5 નર્મદા રથ 10 દિવસ સુધી જિલ્લામાં ફરી વળશે : ગામે ગામ યોજાશે કાર્યક્રમો
કચ્છનીજીવાદોરી સમાન નર્મદાના મહોત્સવની ઉજવણી અર્થે આગામી જુલાઇ માસની 6ઠ્ઠીથી 15મી સુધી જિલ્લાભરમાં પાંચ નર્મદારથ દસ દિવસ ફરશે. સાથે પૂજન-આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ડાયરા-ગરબા-ભજન, ખેડૂત બેઠક, બાઇક-સાઇકલ રેલી, બ્લડ ડોનેશન, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે.
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને મળેલી આયોજન સમિતિની બેઠકમાં ‘મા નર્મદા મહોત્સવ’ની ઉજવણીમાં લોકો, ખેડૂતો, પશુપાલકો, મહિલાઓ, યુવાઓ, વિદ્યાર્થીઓ, સખીમંડળો, પાણી સમિતિ સહિતનાને જોડવા માટેના પ્રયાસો હાથ ધરવા તાકીદ કરાઇ હતી.
મહોત્સવના પ્રત્યેક યાત્રાના દિવસે ગામમાં આગમન સમયે રથની આરતી સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો, ડાયરા-ગરબા-ભજન, ફિલ્મ, ખેડૂત અને મહિલા બેઠક, બાઇક-સાઇકલ રેલી, બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં લોકો સક્રિયપણે ભાગ લે તે માટે માઇક્રો પ્લાનીંગ કરવા સૂચના અપાઇ હતી. નર્મદાના નીરથી ભરાયેલા ડેમ તથા તળાવ ખાતે નીરની પૂજા-અર્ચના સાથે નર્મદાની મૂર્તિ, કળશ, મશાલ, 15 હજાર નાના નર્મદા ધ્વજ, નર્મદાની ફિલ્મ, સાહિત્ય, સુત્રો, કાવ્ય, નિબંધ, વકતૃત્વ, ચિત્ર સ્પર્ધા, સરદાર સરોવર નર્મદા પ્રોજેકટની સફળ ગાથાઓ, મોબાઇલ વિડિયો ફિલ્મ જેવા મહત્વના કાર્યક્રમોના અમલીકરણ માટે તાલુકાકક્ષાએ ટીમો બનાવાશે.
જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલ અને અધિક કલેક્ટર ડી.આર. પટેલે પ્રસંગે બાળકોની મેરેથોન રેસ, નર્મદા અષ્ટકમ ગીતનું ગાન, ડ્રીપ ઇરીગેશનને પ્રોત્સાહન સહિતની બાબતોને સાંકળી લેવા પર ભાર મૂક્યો હતો. નાયબ કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળાએ દરેક રથ સાથે રહેનાર કોર ટીમ, રથના રૂટના ગામો નક્કી કરવાની કામગીરી, કાર્યક્રમનું દસ્તાવેજીકરણ સહિત કામગીરીની છણાવટ કરી હતી.
બેઠકમાં પ્રાંત અધિકારીઓ ડી.સી. જોષી, મિતેષ પંડયા, નવલદાન ગઢવી, અસારીભાઇ, ડીએમઓ કે.જી. ચૌધરી, સિવિલ સર્જન જીજ્ઞાબેન ઉપાધ્યાય, ડીવાયએસપી ચૌધરીભાઇ, પાણી પુરવઠા વિભાગના રાઠવાભાઇ, એલ.જે. ફફલ, નર્મદા વિભાગના બરજોડભાઇ, સિંચાઇ વિભાગના કોટવાલભાઇ, સીડીએચઓ ડો. પંકજ પાંડે, નાયબ પશુપાલન નિયામક ડો. બ્રહ્મક્ષત્રિય, ખેતીવાડી અધિકારી શિહોરાભાઇ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
6થી 15 મી સુધી પૂજન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ડાયરા, વૃક્ષારોપણ યોજાશે