહેસૂલ ખાતાની રીતિ-નીતિ જાણતાં કર્મચારીઓના કરતૂત હોવાનું પણ ખૂલી શકે એમ છે.

મળતી માહિતી પ્રમાણે ભુજમાં કલેક્ટર કચેરી પરીસરમાં આવેલા જન સેવા કેન્દ્રમાં અરજદારો હેરાન થતા હોવાની રાવ વચ્ચે પુરવઠા શાખાના વચેટિયાઓ અને કર્મચારીઓની મિલિભગત વચ્ચે રાશનકાર્ડ બનાવવામાં કથિત કૌભાંડ કરાયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઓપરેટર, કોન્ટ્રેક્ટબેઝ કર્મચારીઓ કે વર્ષોથી ખાતામાં પેંધી ગયેલા કર્મચારીઓ દ્વારા બોગસ રાશનકાર્ડ બનાવવાની પેરવી કરાઇ રહી હોય તેમ ખુદ મહેસૂલ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

સામાન્ય રીતે એક માસમાં 500ની આસપાસ રાશનકાર્ડ બનાવાતા હોય છે. માસમાં સંખ્યા ત્રણથી ચાર હજાર થતી હોય છે, પરંતુ પ્રમાણ માસમાં અચાનક વધી ગયું હોવાનું પુરવઠા ખાતાને ધ્યાને ચઢ્યું હતું. ત્રણથી ચાર હજારના સ્થાને સીધા હજાર જેટલા રાશનકાર્ડ વધુ બની ગયા હોવાનું સમજાય છે. આટલો તફાવત આવવાના કારણે જિલ્લા પુરવઠા અધિકારીએ તેમના સંબંધિત કર્મચારીઓને રીતસરના ધધડાવ્યા હોવાનું માહિતગારોએ કહ્યું હતું. છાને ખૂણે ચર્ચાતી બાબત બહાર પડે, તે માટે ખાસ્સા પ્રયાસ કરાયા છે, પરંતુ મહેસૂલની અમુક શાખાઓમાં અરજદારોના ઓળખીતાઓએ ફરિયાદો કરી છે અને તેમની રાશનકાર્ડના કારણે ઊભી થયેલી સમસ્યાને કેમ દૂર કરી શકાય એવા સવાલો કરવામાં આવી રહ્યા છે.

ભુજના જન સેવા કેન્દ્રમાં વિવિધ કામગીરી માટે આવેલા અરજદારો નજરે પડે છે.

માસમાં હજાર કાર્ડ બની ગયા |જન સેવા કેન્દ્રમાં ગેરરીતિના કારણે તાલુકાવાસીઓ થયા પરેશાન

બારકોડેડ રાશનકાર્ડ કઢાવવા માટે જરૂરી આધાર પુરાવાઅો તેના નિશ્ચિત ફોર્મ સાથે રજૂ કરવાના હોય છે, પરંતુ જે છએક હજાર કાર્ડ બનાવવામાં આવ્યા છે, તેમાં શક્યત: આવા ધારાધોરણો પણ જળવાયા નથી અને માત્ર એકાદ ચિઠ્ઠી પરથી રાશનકાર્ડ આપી દેવાયા છે. એક તબક્કે તો એવી બાબત પણ ચર્ચાઇ રહી છે કે, અમુક વધારાની રકમ લઇને પણ સંબંધિતોએ અસલ જેવા કાર્ડ ગ્રામીણ વિસ્તારોમાં પધરાવી દીધા છે, જેમાં જૂના અને અનુભવીઓની સીધી દોરવણી હોવાનું કહેવાય છે.

ગ્રામીણ ભાગોમાં વધુ રકમ પડાવી કાર્ડ પધરાવાયા

DSOનું સમર્થન : તપાસ બાદ તથ્ય બહાર આવશે

મામલેજિલ્લા પુરવઠા અધિકારી ઇન્દ્રજિતસિંહ વાળાને પૂછતાં તેમણે નિયત સંખ્યા કરતાં વધુ બારકોડેડ કાર્ડ બની ગયા હોવાને સમર્થન આપ્યું હતું. અન્ય તાલુકાની સાપેક્ષે ભુજ તાલુકામાં સંખ્યા અચાનક કેમ વધી અથવા કેવી રીતે વધી તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, માત્ર એકાદ ચિઠ્ઠીના આધારે કાર્ડ નીકળી ગયા હોય તે શક્ય નથી તેમ છતાં જે કોઇ કર્મચારી કે સંબંધિત અધિકારીએ સરકારી ધારાધોરણોની ઉપરવટ જઇને આવા કાર્ડ પૂરા પડાયા હશે, તો તેમની સામે સરકારી રાહે પગલાં પણ ભરવામાં આવશે.