ભુજ આરટીઓ કચેરીમાં શૌચાલય-પાણીની સમસ્યાથી અરજદારો પરેશાન
કચ્છનીમોટરિંગ પબ્લિકનો ભારે ધસારો રહે છે એવી ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીમાં લાંબા સમયથી શૌચાલય અને પીવાના પાણીની વકરતી સમસ્યાથી અહીં કામનો નીપટારો કરવા આવતા અરજદારો ભારે પરેશાનો ભોગવી રહ્યા છે.
આરટીઓ કચેરીમાં કામ નીપટાવવા માટે દૈનિક મોટી સંખ્યામાં લોકોની આવન-જાવન રહે છે, પણ જ્યારે કચેરીમાં લોકો આવે છે, ત્યારે તેમને પ્રાથમિક સુવિધાનો અભાવ સામે આવીને ઉભો રહે છે. સમસ્યા હમણાની નહીં પણ લાંબા સમયથી શિરદર્દ સમાન બની ચૂકી હોવા છતાં તેનો ઉકેલ લાવવામાં આરટીઓ તંત્રના જવાબદારોને રસ હોય તેવું ચિત્ર ઉપસીને સામે આવી રહ્યું છે.
જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર આરટીઓ કચેરીના પરીસરમાં આવેલા શૌચાલયમાં ઘણા લાંબા સમયથી સફાઇ થઇ નથી. સફાઇના અભાવે શૌચાલય એટલું તો દુર્ગંધ મારે છે કે અહીં મોઢે રૂમાલ રાખ્યા વગર પસાર થવું પણ મુશ્કેલરૂપ બની જાય છે.
શૌચાલય જેવી સમસ્યા પાણીની છે. પીવાનું પાણી મળી રહે તે માટે બોર બનાવાયો છે. જોકે, કેટલાક કારણોસર બોર ચાલુ કરી શકાયો નથી. કચેરીમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે તો મિનરલ વોટરની બોટલ આવે છે, પણ સામાન્ય લોકોને નળ વાટે દૂષિત પાણી પીવાની ફરજ પડી રહી છે.
હાલમાં જ્યારે કમળાનો વાયરો વકરી રહ્યો છે, ત્યારે આરટીઓ કચેરીમાં આવતા અરજદારોને દૂષિત પાણી પીવાની ફરજ પડી રહી હોવાના લીધે તેમને રોગના ભરડામાં સપડાવવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.
અરજદારો માટેની પાણીની વ્યવસ્થા ગંદી : RO પ્લાન્ટ બંધ હાલતમાં
કર્મચારીઓ માટે આવે છે મિનરલ વોટર પણ સામાન્ય લોકોને પીવું પડે છે નળનું દૂષિત પાણી